Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The annual market for old smartphones in the world is Rs 300 crore.

Ravi Purti : દુનિયામાં જૂના સ્માર્ટફોનનું વાર્ષિક માર્કેટ R ૩૦૦ કરોડ

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purti : દુનિયામાં જૂના સ્માર્ટફોનનું વાર્ષિક માર્કેટ R ૩૦૦ કરોડ

- ભારતના જૂના સ્માર્ટફોન માર્કેટ વિશે જાણી લો!

App Store

- જૂનો ફોન ખરીદતા યુઝર્સમાંથી 18 ટકા 10 હજારથી નીચેનો ફોન ખરીદે છે. એવા સ્માર્ટફોનની સારી એવી ડિમાન્ડ એટલે ય રહે છે કે તેમને 10 હજારથી નીચેના બજેટમાં લગભગ નવ-દસ મહિના કે વર્ષ જૂનો ફોન મળી રહે છે. 

- ભારત સ્માર્ટફોનના વેચાણમાં ચીન પછી બીજા ક્રમે છે, પરંતુ જૂના સ્માર્ટફોનની બાબતમાં પણ ભારતના માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો

- ભારતમાં એન્ડ્રોઈડનો દબદબો છે, પરંતુ આઈફોન યુઝર્સ વધીને આ વર્ષના અંતે 4.6 ટકાથી 6.4 ટકા થઈ જાય એવી શક્યતા

- દેશમાં ગયા વર્ષે મોબાઈલનું ઉત્પાદન 200 કરોડ યુનિટને પાર પહોંચ્યું હતું : નવા સ્માર્ટફોનનું માર્કેટ ફુલગુલાબી, એક વર્ષમાં 16 કરોડથી વધુ સ્માર્ટફોનનું વેચાણ

- દુનિયામાં નવા લગભગ 125 કરોડ સ્માર્ટફોન વેચાય છે. તેની સામે જૂના સ્માર્ટફોન પણ 40 કરોડથી વધારે વેચાય છે

- જૂના સ્માર્ટફોનના ગ્લોબલ માર્કેટમાં ૫.૫ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે, ભારતમાં આ વૃદ્ધિદર 8 ટકાથી વધારે

- 2028-29માં દેશમાં વર્ષે સાડા સાતથી આઠ કરોડ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનનું ખરીદ-વેચાણ થશે

આજની તારીખે સૌથી વધારે સ્માર્ટફોન યુઝર્સ ચીનમાં છે - લગભગ ૯૭.૪ કરોડ. ૬૫-૬૬ કરોડ યુઝર્સ સાથે ભારત બીજા ક્રમે છે. ૨૦૩૦ સુધીમાં આપણો દેશ દુનિયામાં સૌથી વધુ સ્માર્ટફોન યુઝર્સ ધરાવતો દેશ બની જશે. ભારતમાં યુવાવસ્તી સર્વાધિક સ્માર્ટફોન ખરીદે છે અને તેમની ખરીદશક્તિ દિવસે દિવસે વધી રહી છે. ચીન-ભારતની નજીક બીજો કોઈ દેશ નથી. 

ચીનની કંપનીઓ ભારત સહિત દુનિયાભરમાં સ્માર્ટફોન વેચે છે. ચીન દુનિયાનો સૌથી મોટો સ્માર્ટફોન ઉત્પાદક દેશ છે. ચીનમાં ચીનની જ કંપનીઓના મોબાઈલ વધુ વેચાય છે. અમેરિકામાં સ્માર્ટફોન યુઝર્સ ભારતથી અડધા પણ નથી, પરંતુ ત્યાં આઈફોનના યુઝર્સ વધારે છે.

ભારતમાં એન્ડ્રોઈડનો દબદબો છે અને એપલ પણ ઝડપભેર જગ્યા બનાવે છે. છેલ્લાં એક વર્ષમાં દેશમાં એક કરોડ આઈફોન વેચાણનો અંદાજ છે. કંપનીને એવી આશા છે કે ૨૦૨૫ના અંતે દેશમાં ટોટલ આઈફોન યુઝર્સ ૪.૬ ટકાથી વધીને ૬.૪ ટકા થઈ જશે. દેશમાં ૧૯ ટકા લોકો સેમસંગના ફોન યુઝ કરે છે. દેશમાં ચીની કંપનીઓનો દબદબો છે. વીવો,ઓપો,શાઓમી સહિતની કંપનીઓના ૭૫ ટકા જેટલા યુઝર્સ છે.

એમ તો ભારતમાં મોબાઈલનું ઉત્પાદન પણ મોટાપાયે થાય છે. ગયા વર્ષે જ દેશમાં પહેલી વખત મોબાઈલનું ઉત્પાદન ૨૦૦ કરોડને પાર પહોંચ્યું હતું. ભારતમાં જ વર્ષે ૧૬ કરોડથી વધુ સ્માર્ટફોન વેચાય જાય છે અને દર વર્ષે નવા ફોનની ડિમાન્ડ સતત વધતી રહે છે. એ ડિમાન્ડને પહોંચી વળવા મોટી સ્માર્ટફોન કંપનીઓ નવા નવા મોડલના સ્માર્ટફોન લોંચ કરતી રહે છે. 

નવા સ્માર્ટફોન માટે આવા ફુલગુલાબી માહોલમાં વાત કરીએ જૂના સ્માર્ટફોનના માર્કેટની. દેશમાં નવા સ્માર્ટફોનની સમાંતરે જૂના સ્માર્ટફોનની લે-વેચનું મોટું માર્કેટ છે, જેના તરફ બહુ ઓછું ધ્યાન જાય છે. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે દેશનું રિફબશ એટલે કે યુઝ્ડ ફોનનું માર્કેટ વર્ષે આઠ ટકાના દરે વધી રહ્યું છે. ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના કહેવા પ્રમાણે નવા સ્માર્ટફોનના માર્કેટમાં જેટલી ઝડપે ઉછાળો નથી આવતો એટલી ઝડપે જૂના ફોનના માર્કેટમાં આવી રહ્યો છે. ભારતમાં ગૃહિણીથી લઈને વિદ્યાર્થીઓ સુધીમાં જૂના સ્માર્ટફોનને ખરીદવાનું વલણ જોવા મળે છે. એક તરફ અર્બન યુઝર્સ છે, જે દર થોડા મહિને કે વર્ષે સરેરાશ એક ફોન બદલી નાખે છે. તેમનો ઓછો વપરાયેલો ફોન માર્કેટમાં આવે છે અને તુરંત વેચાય જાય છે. કારણ કે એક વર્ષ વપરાયેલો ફોન એ જ મોડલના નવા ફોન કરતાં ૩૦-૪૦ ટકા જેટલો સસ્તો પડી જાય છે. ખાસ તો ટાઉન અને ગામડાઓમાં આવા જૂના ફોનનું માર્કેટ ઘણું મોટું છે.

દુનિયામાં નવા લગભગ ૧૨૫ કરોડ સ્માર્ટફોન વેચાય છે. તેની સામે જૂના સ્માર્ટફોનનું માર્કેટ પણ ૪૦ કરોડથી વધુનું છે. ઓલ્ડ સ્માર્ટફોનનું ગ્લોબલ બજાર ૩૦૦ કરોડથી વધુનું છે. એમાં ભારતનો પણ મહત્ત્વનો હિસ્સો છે. એક વર્ષમાં સરેરાશ ૪.૭ કરોડથી ૫ કરોડ જૂના ફોન વેચાય છે. એક અંદાજ એવો છે કે ૨૦૨૮ સુધીમાં જૂના ફોનના માર્કેટમાં વધારો થશે ને વધુ ૨.૩ કરોડ જૂના સ્માર્ટફોન વેચાતા હશે. એટલે કે ૨૦૨૮-૨૯માં દેશમાં વર્ષે સાતથી સાડા સાત કરોડ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનનું ખરીદ-વેચાણ થશે. આ જૂના સ્માર્ટફોનમાં યુઝર્સની પસંદગી રેન્જ ૨૦થી ૩૦ હજારની વચ્ચે છે. જૂનો ફોન ખરીદતા ૬૬ ટકા યુઝર્સ આ રેન્જમાં જૂનો ફોન ખરીદે છે. તેમને એ જ મોડલનો ફોન માર્કેટમાં ૪૦થી ૪૫ કે ૫૦ હજારમાં પડે છે. તેની સામે એકાદ વર્ષ કે ચાર-છ મહિના જૂનો ફોન તેમને ૧૦થી ૨૦ હજાર સસ્તો મળી જાય છે. જૂનો ફોન ખરીદતા યુઝર્સમાંથી ૧૪ ટકા યુઝર્સ ખૂબ મોંઘો ફોન ખરીદે છે. લાખ રૂપિયા સુધીનો ફોન તેમને ૬૦થી ૭૦ હજારમાં મળી રહે છે એટલે તેમનો ટોપ-મોડલનો શોખ સસ્તાંમાં પૂરો થાય છે એટલે એવા સેંકડો યુઝર્સ છે કે જે ૬૦-૭૦ હજારમાં સારા ફિચર્સ સાથેનો નવો ફોન ખરીદી શકે તેમ હોવા છતાં ટોપ વેરિએન્ટમાં જૂનો ફોન ખરીદવાનું પસંદ કરે છે.

જૂનો ફોન ખરીદતા યુઝર્સમાંથી ૧૮ ટકા ૧૦ હજારથી નીચેનો ફોન ખરીદે છે. એવા સ્માર્ટફોનની સારી એવી ડિમાન્ડ એટલે ય રહે છે કે તેમને ૧૦ હજારથી નીચેના બજેટમાં લગભગ નવ-૧૦ મહિના કે વર્ષ જૂનો ફોન મળી રહે છે. એનું બિલ ૨૫થી ૨૮ હજારનું બનેલું હોય છે. એટલે તેમને એ ફોનમાં સીધો ૧૫ હજાર જેટલો ફાયદો થાય છે. જૂનો ફોન ખરીદતી વખતે સેંકડો યુઝર્સને સેકન્ડ થોટ આવે છે કે જેમણે વેચી દીધો છે તેમણે કેમ આટલી ઝડપથી વેચી દીધો હશે? પરંતુ અમદાવાદ,સૂરત,વડોદરા,રાજકોટ જેવા મોટા શહેરના શોરૂમમાંથી ખરીદાયેલો ફોન હોય તો યુઝર્સ પોઝિટિવ વિચારે છે કે જેમણે આટલો નવો ફોન વાપર્યા વગર વેચી નાખ્યો તો એ પૈસાદાર માણસ હશે એટલે એનો ફોન લેવામાં ખાસ વાંધો નહીં!

ભારતમાં મોબાઈલના શો-રૂમ્સની સંખ્યા દિવસે દિવસે એટલી વધતી જાય છે કે શેરી શેરીએ મોબાઈલની દુકાનો ખૂલી ગઈ છે. એમાં એક તરફ મોટા-મોટા શોરૂમ ડિસ્કાઉન્ટ આપીને હજારો-લાખોના સ્માર્ટફોન વેચે છે, બીજી તરફ નાના દુકાનદારો જૂના ફોનની લે-વેચમાંથી કમાણી કરે છે. તેમના માટે નવા ફોન વેચવા કરતાં જૂના ફોન વેચવાનો ધંધો વધારે બરકત આપનારો બની ગયો છે.

રસપ્રદ બાબત એ છે કે બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, મેક્સિકો, તુર્કી, ઈરાન, ઈટાલી, જર્મની જેવા દેશોમાં જેટલા નવા સ્માર્ટફોન વેચાય છે એટલા જ કે ઘણી વખત તો એનાથી પણ વધારે તો ભારતમાં જૂના સ્માર્ટફોન વેચાય જાય છે.