Chitralok: 'Ranabaali'માં જોવા મળશે સાઉથના આ સુપરસ્ટારનો અત્યાર સુધીનો સૌથી રફ લૂક, જાણો ફિલ્મ શેના પર છે આધારિત

જો હેડિંગમાં નામ ન લખ્યું હોય તો શું તમે ઓળખી શકત કે આખા ચહેરાપર હળદર ચોળેલા, લાલચોળ આંખો અને તલવારકટ મૂછોવાળા આ મહાશય વિજય દેવરકોન્ડા છે? 'રણબલિ' નામની આગામી ફિલ્મમાં એનો આ લૂક છે. દેશની આઝાદી મળી તે પહેલાં ગરીબ ભારતીયો પર થયેલા ભયાનક દમનની વાત આ ફિલ્મમાં કહેવામાં આવી છે. 'આરઆરઆ' ની કંઈક અસર આ ફિલ્મ પર વર્તાઈ રહી છે. રશ્મિકા મંદાના હિરોઈન છે અને રાહુલ સંકૃત્યન, ડિરેક્ટર. આપણા મનમાં સાઉથ ઇન્ડિયન સ્ટાર વિજય દેવરકોન્ડાની છાપ એક બિગ સિટી બોય તરીકેની છે, થેન્ક્સ ટુ 'અર્જુન રેડ્ડી'. વિજયનો બોલિવુડ પ્રવેશ તો ક્ષોભજનક પૂરવાર થયો હતો તે આપણે જાણીએ છીએ. આ આગામી ફિલ્મ પેન ઇન્ડિયન હોવાની. એનો ખૂંખાર લૂક વિજયે સ્વયં પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઇન્ટરેસ્ટિંગ!
કરણ જોહર : ડિયર ફાધર...
કરણ જોહરનાં છોકરા કેવાં ક્યુટ-ક્યુટ છે, જુઓ તો ખરા! કરણે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે. દીકરો યશ અને દીકરી રૂહી ખાસ્સાં મોટાં થઈ ગયાં છે હવે તો. ૨૦૧૭માં સરોગસી પદ્ધતિથી આ જોડિયાં સંતાનો અવતર્યા હતાં. કરણ અને એમનાં વૃદ્ધ મમ્મી હીરૂ જોહર સાથે મળીને બન્ને બચ્ચાઓને ઉછેરી રહ્યાં છે. આ મેડિકલ સાયન્સનો આવિષ્કાર છે. મા નથી, જે ગર્ભમાં આકાર લીધો છે તે સ્ત્રી કોણ છે તે પણ કદાચ ખબર નથી, તેની કદાચ જરૂર પણ નથી. ફક્ત પિતા છે, અને દાદી છે. એકલો પુરૂષ અને એકલી સ્ત્રી સાથી વગર, સંવનનની પ્રક્રિયામાંથી પસાર થયા વગર હવે સગું સંતાન પેદા કરી શકે છે. ટીવી-ક્વીન એકતા કપૂર અને એનો એક્ટર ભાઈ તુષાર કપૂર પણ સિંગલ છે, તો પણ એમના ઘરમાં બાળકોની કિલકારીઓ ગૂંજી ખરી. એકતા હમણાં એક પોડકાસ્ટમાં કહી રહી હતી, 'અમારા પપ્પા (જીતેન્દ્ર) કંટાળીને અમને કહેતા કે તમે ભાઈ-બહેનમાંથી કમ સે કેમ એક તો લગ્ન કરો! મને અને તારી માને તમારાં છોકરા રમાડવાના ઓરતા હોય કે નહીં? એટલે પછી મેં અને તુષાર બન્નેએ (સરોગસીથી) છોકરા પેદા કરીને એમને આપી દીધાં, અને કહ્યું, લો, લઈ લો છોકરા, હવે ખુશ?' વેલ, આ પણ માતૃત્વ અને પિતૃત્વના જ નવા રંગો છે, બરાબરને?
એ ફોર અરિજિત, એ ફોર આમિર
અરિજિત સિંહે અણધારી નિવૃત્તિ જાહેર કરી ને બોલિવુડમાં તરંગો સર્જાઈ ગયા. જુઓને આમિર ખાને પણ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. કેપ્શનમાં લખે છેઃ 'થેન્ક્યુ અરિજિત,ફોર લેન્ડિંગ યોર વોઇસ ટુ અવર ફિલ્મ 'એક દિન'. તારી સાથે અને તારા પરિવાર સાથે અમારી ટીમે જેચાર દિવસ પસાર કર્યા તે ખરેખર મેજિકલ હતા.' આમિરનો લંબૂસ પુત્ર જુનૈદ 'એક દિન'નો હીરો છે, સાઉથની બ્રિલિયન્ટ એક્ટ્રેસ સાઇ પલ્લવી હિરોઈન છે અને ફિલ્મ લખી છે કંઈ કેટલાય મસ્ત ગુજરાતી નાટકો, હિન્દી સિરીયલોઅને 'લાપતા લેડીઝ' જેવી ફાંકડી ફિલ્મ લખનાર સ્નેહા દેસાઈએ. આમિર,ટૂંકમાં, પોતાના દીકરાને નવેસરથી લોન્ચ કરવા માગે છે. જોઈએ, આ વખતે જુનૈદને સફળતાનો 'સ' જોઈ શકે છે કે કેમ.

