Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : You are a friend to your friends, how loyal you are

Shatdal : તૂ યારોં કા યાર હૈ, કિતના વફાદાર હૈ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Shatdal : તૂ યારોં કા યાર હૈ, કિતના વફાદાર હૈ
સોર્સ : Google

- સેલિબ્રેશન

App Store

- દોસ્તીનો એસિડ ટેસ્ટ મૌનમાં હોય છે, ગાઢ મિત્રો સતત એકબીજા સાથે વાત કરતા નથી તેમના વચ્ચે મૌન પણ બોલતું હોય છે 

- 3 ઓગસ્ટ

- ફ્રેન્ડશિપ ડે

કહેવામાં આવે છે કે, ગુણ મળે ત્યારે જીવનસાથી મેળાપ થાય છે અને અવગુણ મળે ત્યારે દોસ્તી જન્મે છે.'દોસ્તી' અઢી અક્ષરનો શબ્દ છે અને ચેસની રમતમાં અઢી ઘરની ચાલ ચાલતા ઘોડાની મસ્તી આ શબ્દમાં છે. ચેસની રમતમાં હાથી સીધો કે આડો જ જ્યારે ઊંડ ત્રાંસો ચાલે છે પરંતુ ઘોડો અઢી ઘર કૂદે છે. ઘોડાની ચાલની જેમ દોસ્તીમાં પણ બંધનો તોડવાની, ખુવાર થઇ જવાની વાત છે. આંખના ભાવ કે અવાજના ટોન પરથી જેના હૃદયનું મનોમંથન બીજી જ ઘડીએ જાણી લે તે સાચો દોસ્ત. જેને મીઠા ગુસ્સામાં ગાળ આપીને બોલાવી શકાય પણ તેને કોઇ ત્રાહિત વ્યક્તિ ગાળ આપીને જતું રહે ત્યારે દિમાગની કમાન છટકે તે મિત્ર. કોઇ પણ બાળક કિન્ડર ગાર્ડન કે પ્લે સ્કૂલમાં જાય છે ત્યારે માતા-પિતા બાદ તેનો પ્રથમ સહારો કોઇ હોય તો તેનો મિત્ર છે. કોઇ સારી વાનગી ખાધા પછી કે સારી ફિલ્મ જોયા પછી જેની સૌપ્રથમ યાદ આવે તેને પણ ત્યાં ખેંચીને લઇ જવાનું મન થાય તેનું નામ મિત્ર.

પાક્કા દોસ્તોને એકબીજા સાથે વાત કરવા માટે કોઇ વિષય શોધવા જવાની જરૂર પડતી નથી. પરંતુ દોસ્તીનો એસિડ ટેસ્ટ મૌનમાં હોય છે. ગાઢ મિત્રો સતત એકબીજા સાથે વાત કરતા નથી તેમના વચ્ચે મૌન પણ બોલતું હોય છે. કહેવામાં આવે છે કે સંવાદથી પ્રેમ-આત્મિયતા વધે છે. પરંતુ આ વાતમાં મનુષ્ય અને પ્રાણી-પક્ષી વચ્ચેનો પ્રેમ અપવાદ છે. બંને વચ્ચે એકમેકની ભાષા સમજી શકતા નથી અને મૌનથી જ બંને વચ્ચે સંવાદ થતો હોય છે. આમ છતાં મનુષ્ય અને પ્રાણી જ્યારે એકમેકને પ્રેમ કરે છે ત્યારે તે વર્ણન કોઇ શબ્દો કે વિશેષણોનું મોહતાજ રહેતું નથી. પ્રાણીઓમાં મનુષ્યનું કોઇ સૌથી જૂનું મિત્ર હોય તો તે કૂતરું છે. આદિકાળમાં શિકાર કરવા માટેનું જોડીદાર એવું શ્વાન હવે આજના સમયમાં અનેક લોકો માટે 'વોકિંગ પાર્ટનર' બની ચૂક્યું છે.

૩ ઓગસ્ટે 'ફ્રેન્ડશિપ ડે' ની ઉજવણી કરવા જઇ રહ્યા છીએ ત્યારે અનોખી મિત્રતાની વાત કરવાની છે.  ૧૯૨૪ના વર્ષની આ વાત છે. ટોકિયો ઇમ્પેરિયલ યુનિવસટીના પ્રોફેસર હિડેસાબુરો યુએનો તેમના નિયમિત ક્રમ મુજબ સાંજે બરાબર પાંચના ટકોરે ઘરે પરત ફરી રહ્યા હતા. અચાનક જ તેમના પગ રસ્તામાં આમથી તેમ ફરી રહેલા કૂતરાના એક નાનકડા બચ્ચાં સાથે ટકરાયા. આ પ્રોફેસરે તુરંત જ તે ડોગને ઉંચકી લીધું. માંડ એકાદ વર્ષના આ બચ્ચાંના ગળે નાનકડો પટ્ટો બાંધેલો હતો, પ્રોફેસરે આસપાસ તપાસ કરી તો તેના માલિક જોવા મળ્યા નહીં. આ બચ્ચાંને એકલું મૂકી દઇશ તો તે ખાવા-પીવાનું શું કરશે એવા વિચાર સાથે આ પ્રોફેસર તેને પોતાના ઘરે લઇને આવ્યા. પ્રો.હિડેસાબુરો યુએનોના પત્નીને પ્રાણીઓ સામે સખત ચીડ. તેવામાં આ પ્રોફેસર હાથમાં આ નાનકડા બચ્ચાને ઘરે લઇને આવ્યા એટલે સ્વાભાવિક છે કે પત્નીનો ગુસ્સો ભભૂકી ઉઠે. પરંતુ પ્રોફેસરે તેમના પત્નીને એમ કહીને શાંત પાડયા કે, 'ડાલગ, થોડા જ દિવસની વાત છે. એકવાર આ બચ્ચાને પાળવા માટે યોગ્ય વ્યક્તિ મળી જશે પછી આપણે તેને જ સોંપી દઇશું. આ બચ્ચાંને સંભાળી શકે તેવી કોઇ વ્યક્તિ નહીં મળે તો તેને મ્યુનિસિપાલિટીમાં આપી દઇશું. હાલમાં આ બચ્ચાંને એકલું પાડી દઇશું તો તે ભૂખ્યું-તરસ્યું મૃત્યુ પામશે. ' 

પતિએ રજૂ કરેલી દલિલ તેમના પત્નીને પણ યોગ્ય લાગી. આ દરમિયાન પ્રો. હિડેસાબુરો યુએનો તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ કૂતરું 'અકિતા ઇનુ' બ્રિડનું છે. અકિતાને જાપાનનું 'નેશનલ ડોગ' ગણવામાં આવે છે. સામાન્ય રીતે અકિતા બ્રિડના શ્વાન ખૂબ જ આક્રમક ગણવામાં આવે છે અને તે અજાણી વ્યક્તિ સાથે અળગું રહેવાનું પસંદ કરે છે જ્યારે પરિવારના સદસ્યો સાથે આત્મિયતા સાથે રહે છે. પ્રો. હિડેસાબુરો યુએનોના ધ્યાનમાં આવ્યું કે તેમને જે અકિતા બ્રિડનું શ્વાનનું બચ્ચું મળ્યું છે તેના ગળામાં પટ્ટા સાથે એક નાનકડું લોકેટ પણ હતું. આ લોકેટમાં 'હચિકો' લખેલું હતું. જાપાનિઝ ભાષામાં હચિકોનો અર્થ થાય છે 'આઠ'. 

સમય વીતતો ગયો અને પ્રોફેસર હિડેસાબુરો યુએનોની હચિકો પ્રત્યેની આત્મિયતામાં વધારો થવા લાગ્યો. એક પિતા જેમ બાળકનો ઉછેર કરે તેવું જ જતન પ્રોફેસર હચિકોનું કરી રહ્યા હતા. અંત:મુખી એવા પ્રોફેસરનો હચિકો પ્રત્યેનો લગાવ જોઇને તેમની પત્નીએ પણ તેની સોંપણી અન્ય કોઇ વ્યક્તિને કરવાનો વિચાર માંડી વાળ્યો. હચિકો હવે તેમના પરિવારનું જ સદસ્ય બની ગયો હતો. પ્રોફેસર હિડેસાબુરો યુએનો તેમની કોલેજથી દરરોજ સાંજે ૫:૦૫ની ટ્રેનમાં ઘરે પરત ફરતા. 

હચિકોએ પણ મનમાં જ એક ઘડિયાળ બનાવી લીધી હતી અને દરરોજ સાંજે ૫:૦૫ થાય તે અગાઉ જ પ્રોફેસર જે રેલવે શિબુયા રેલવે સ્ટેશને ઉતરતા ત્યાં પહોંચી જતો. પ્રો. હિડેસાબુરો યુએનો આ પછી હચિકો સાથે વાતો કરતાં-કરતાં ઘરે પરત ફરે. આ ક્રમ એક વર્ષ કરતાં વધુ સમય ચાલ્યો. 

૨૧ મે ૧૯૨૫ના પણ સાંજે ૫:૦૫ના શિબુયા સ્ટેશને ટ્રેન તો આવી પણ તેમાં પ્રો. હિડેસાબુરો યુએનો ઉતર્યા નહીં. વાત એમ બની કે એ દિવસે તેઓ કોલેજમાં લેક્ચર આપી રહ્યા હતા ત્યારે જ તેમનું હેમરેજ થવાથી અવસાન થયું હતું. તેમનો ઉછેર કરનારા જ આ વિશ્વમાં રહ્યા નથી તે વાતથી હચિકો સ્વાભાવિકપણે અજાણ રહ્યો. પરંતુ એક દિવસ તો પ્રો. હિડેસાબુરો યુએનો ટ્રેનથી ઉતરીને તેને વ્હાલ કરશે તેવી આશાએ દરરોજ સાંજે ૫:૦૫ના હચિકો રેલવે સ્ટેશને પહોંચી જતો અને દરેક વખતે નિરાશ થઇને ઘરે પરત ફરતો. બરાબર સાંજે ૫:૦૫ના રેલવે સ્ટેશને પહોંચવાનો ક્રમ હચિકોએ ૯ વર્ષ ૯ મહિના સુધી જાળવી રાખ્યો હતો. જે પણ નિયમિત રીતે હચિકોને રેલવે સ્ટેશને નિયમિત આવતા જુએ તે ભાવુક થયા વિના રહી શકે નહીં.

હચિકો રેલવે સ્ટેશને પહોંચે ત્યારે અનેક લોકો તેને ભોજન પણ આપે પરંતુ કંઇક ખાવા બેસીશ અને હિડેસાબુરો યુએનો જતા રહેશે તેવા વિચારથી તે તેને અપાતા ખોરાક પર નજર સુદ્ધા કરતો નહીં. ૮ માર્ચ ૧૯૩૫ના હચિકો નિરાશ થઇને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હિડેસાબુરો યુએનોની જ્યાં દફનવિધિ કરાઇ તેની બાજુમાં જ હચિકોને દફનાવી દેવામાં આવ્યો હતો. હિડેસાબુરો યુએનો અને હચિકોની જ્યાં અંતિમ વિધિ કરાઇ તે ટોકિયોમાં આવેલા સ્મારક જોવા માટે આજે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે.

હચિકો જ્યાં બેસીને હિડેસાબુરો યુએનોની રાહ જોતો તે શિબુયા સ્ટેશને તેનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં શિબુયા સ્ટેશનમાં એક્ઝિટ ગેટને 'હચિકો ગેટ' નામ અપાયું છે. દર વર્ષે ૮ માર્ચે હચિકોની પુણ્યતિથિ આવે ત્યારે સેંકડો શ્વાનપ્રેમીઓ શિબુયા સ્ટેશને એકત્ર થઇને એક રેલી પણ કાઢે છે. વર્ષ ૨૦૦૩માં શિબુયા ખાતે હચિકોના નામથી લોકલ ટ્રાન્સપોર્ટેશન માટે બસ સેવા પણ શરૂ કરાઇ હતી. ધુમકેતુની વાર્તાના અલી ડોસા, વફાદારીનો પર્યાય મનાતો જાપાનનો હચિકોનો જન્મ જાણે કોઇની રાહ જોતા રહેવા માટે જ થયો હતો. 

- ચિંતન બુચ