Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : These 5 factors can change the direction of your company!

Ravi Purti : બિઝનેસમાં સંતુલન એટલે શું? આ 5 ફેક્ટર્સ બદલી શકે છે તમારી કંપનીની દિશા!

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti : બિઝનેસમાં સંતુલન એટલે શું? આ 5 ફેક્ટર્સ બદલી શકે છે તમારી કંપનીની દિશા!
સોર્સ : gstv

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

App Store

વિશાળ કંપની હોય કે નાનકડી સ્થાનિક કંપની હોય, કંપની જૂની હોય કે નવી હોય પરંતુ દરેક કંપનીએ તેને અસર કરતા પરિબળો વચ્ચે સંતુલન સાધવું પડે છે. કંપનીને દેશના અર્થકારણ, રાજકારણ અને સમાજકારણ સાથે સંતુલન તો કરવું જ પડે પરંતુ કંપનીને ઊંડી અસર કરતા નીચેના લોકો સાથે પણ સંતુલન સાધવું પડે છે. કંપનીની કામગીરીને અસર કરતા આ વર્ગો સાથે સંતુલન કરવાની કંપનીમાં કુશળતા ના હોય તો કંપની આગળ વધી શકતી નથી. નીચેના પાંચ ગુ્રપ્સ કે વર્ગો વચ્ચે કંપનીએ સંતુલન સાધવું પડે છે.

૧. ગ્રાહકો : કંપનીએ કે ધંધો કરનારે ગ્રાહકોને સંતુષ્ઠ રાખવા પડે છે. આને અંગ્રેજીમાં કસ્ટમર સેટીસ્ફેક્શન કહે છે. કંપનીએ ગ્રાહકોને સ્વીકાર્ય માલ કે સેવા આપવી પડે છે અને તે વાજબી કિંમતે આપવી પડે છે. ડીફેક્ટીવ માલ પાછો લેવાની કંપનીની ફરજ છે. કંપનીને નફો તેના ગ્રાહકો તરફથી મળે છે તેથી તેની ફરજ છે કે તે ગ્રાહકોને સ્વચ્છ માલ કે સેવાઓ ગ્રાહકોને પરવડે તેવી કિંમતે વેચે. તે માટે કંપનીની ફરજ સફળ વિતરણ વ્યવસ્થા ઊભી કરવાની છે. કંપનીએ કદાપી ગ્રાહકોને તેના માલ કે સર્વીસ અંગેના ખોટા દાવાઓથી છેતરવા જોઈએ નહીં. દુનિયાની મોટાભાગની કંપનીઓ પોતાના માલના કે સેવાઓના અતિશયોકતીપૂર્ણ દાવાઓ કરે છે.

૨. કર્મચારીગણ : દરેક કંપનીની કે વેચાણ કરનાર એજન્સીની એ ફરજ છે કે તે કર્મચારીગણને કાર્ય સંતોષ (જોબ સેટીસ્ફેક્શન) પૂરૃં પાડે. કર્મચારીગણને નિયમીત પગાર અને પ્રોત્સાહકો (ઈન્સેન્ટીવ્ઝ) પૂરા પાડે. વળી ભારતમાં વર્કર અને મેનેજમેન્ટ વચ્ચે જે ઉચ્ચ ભેદભાવો જોવા મળે છે તે 'મીનીમમ' હોય તે જોવાની કંપનીની ફરજ છે. કંપનીની બઢતીની પોલીસી એવી હોવી જોઈએ કે સફળ અને પ્રામાણીક કર્મચારીને સમયોચીત બઢતી મળવી જોઈએ. કંપનીમાં સ્ત્રી કર્મચારીઓ સાથે કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. જગતમાં સફળતા મેળવેલી કંપનીઓમાં બ્યુરોક્રેટીક મોડેલ્સને બદલે પાર્ટીસીપેટીવ મોડેલ્સની રચના થવા માંડી છે. આવા પાર્ટીસ્ટીપેટીવ મોડેલ્સને કારણે જ અમેરીકામાં કોમ્પ્યુટર અને એઆઈ ઉદ્યોગે હરણફાળ ભરી છે. આ ઉદ્યોગમાં અડધી રાતે કામ કરતી ક્રીએટીવ ટીમ્સ સવારે બે વાગે કામ કરતા કરતા પીઝા મંગાવીને ઓફીસના ફલોર પર સૂઈ જઈને સવારે ફ્રેશ થઈને ફરી પાછા કોઈ ક્રીએટીવ પ્રોબ્લેમ સોલ્વીંગમાં મશગૂલ થઈ જાય તેવું કલ્ચર હજી ભારતીય કંપનીઓ ખીલવી શકી નથી. ભારતીય કંપનીઓમાં હજી ફ્યુડલ માનસીકતા જોવા મળે છે. અમેરીકામાં ફ્યુડાલીઝમ (સામંતવાદ) કદાપી હતું જ નહીં તેથી તેમાં ભારતની જેમ રાજા વિરૂદ્ધ પ્રજાની માનસીકતા હતી. અમેરીકાની મોટાભાગની કંપનીઓમાં સહકાર્યકરોનું કલ્ચર છે. બ્રિટનની મેનેજમેન્ટ જેનાથી ભારતે મેનેજમેન્ટના બોધપાઠ લીધા છે તે હજી બ્યુરોક્રેટીક છે તેથી બહુ ઓછી બ્રીટીશ કંપનીઓ ગ્લોબલ બની શકી છે. જ્યારે દુનિયાનો કોઈ દેશ એવો નહીં હોય (રશિયા અને ચીન તથા ઉત્તર કોરિયામાં પણ) કે જ્યાં અમેરીકન કંપનીઓ ના હોય ? કર્મચારીને જોબ સેટીસ્ફેક્શન મળે તે માટે કંપનીઓ પ્રયત્નશીલ રહે છે પરંતુ તેની વિપરીત બાજુ એ છે કે અમેરીકામાં હાયર અને ફાયર લગભગ વીજળી ઝડપે થાય છે.

૩. સરકાર અને સરકારી સંસ્થાઓ : દરેક કંપની કે વ્યાપાર કરનાર સંસ્થાની ફરજ છે કે તે સરકારના કાયદાઓનું પાલન કરે અને સરકારને પ્રામાણીકપણે કરવેરા ચૂકવે. કંપનીએ સરકારના કાયદાઓ પાળવાના છે અને સરકારની અમુક બાબતોમાં મંજુરી મેળવવામાં લાંચરૂશ્વત આપવાનું પ્રલોભન ટાળવાનું છે. સરકાર સાથે સુમેળભર્યા સંબંધો સાચવવાના છે. સરકારી કાયદાઓનું પોતાને ફાવે તે રીતે 'ઈન્ટરપ્રીટેશન' કરવાનું નથી.

૪. કોમ્યુનિટી અથવા સમૂદાય : કંપની જ્યાં કામ કરતી હોય ત્યાં તેના યંત્રો કે કારીગરો વધુ પડતો અવાજ ના કરે કે વાતાવરણનું પ્રદૂષણ ના કરે તે જોવાની કાળજી કંપનીએ રાખવી પડે. કંપનીની ફેકટરીઝ કે ઓફીસે એક સારા પાડોશી તરીકે વર્તન કરવાનું છે. ભારતમાં અમેરીકન કંપનીએ ભોપાલમાં જે ખાનાખરાબી સર્જી તે અમેરીકન કંપની માટે કલંકરૂપ ઘટના કહી શકાય. કંપની સમુદાયના ઉત્કર્ષ માટે સ્કોલરશીપ કે અન્ય પ્રકારના દાનની પણ વ્યવસ્થા કરી શકે છે. અત્યારે કંપનીઓ કે અન્ય ઉત્પાદક એકમો સામે એક મોટી ફરીયાદ એ છે કે તેઓ વાતાવરણનું જબરજસ્ત પ્રદૂષણ કરે છે જેને કારણે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે ઘણા લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકશાન થાય છે. અત્યારના તમામ ઉદ્યોગો સામે મુખ્ય ફરિયાદ વાતાવરણમાં વધતું જતું પ્રદૂષણ છે. દરેક ઉત્પાદક વાતાવરણનું પ્રદૂષણ ઓછામાં ઓછું થાય તેવા પગલા લેવા પડશે.

કોઈપણ ઉત્પાદક (માલના કે સેવાઓનાં) સંસ્થાએ ઉપરના ચાર ગુ્રપ્સના હિતો વચ્ચે સંકલન સાધવું જરૂરી છે. ભારતમાં ઉદ્યોગક્ષેત્રે સૌથી વધુ નુકશાન ઘણા ઉદ્યોગોની કરચોરી દ્વારા થાય છે તેમ જણાય છે. દરેક ઉદ્યોગ જો તેને લગતા નિયમિત કરવેરા ભરે અને કર છૂપાવવાના કીમીયા ના અજમાવે તો ભારતની કલ્યાણ યોજનાઓ વધુ ઉદાર થઈ શકે તેમ છે.

૫. સપ્લાયર્સ : ઉત્પાદન કરનાર કંપની હોય, ભાગીદારી પેઢી હોય કે એકાંકી પેઢી હોય કે સરકારી કંપની હોય એણે સપ્લાયર્સ સાથે સુમેળભર્યા અને સાતત્યપૂર્ણ સંબંધો સાચવવા પડે છે. કંપનીનું પર્ચઝ ખાતુ કેટલીકવાર ભ્રષ્ટ માલૂમ પડયું છે તે અંગે કંપનીની ટોપ મેનેજમેન્ટે સદાય સાવચેત રહેવું પડે છે.

ફરીથી યાદ રહે કે દુનિયાની દરેક ઉત્પાદક સંસ્થાએ (તે માલસામાન બનાવતી હોય કે સેવાઓ પૂરી પાડતી હોય) કંપની કે સંસ્થાએ પાંચ ગુ્રપ્સના હિતો સચવાય તેવી રીતે સંચાલન કરવાનું હોય છે. અંગ્રેજીમાં આ પાંચે ય ગુ્રપ્સને સ્ટેક હોલ્ડર્સ ગણવામાં આવે છે. અહીં સ્ટેકહોલ્ડર્સ એટલે હિતધારકો જેઓ પોતપોતાના હિતોનું રક્ષણ કરવા હંમેશા સક્ષમ હોતા નથી. હવે કંપનીઓના ગ્રાહકો પોતાના હિતોનું રક્ષણ કરતા વધુ સાવધ બન્યા છે અને ટ્રેડ યુનિયન્સ અને ઓફીસર્સ એસોશીયન્સ કંપનીના કર્મચારીઓના હિતોની રક્ષા કરતાં હોય છે. જોકે કેટલીકવાર ટ્રેડ યુનિયન્સ ગુંડાગર્દી કરીને ધંધાકીય સંસ્થાઓનું શોષણ કરે છે તેવા કીસ્સાઓ પણ જોવામાં આવ્યા છે.