Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Vicky Kaushal will be seen in the sixth 'Chiranjeevi' avatar of Lord Vishnu, will prepare in full swing for the project

Chitralok: ભગવાન વિષ્ણુના છઠ્ઠા 'ચિરંજીવી' અવતારમાં જોવા મળશે Vicky Kaushal, પ્રોજેક્ટ માટે કરશે તડામાર તૈયારી

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: ભગવાન વિષ્ણુના છઠ્ઠા 'ચિરંજીવી' અવતારમાં જોવા મળશે Vicky Kaushal, પ્રોજેક્ટ માટે કરશે તડામાર તૈયારી
સોર્સ : GSTV

વિકી કૌશલ તેની કારકિર્દીમાં રોમાંચક મોડ પર ઊભો છે. સતત ભાવનાત્મક ઊંડાણ અને શારીરિક પ્રતિબદ્ધતા માગી લેતા રોલ પસંદ કર્યા પછી હવે તે આગામી પૌરાણિક મહાકાવ્ય 'મહાઅવતાર'માં વધુ એક અમર પાત્ર ભજવવાની તૈયારીમાં જોડાઈ ગયો છે. 'છાવા'માં દર્શકોને પોતાના ચિત્રણથી પ્રભાવિત કર્યા પછી વિકીએ સાબિત કર્યું છે કે તે વાસ્તવિક જીવન કરતા પણ વધુ વ્યાપ ધરાવતા કથાનકો પોતાના ખભે ઊંચકવા સક્ષમ છે. મહાઅવતાર સાથે તે આ મહત્વાકાંક્ષાને અનેક ડગલા આગળ લઈ ગયો છે અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી પરશુરામની ભૂમિકામાં પદાર્પણ કરી રહ્યો છે.

App Store

'સ્ત્રી' જેવી  સફળ કમર્શિયલ ફિલ્મો આપવા માટે જાણીતા અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'મહાઅવતાર' વ્યાપક સ્તરે બની રહી છે. વિકી માટે આ માત્ર વધુ એક પાત્ર નથી, પણ તે પોતાની શક્તિ, ક્રોધ અને દૈવી હેતુ માટે આદર પામેલી પૌરાણિક હસ્તી છે. પરશુરામનું પાત્ર ભજવવા અભિનય પ્રતિભા ઉપરાંત વધુ ઘણી બાબતની જરૂર પડે છે, તેમાં સંપૂર્ણ શારીરિક અને માનસિક પરિવર્તન કરવું પડે છે. વિકી એવા યોદ્ધા ઋષિની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે જેમની હાજરી વિસ્મય, ઉગ્રતા અને આધ્યાત્મિક આકર્ષણ ઉપજાવે છે.

આ ગુણો હાંસલ કરવા વિકીએ ઓક્ટોબરમાં ફિલ્મનું શૂટીંગ શરૂ થાય તે પહેલા આઠ મહિનાની તૈયારીનું સમયપત્રક બનાવી લીધું છે. આ પરિવર્તનમાં તેણે પોતાનું વજન વધારીને એક કુસ્તીબાજ જેવું શરીર બનાવવું પડશે, જે તેના હાલના એક રમતવીર જેવા શારીરિક બાંધાથી ઘણુ અલગ હશે. માંસપેશીઓમાં નોંધપાત્ર વધારો કરીને વિકીએ લાંબા, ઉલઝાયેલા વાળ સાથે એક કઠોર દેખાવ અપનાવવો પડશે, જે તે જેનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે તેવા ઉગ્ર તપસ્વી યોદ્ધાને અનુરૂપ હોય. તૈયારીનું આ સ્તર મૌલિકતા અને બારીકી પ્રત્યે તેની સમર્પિતતા દર્શાવે છે, જે ગુણોએ અત્યાર સુધીની તેની કારકિર્દીના પથને ઘડયો છે.

જોકે પરિવર્તનની આ ક્રિયા તાત્કાલિક શરૂ થઈ શકે તેમ નથી. વિકી હાલ સંજય લીલા ભણસાલી દિગ્દર્શીત 'લવ એન્ડ વોર'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સુડોળ, રમતવીર જેવો દેખાવ અપનાવે છે જે 'મહાઅવતાર' માટે જરૂરી ભવ્ય શારીરિક બાંધાથી બિલુકલ વિપરીત છે. આ જ કારણે તૈયારી શરૂ થતા વિકી તુરંત વિશિષ્ટ રીતે ઘડી કાઢેલો આહાર પ્લાન તેમજ તીવ્ર વર્કઆઉટ ક્રિયા અપનાવશે જે ખાસ આ પૌરાણિક પાત્રને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવશે. શારીરિક પરિવર્તન નાટયાત્મક હશે જેમાં પોતે નિભાવતા પ્રત્યેક પાત્ર માટે સીમાઓ ઓળંગવાની તેની તૈયારીનો પડઘો પડે છે.

પ્રોજેક્ટની ભવ્યતાને જોતા વિકી 'મહાઅવતાર'ના શૂટિંગ શેડયુલ દરમ્યાન કોઈ નવી ફિલ્મ સ્વીકારે તેવી સંભાવના ઓછી છે. પરશુરામનો રોલ એકાગ્રતા માગી લે છે અને વિકી પણ આ મહાનાયકને પૂર્ણ રીતે સમર્પિત થવા તત્પર છે. વિકીનો આ નિર્ણય પ્રોજેક્ટની સંખ્યા નહિ પણ પ્રભાવશાળી પરફોર્મન્સને પ્રાથમિકતા આપવાના  સિનેમા પ્રત્યે તેના વિકસતા અભિગમને ઉજાગર કરે છે. ઉપરાઉપરી રજૂઆતોને સફળતાના માપદંડ ગણતા ઉદ્યોગમાં વિકીનું આ ગણતરીપૂર્વકનું તેમજ ચિવટભર્યું આયોજન જ તેને અન્યોથી અલગ તારવે છે.

કેમેરાની પાછળ 'મહાઅવતાર'ની રચનાત્મક ટીમે પાયાની કામગીરી શરૂ કરી દીધી છે. નિર્માતા દિનેશ વિજન અને દિગ્દર્શક અમર કૌશિક નિર્માણપૂર્વના કામમાં વ્યસ્ત છે જ્યારે ફોટોગ્રાફી અને કલા, નિર્માણ તેમજ કોસ્ચ્યુમ ડિઝાઈન જેવા વિભાગો પણ તૈયારી કરી રહ્યા છે. મહાઅવતારનું વિશ્વ વ્યાપક અને દ્રશ્યાત્મક રીતે સમૃદ્ધ રહેવાની અપેક્ષા હોવાથી દરેક વિગત પ્રત્યે સાવધાનીપૂર્વક ધ્યાન અપાઈ રહ્યું છે. વિકી માટે આ સહયોગાત્મક વાતાવરણ પરશુરામના મહાપાત્રને આત્મવિશ્વાસ સાથે જીવંત કરવામાં પાયાભૂત સાબિત થશે.

ધરિણીના મહિલા પાત્ર માટે હજી શોધ ચાલુ છે. દીપિકા પાદુકોણને રોલ માટે નક્કી કરાઈ હોય તેવી અટકળો ફગાવી દેવામાં આવી છે. કાસ્ટમાં કોઈપણ જોડાય, મુખ્ય સ્પોટલાઈટ તો વિકી અને પુરાણની સૌથી અગ્રણી પૈકી એક હસ્તીમાં તેના પરિવર્તન પર જ લોકોનું ધ્યાન રહેશે.

રસપ્રદ બાબત છે કે 'ઝરા હટકે ઝરા બચકે' અને 'છાવા' પછી 'મહાઅવતાર' વિકી અને દિનેશ વિજન વચ્ચે વધુ એક સહયોગ સાબિત થશે. તેમની આ સાતત્યપૂર્ણ ભાગીદારીમાં મહત્વાકાંક્ષી કથાનક નિભાવવામાં વિકીની ક્ષમતા પર પ્રોડયુસરના વિશ્વાસનો પડઘો પડે છે. ફિલ્મ વિશે જેમ જેમ ઉત્સુકતા વધતી  જાય છે, એક બાબત તો સ્પષ્ટ છે, વિકી કૌશલ માત્ર રોલ સ્વીકારીને સંતોષ નથી માનતો, પણ પોતાની સિનેમાટીક વિરાસતના સ્તર અને વ્યાપની નવી વ્યાખ્યા કરે તેવી પરિવર્તનકારી સફર પર આગળ વધે છે.  

ટોપિક્સ:chitralok purti