Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ : Anurag Thakur's experiences playing the role of someone who attempted to assassinate Mahatma Gandhi

Chitralok: મહાત્મા ગાંધીની હત્યાનો પ્રયાસ કરનાર મદનલાલનું પાત્ર ભજવનાર અનુરાગ ઠાકુરે શેર કર્યા અનુભવો, જાણો શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: મહાત્મા ગાંધીની હત્યાનો પ્રયાસ કરનાર મદનલાલનું પાત્ર ભજવનાર અનુરાગ ઠાકુરે શેર કર્યા અનુભવો, જાણો શું કહ્યું
સોર્સ : GSTV

ફિલ્મી દુનિયામાં કામ કરનારી દરેક વ્યક્તિ આજે એક યા બીજી રીતે વર્તમાન રાજકારણની અસર તળે આવી રહી છે તેવા માહોલમાં તટસ્થતાપૂર્વક ભૂમિકાને ન્યાય આપવાનું કામ અઘરૂ છે. આ અઘરું કામ અનુરાગ ઠાકુરે મદનલાલ પાહવાની ભૂમિકા ભજવી સારી રીતે પાર પાડયું છે. મદનલાલ પાહવાએ પણ મહાત્મા ગાંધીની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ગાંધીની હત્યાના મુકદમામાં તેને પણ કાવતરાંનો સહ આરોપી ઠરાવી આજીવન કેદની સજા કરવામાં આવી હતી. ૧૯૬૫માં તે જેલમાંથી છૂટી મુંબઇમાં સ્થાયી થયો હતો. ૨૦૦૦ની સાલમાં તે ગુમનામીમાં અવસાન પામ્યો હતો. ભારતના સ્વતંત્રતાના ઇતિહાસમાં એક મહત્વના પાત્રની ભૂમિકા ભજવવામાં અનુરાગ ઠાકુરે કેવી મહેનત કરી તે જાણવાનું રસપ્રદ નીવડશે. 

App Store

મદનલાલ પાહવા એ પરંપરાગત હીરો કે વિલન નથી. જ્યારે તમે પહેલીવાર પટકથા વાંચી ત્યારે તમને કેવી લાગણી થઇ હતી? 

એના જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે મેં પટકથા પુરી તટસ્થતાથી વાંચી હતી. હું પાત્રને જજ કરવા માટે પટકથા વાંચતો નથી. મેં પટકથા જે રીતે લખાઇ છે તે રીતે વાંચી હતી. બાદમાં મેં તેના વિશે વધારે વાંચ્યુ ત્યારે મને લાગ્યું કે તે અત્યંત વ્યથિત વ્યક્તિ હતો. તેણે ઘણું સહન કર્યું હતું અને તે બાબત વ્યથિત કરનારી હતી. તેની અંગત સમસ્યાઓ કરતાં પણ તેની ફરતે ઘટેલી ઘટનાઓ વિશે સમજીએ તો તેની વ્યથા સમજાય તેવી છે. 

મદનલાલને તેના પિતાએ ભાગલાં બાદ તેને કાઢી મુક્યો હતો. તેની કોઇ અસર તેની રાજકીય વિચારધારા પર પડી હોઇ શકે. તેની વિચારધારા પર તેના અંગત અનુભવોની કેવી અસર પડી હશે. એના જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે તેના પિતાએ તેને કાઢી મુક્યો ત્યારે તેની વય માંડ વીસ-એકવીસ વર્ષની હશે. તે માનતો હતો કે તેને બહેતર જીવન મેળવવાનો અધિકાર છે પણ તેને જે સહેવાનું આવ્યું તેના માટે તે તૈયાર નહોતો. તેની ચારેતરફ વિનાશ વેરાવા માંડતા તેણે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. જ્યારે તેનો પોતાના પર કોઇ કાબૂ નહોતો ત્યારે કોઇએ તેને એવું કરવા પ્રેર્યો જે તેણે સામાન્ય અવસ્થામાં ન કર્યું હોત. આમ,જે ઘટનાઓ બની તેને કારણે તે એક એવો માણસ બની ગયો જે બનવાનો તેનો કોઇ ઇરાદો નહોતો. 

તેની અંગત હતાશા રાજકીય હિંસામાં એ હદે ફેરવાઇ કે તેણે દેશના રાષ્ટ્રપિતાને પણ નુકશાન કરવાનું નક્કી કર્યું હતું?

 તેમ પુછાતા તેણે જણાવ્યું આ પળ કરતાં પણ મોટી પળ તેના જીવનમાં તેના પિતાએ તેને કાઢી મુક્યો તે નીવડી હતી. એ પછી તેણે તેના પિતા અને રાષ્ટ્રપિતાની સરખામણી કરવા માંડી હતી. તે બંને વચ્ચે કોઇ સંતુલન જાળવી ન શક્યો. તે ગુંચવાડામાં તેના પિતાને સ્થાને રાષ્ટ્રપિતાને અને રાષ્ટ્રપિતાના સ્થાને પિતાને જોવા માંડયો હતો. તે નક્કી કરી શકતો નહોતો કે તેણે કોને આદર આપવો અને કોને નહીં. તેને લાગતું હતું કે જો પિતાઓ આવા જ હોય તો તે હોવા જ ન જોઇએ. તેની આ માનસિક વ્યગ્રતા તેના સંજોગોને કારણે વણસી હતી. આ ઉપરાંત આ પ્રક્રિયાને વણસાવવામાં તેનો ઉપયોગ કરનારાં લોકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી. જો કોઇ ધીરજવાન વ્યક્તિએ તેને સમજાવ્યો હોત તો તેનો રોષ કદાચ અલગ રીતે વ્યક્ત થયો હોત. પણ આવું ન બન્યું અને તેને એમ માનવાની ફરજ પડાઇ કે આ જ એકમાત્ર રસ્તો છે. 

મને લાગે છે કે લોકો હવે મને આવકાર આપવા માંડયા છે. મને બહેતર મુલાકાતો મળવા માંડી છે અને મને બહેતર સવાલો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ભૂમિકામાં ટાઇપકાસ્ટ થવાનું જોખમ રહેલું છે તેનો મને ખ્યાલ છે. પણ હાલ તો મને વધારે આદર મળી રહ્યો છે તે હકીકત છે. 

ઇતિહાસ વાંચો. બીજાના કહ્યાથી દોરવાઇ જવાને બદલે તમારો પોતાનો મત બાંધો. તમે જાતે ઇતિહાસ વાંચો. તમારી જાતે ઇતિહાસને સમજો. તમારી આસપાસના લોકો પ્રત્યે કૂણું વલણ રાખો. 

તમારી આસપાસ ઘણાં લોકો એવા હશે જે અકલ્પનીય પીડામાંથી પસાર થઇ રહ્યા હશે. જો તમે તેમની પીડા સમજી શકશો તો તમે વધારે સારા માણસ બની શકશો. અને જીવન જીવવાનો આ બહેતર માર્ગ છે.