Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Yakshini Sadhana: From the Horizon of Illusion and Truth!

Ravi Purti/ યક્ષિણી સાધના : ભ્રાંતિ અને સત્યતાની ક્ષિતિજેથી!

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purti/  યક્ષિણી સાધના : ભ્રાંતિ અને સત્યતાની ક્ષિતિજેથી!

- સનાતન તંત્ર 

App Store

- પાંચ સ્ક્વેર ફૂટની જગ્યા અને માંડ ચાર ફૂટ જેટલી ઊંચાઈ. ઉપર નાનો ગુંબજ! ગર્ભગૃહની ઉપર તક્તિ લગાવવામાં આવી હતી: 'જય જ્વાલામાલિની દેવી!'

દેવી મા લલિતા મહાત્રિપુરસુંદરીની સંપૂર્ણ શ્રીવિદ્યા સાધનાનાં અનેક પડાવો છે. શ્રીચક્રમાં વસવાટ ધરાવતી ૧૫૦થી વધુ શક્તિઓમાં માતાની ઉચ્ચકોટિ અને નિમ્નકોટિ એમ બંને પ્રકારની ઊર્જાઓનો સમાવેશ થાય છે. સત્તા મુજબ જોવા જઈએ તો, યક્ષિણી એ વાસ્તવમાં ત્રીજા ક્રમ પર આવનારી શક્તિ છે. સોશિયલ મીડિયામાં ફેલાતી ભ્રમણા પ્રમાણે યક્ષિણી સાધનાનો પ્રયોગ ધન- ધાન્ય- સંપત્તિ પ્રસિદ્ધિ-કામવાસનાની પૂર્તિ માટે થાય છે; પરંતુ આ અર્ધસત્ય છે. નિ:શંકપણે યક્ષિણી સાધના થકી આહ્વાન અપાતી માતાની આ નિમ્નકોટિની ઊર્જાને પત્ની અથવા પ્રેયસી અથવા બહેન અથવા માતા તરીકે આમંત્રણ આપવું સંભવ છે;  પરંતુ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે યક્ષિણી વાસ્તવમાં એ ઊર્જા છે, જેમની પાસે દેવી મા લલિતાનું ચોક્કસ સરનામું હોય છે! માતાનો સાક્ષાત્કાર કરવા માટે ઈચ્છુક સાધક યક્ષિણી સાધના થકી એ પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે, જેમાં યક્ષિણીને સિદ્ધ કર્યા પછી દેવી મા સમીપ પહોંચવા માટેના માર્ગ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકાય. દેવી મા લલિતા સુધીની યાત્રા સંપન્ન કરવા માટે ઘણી વખત એમની આસપાસ વસવાટ ધરાવતી સંગિની-શક્તિઓ (જેમકે, યોગિની, યક્ષિણી, નિત્યા વગેરે)ની સાધના કરવી નિતાંત આવશ્યક બની જાય.

યક્ષિણી સાધનાની એક સત્યઘટના શ્રીવિદ્યાનાં સિદ્ધ ઉપાસક શ્રી ઓમ સ્વામીના પુસ્તક 'એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર' (હિંદી: પ્રાચીન મંત્રવિજ્ઞાન)માં આપવામાં આવી છે.

વર્ષ ૨૦૦૯ની આ ઘટના. ઓમ સ્વામીએ સંસાર છોડયાના છ મહિના પહેલાં! જીવનમાં એમનો ધ્યેય હંમેશા દેવી મા લલિતાનાં સાક્ષાત્કારનો જ રહ્યો. નિમ્નકોટિની સાધના થકી ભૌતિક સંસાધનો અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવામાં એમની કોઈ રુચિ નહોતી.

વર્ષ ૨૦૦૯ના અંતિમ ભાગમાં તેઓ પોતાના ડ્રાઈવર સાથે એક ઊબડખાબડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતાં. પહાડોની ઉપર આવેલો આ રસ્તો સાવ નિર્જન! એવામાં એમનું ધ્યાન એક નાનકડા મંદિર પર ગયું. ગાડી ઊભી રખાવીને કશી વિશેષ અપેક્ષા વિના તેઓ એ મંદિરે જવા રવાના થયા. આસપાસ શાંતિ અને નિર્જન પહાડ સિવાય બીજું કશું નહોતું. માણસ તો દૂર, પશુ-પંખી પણ ત્યાં ભટકવામાં ડરે એવી જગ્યા! ઘણાં વર્ષોથી એ મંદિર અપૂજ હોય, એવું જણાતું હતું. મંદિર પણ સાવ સાંકડું! પાંચ સ્ક્વેર ફૂટની જગ્યા અને માંડ ચાર ફૂટ જેટલી ઊંચાઈ. ઉપર નાનો ગુંબજ! વધુમાં વધુ બે-ત્રણ માણસો ભીંસાઈને ઊભા રહી શકે એવું સ્થાન. ગર્ભગૃહની ઉપર તક્તિ લગાવવામાં આવી હતી: 'જય જ્વાલામાલિની દેવી!'

જ્વાલામાલિની દેવી એ એક પ્રચંડ પ્રભાવશાળી તાંત્રિક દેવીનું નામ છે, જે મા લલિતાની એક સંગિની-શક્તિ છે. મા લલિતાને પ્રસન્ન કરવા માટેની મૂળ સાધનામાં ૧૬ નિત્યાઓની સાધના પ્રમુખ છે. આ સોળ નિત્યાઓની સાધના વાસ્તવમાં શ્રીવિદ્યા સાધનાનું એક અભિન્ન અંગ છે, જેના વગર મા ત્રિપુરસુંદરીનો પૂર્ણ સાક્ષાત્કાર સંભવ નથી. સોળ નિત્યાઓના નામ છે : કામેશ્વરી, ભગમાલિની, નિત્યક્લિન્ના, ભેરુન્ડા, વહ્નિવાસિની, મહાવજ્રેશ્વરી, શિવદૂતી (રૌદ્રી), ત્વરિતા, કુલસુંદરી, નિત્યા, નીલપતાકા, વિજયા, સર્વમંગલા, જ્વાલામાલિની, ચિત્રા અને મહાનિત્યા.

સોળમી નિત્યા - મહાનિત્યા - એ ખરેખર તો મા લલિતા મહાત્રિપુરસુંદરી જ છે, જેમની આસપાસ પંદર નિત્યાઓ હંમેશા પડછાયાની માફક વિદ્યમાન રહે છે. એક કવચની જેમ તેઓ માતા સાથે હંમેશા સ્થિર રહે છે. આથી, મા લલિતા સુધી પહોંચવા માટે સર્વપ્રથમ પંદર નિત્યાઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવી અત્યંત જરૂરી બની જાય છે.

આ તમામ નિત્યાઓની સુદીર્ઘ સાધનાઓ છે અને વિસ્તૃત મંત્રો છે. જ્વાલામાલિની અને ભગમાલિની દેવી બંને મા લલિતાની મુખ્ય શક્તિઓ છે. આ કારણોસર, બંનેની સાધના વિના મા લલિતાની સાધના વાસ્તવમાં પૂર્ણ ન થઈ શકે. આ બંને દેવીઓના મંત્રો ખૂબ મોટા છે, જેનું ઉચ્ચારણ કરવા માટે ઓછામાં ઓછી પચાસથી પંચાવન સેકન્ડનો સમય લાગે. શરૂઆતમાં બંને દેવીઓનાં મંત્રોની એક માળા કરવામાં લગભગ દોઢેક કલાક જેટલો સમય આસાનીથી લાગે; પરંતુ ધીરે ધીરે જેમ જેમ મંત્રો કંઠસ્થ થાય, એમ એમ આ સમય એક કલાક અથવા પંચાવન મિનિટ પૂરતો સીમિત થઈને રહે.

શાસ્ત્રોના કથન મુજબ, પ્રત્યેક નિત્યાઓની સાધના શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષનાં પંદર-પંદર દિવસો માટે કરવામાં આવે છે. આ હિસાબે, સમસ્ત સોળ નિત્યાઓની તાંત્રિક સાધના પૂર્ણ કરવામાં આઠ મહિનાનો સમય લાગે. અને એ પછી દેવી મા લલિતાનાં મૂળ પંચદશી મંત્ર (પંદર અક્ષરોનો શ્રીવિદ્યા મંત્ર)ની સાધના શરૂ કરી શકાય.

તો, દેવી મા જ્વાલામાલિનીના એ મંદિરનો સંબંધ શ્રી ઓમ સ્વામીએ કરેલી યક્ષિણી સાધના સાથે કઈ રીતે છે, એ અંગે આગળ ચર્ચા કરીશું આવતાં અઠવાડિયે.

- બ્રહ્મચારી પરખ ઓમ