Business Plus:ટ્રમ્પ-મસ્કએ નેતા-બિઝનેસમેનના સંબંધો ભારત પાસેથી શીખવા જોઈએ

- સ્માઇલ ઇન્ડેક્સ
- લારીવાળાઓનું ચેટિંગ: ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે કીડીને કણ અને હાથીને મણ વેરતા રહેવું પડે
લારીવાળો ૧: લ્યા, આ ટ્રમ્પે તો ખરું કર્યુ.
લારીવાળો ૨: શું કર્યું, ભારતના લારીવાળાઓને વિશેષ બિઝનેસ વિઝા આપવાની જાહેરાત કરી?
લારીવાળો ૩: અરે ભાઈ સપનાં ના જો, સપનાં. લારીની ક્યાં વાત કરે છે, ત્યાં મોટી મોટી ગાડીઓ લઈને ફરનારા ઈન્ડિયનોને પણ એ તગેડી મૂકવાના લાગમાં છે.
લારીવાળો ૪: ભઈ, ખરું ટ્રમ્પે નહીં, ઓલ્યા મસ્કે કર્યું છે. ટ્રમ્પ જેવા ટ્રમ્પ સાથે બાખડયો, બોલો. લોકો કહે છે કે મસ્ક બહુ મોટો બિઝનેસમેન છે, પણ મને તો એનામાં ખાસ બુદ્ધિ નથી લાગતી. બાકી, દેશના વડા સાથે આમ થોડું ઝઘડાય? ધંધાનું કાંઈ વિચારવાનું કે નહીં?
લારીવાળો ૫: તેં મસ્કને ક્યાં ન્યૂયોર્કમાં લારી ગલ્લો ચલાવવાના છે કે ટ્રમ્પ આવીને બૂલડોઝર ફેરવી દે તેવી ચિંતા.
લારીવાળો ૩: ભાઈઓ, બુલડોઝર જસ્ટિસ એ માત્રને માત્ર આપણા ભારત દેશનું આગવું મૌલિક સંશોધન છે. આપણા નેતાઓએ ઝટ દઈને એના પર પેટન્ટ કરાવી દેવી જોઈએ. કાલે ઉઠીને બીજા કોઈ પણ દેશમાં આ રીતે બુલડોઝરો ફરે તો આપણે રોયલ્ટી માગી શકીશું.
લારીવાળો ૨: ઓ મિસ્ટર, મસ્ક લારીવાળો નથી. એની પાસે તો સ્પેસશિપ છે. ઓલ્યું એક્સ નામનું પ્લેટફોર્મ છે. બીજા તો શું શું ધંધા નહીં હોયતે કોેને ખબર?
લારીવાલો ૪: ગમે તે ધંધા હોય, પરંતુ એક અદના ધંધાવાળા તરીકે હું એટલું જ સમજું કે પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર ન થાય.
લારીવાળો ૩: સાચી વાત. હું તો અમારા એરિયાના પોલીસવાળાના ભત્રીજાને, લોકલ કોર્પોરેટરના ભાણેજને, મ્યુનિસિપાલિટીના દબાણવાળાના દૌહિત્રને, લોકલ પાર્ટી લીડરના સાળાને એમ બધાને સલામો ઠોકું છું. દરરોજના હપ્તા ઉપરાંત દિવાળી જેવા ટાણે પણ બધાને સાચવી લઉં છું.
લારીવાળો ૬ : આ બધું તો પેલું કહે છે ને, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ - એના માટે કરવું જ પડે. ગલ્લો લઈને બેઠા હોઈએ કે શો રુમ, હોટલ ચલાવતા હોઈએ કે કંપની, સત્તા આગળ શાણપણ નકામું. આપણે કોર્પોરેટરને સાચવીએ, કોર્પોરેટ કંપનીઓ મિનિસ્ટરોને સાચવે. કીડીને કણ અને હાથીને મણ વેરતા રહીએ તો જ આપણા બિઝનેસ ચાલે. નેતાઓ અને ધંધાવાળાઓના અરસપરસ સંબધોની બાબતમાં તો આપણે ખરેખર વિશ્વગુરુ બની શકીએ તેમ છીએ.
લારીવાળો ૭: યાર, આપણે ત્યાં નેતાઓ જેમ રાજકારણના બિઝનેસમાં છે, તેમ ત્યાંના નેતાઓ રાજકારણને બિઝનેસ નહીં સમજતા હોય?
લારીવાળો ૪ : ત્યાં શું છે કે બધું ખુલ્લંખુલ્લા છે, કોણે કોને કેટલું દાન આપ્યું તે જગજાહેર હોય, આપણા જેવું ઇલેક્ટોરલ બોન્ડવાળું નહીં કે બધું અંદરોઅંદર ચાલ્યા કરે.
લારીવાળો ૧: હવે પાછી નવી ઈલેક્ટોલ બોન્ડની સ્કિમ આવે તો મારેય એમાં ડોનેશન આપવાનું છે.
લારીવાળો ૨: ને આપણે નવું ભજન લલકારશું, 'નેતાજી મારે મસ્ક નથી થાવું...નેતાજી મારે મસ્ક નથી થાવું...'
બધા લારીવાળાએ અંગૂઠા બતાવી દીધા.
સ્માઈલ ટિપ
ટ્રમ્પનું નવું સોંગ: તુ ચીજ બિગડી હૈ મસ્ક મસ્ક, તુ ચીજ બિગડી હૈ મસ્ક!
- વ્યર્થશાસ્ત્રી

