Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Today they earn fifty thousand rupees a month by cultivating roses

Ravi Purti: ગુલાબની ખેતી કરી આજે થાય છે મહિને પચાસ હજાર રૂપિયાની કમાણી

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: ગુલાબની ખેતી કરી આજે થાય છે મહિને પચાસ હજાર રૂપિયાની કમાણી

- ગુલાબના ફૂલોની મહેંક

App Store

- રાજેશકુમારે તેમની પુત્રીના નામ પરથી પરેરાના ફ્લાવર ફાર્મ શરૂ કર્યું છે. આજે તેઓ મહિને પચાસ હજાર રૂપિયાની કમાણી કરે છે. 

હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલા હિંદવાન ગામમાં રાજેશ કુમારનો જન્મ થયો હતો. જન્મથી જ તેમને રેટિનાઇટિસ પિગમેંટોસા અને મેક્યૂલર ડિજનરેશનની બીમારી હતી, આ આનુવંશિક બીમારી હોવાથી તેનો કોઈ ઉપચાર થઈ શકે તેમ નહોતો. મેક્યૂલા રેટિનાનું એવું કેન્દ્ર છે,જે કોઈ પણ વસ્તુ સ્પષ્ટરૂપે જોવામાં મદદ કરે. આ બીમારીને કારણે ધીમે ધીમે રાજેશકુમારને જોવામાં તકલીફ પડવા લાગી અને બાર વર્ષની ઉંમરે તેમની દ્રષ્ટિનું ક્ષેત્ર દસ ડિગ્રી થઈ ગયું, જે સામાન્ય રીતે ૧૮૦ ડિગ્રી હોય છે. આને કારણે તેઓ દસમા ધોરણથી વધુ અભ્યાસ ન કરી શક્યા. ઘરનું ગુજરાન ચલાવવા માટે તેમણે સિક્યોરિટી ગાર્ડની નોકરીની સાથે ગાડીઓ સાફ કરવાનું કામ કરતા રહ્યા. તેમના ઘણા પ્રયત્નો પછી પણ તેઓ મહિને માંડ પાંચ હજાર રૂપિયાની કમાણી કરી શકતા. અફસોસ તો એ વાતનો હતો કે બાળકોના અભ્યાસ માટેના પુસ્તકો પણ ખરીદી શકતા નહીં. સંતાનોની નાની માંગણીની પણ અનિચ્છાએ અવગણના કરવી પડતી.

૨૦૧૫માં બગીચાના માળી સાથે વાત કરતા ખબર પડી કે માળી થોડા દિવસ રજા ઉપર જવાનો છે. રજાનું કારણ પૂછતાં તેણે રાજેશ કુમારને જણાવ્યું કે તે તેનાં ખેતરમાં ફૂલો વાવવા જાય છે. તે જ્યારે પાછો આવ્યો, ત્યારે તેણે જણાવ્યું કે તે ગુલાબની ખેતી કરે છે અને તેના એક હજાર છોડ વાવીને તે પાછો આવ્યો છે. ગુલાબની ખેતીમાંથી સારા પ્રમાણમાં પૈસા મળે છે તેવી વાત સાંભળીને રાજેશ કુમાર એ દિશામાં વિચારવા લાગ્યા, કારણ કે તેમની પાસે જે જમીન હતી તેના પર તેઓ ઘઉંની ખેતી કરતા અને તેમાંથી સાવ નજીવી કમાણી થતી હતી. રાજેશ પાસે છ કનાલ જમીન હતી એક કનાલ એટલે ૧૨૫ એકર થાય. આઠ કનાલ જમીને એક એકર જમીન ગણાય.

રાજેશે ફૂલોની ખેતી કરવાનું નક્કી કર્યું અને શરૂઆતમાં બે કનાલ જમીનમાં ગલગોટા અને રજનીગંધા જેવા ફૂલોની ખેતી શરૂ કરી. બીજા વર્ષે ૨૦૧૬માં ગલગોટાના છોડ વચ્ચે એક હજાર જેટલા ગુલાબના છોડ વાવ્યા. એક છોડના બાવીસ રૂપિયા અને અન્ય ખર્ચ થતાં કુલ ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ થયો. ત્રીસ હજારના મૂડીરોકાણ સાથે ગુલાબની ખેતી શરૂ કરી અને ધીમે ધીમે છોડ પર ગુલાબ આવવા લાગ્યા. તાજા ગુલાબના વેચાણમાંથી રોજના ત્રણસો રૂપિયાની આવક થઈ. આમ મહિને નવ હજારની આવક થવા લાગી. રાજેશ કુમાર હંમેશાં વિચારતા કે અન્ય માટે મહેનત કરવા કરતા ભલે નાનો વ્યવસાય હોય, પણ પોતાના માટે મહેનત કરીને આર્થિક ઉપાર્જન કરવું જોઈએ, ગુલાબની ખેતીથી તેમનામાં ઉત્સાહ વધ્યો અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા. ૨૦૧૮માં પરિવારજનોની મદદથી ચાર કનાલ જમીનમાં ગુલાબની ખેતી શરૂ કરી.

રાજેશ કુમાર ખાતર તરીકે ગાયનું છાણ, વર્મિકમ્પોસ્ટ, માસ્ટર્ડ કેક અને ગ્રાઉન્ડનટ કેકનો ઉપયોગ કરવા લાગ્યા. તેમણે જાતે ગોકૃપા અમૃત બનાવ્યું. આ મિશ્રણ કેવી રીતે બનાવવું તે ઘણા ખેડૂતોને શીખવે છે. આ મિશ્રણ માટે પાંચ લિટર લસ્સીમાં પાંચથી સાત જેટલું ગૌમૂત્ર અને પાંચથી સાત કિલો ગોળ ઉમેરવાનો હોય છે. ત્યારબાદ આ મિશ્રણને પાંચસો લિટર પાણીની ટાંકીમાં નાખીને સાત દિવસ રહેવા દેવાનું અને તે પછી છોડ પર છંટકાવ માટે ઉપયોગમાં લે છે. જ્યારે છોડ પર છંટકાવ શરૂ કરવાનો હોય ત્યારે આ મિશ્રણમાં થોડી હિંગ ઉમેરે છે,જેથી તેની વાસથી જીવાત છોડથી દૂર રહે છે. દર અઠવાડિયે એક વખત આ મિશ્રણ છાંટવાથી તેનું સારું પરિણામ મળે છે. ચાર કનાલમાં ગુલાબની ખેતી કરવાથી દરરોજ એટલા ગુલાબ મળવા લાગ્યા કે તેમના પત્ની સુનીતા અને બાળકો ગુલાબ ચૂંટવાના કામમાં જોડાયા. આ ગુલાબ સિરસા,ફતેહાબાદ,ચંડીગઢ,મોહલી,અંબાલા,રોહતક,પંચકૂવા જેવા વિસ્તારોમાં જાતે પહોંચાડવા લાગ્યા.

રાજેશ કુમારના સંતાનોના શિક્ષકે તેમને ગુલાબમાંથી અન્ય ઉત્પાદનો બનાવવાનું સૂચન કર્યું. જે કોવિડ મહામારીમાં કામ આવ્યું. રાજેશ કુમારે આને માટે હરિયાણા એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં તાલીમ લીધી અને ગુલાબમાંથી ગુલકંદ, ગુલાબજળ અને અન્ય ઉત્પાદનો બનાવ્યા. તેમના ગુલકંદને લુધિયાણાની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચે માન્યતા આપી. તેને લાયસન્સ મેળવવામાં કેટલાક અધિકારીઓએ મદદ કરી. આજે રાજેશ કુમારના પત્ની સુનીતા અને બાળકોએ ગુલાબના છોડ વાવવાથી માંડીને તેના ઉત્પાદનો સુધીનું કામ સંભાળી લીધું છે. રાજેશ કુમાર પ્રવાસ અને વેચાણ સંભાળે છે. ૨૦૨૦માં તેમણે તેમની પુત્રીના નામ પરથી પરેરાના ફ્લાવર ફાર્મ શરૂ કર્યું છે. આજે તેઓ મહિને પચાસ હજાર રૂપિયાની કમાણી કરે છે. જ્યારે તેમણે નાના પાયે ફૂલોની ખેતી શરૂ કરી હતી, ત્યારે કેટલાકે ટીકા કરી તો કેટલાકે દયા ખાઈને કહ્યું કે તેમણે તો નોકરી જ કરાય. પરંતુ કોઈની વાત ગણકાર્યા વિના રાજેશ કુમારે મક્કમતા, ખંત અને જુસ્સાથી સફળતાનું બી વાવ્યું અને તેના મધુર ફળ પ્રાપ્ત કર્યા.

 - પ્રીતિ શાહ