Ravi Purti: વ્યક્તિત્વનો ચોથો પ્રકાર "ઓટ્રોવર્ટ"! જાણો ટોળામાંથી કેવી રીતે તેને ઓળખવો

- લેન્ડસ્કેપ
- સુભાષ ભટ્ટ
હમસફર ચાહિયે હુજૂમ નહીં
ઈક મુસાફિર ભી કાફીલા હૈ મુજે
- અહમદ ફરાજ
સદીઓ સુધી સમગ્ર માનવજાતને મનોવિજ્ઞાન બે પ્રકારમાં વહેંચતું હતું: બર્હીમુખી અને અંર્તમુખી માણસ પણ પછી આવ્યો ત્રીજો પ્રકાર એમ્બીવર્ટ. એવો માણસ કે જે ઉભયધર્મી છે. જે સંદિગ્ધ કે અસ્પષ્ટ છે. આવી વ્યક્તિ ક્યારેક બર્હીમુખી તો ક્યારેક અંર્તમુખી હોય છે. આખરે ઈ.સ ૨૦૨૫માં આવ્યા ડો. રામી કામીનીસ્કી નામના અમેરિકન સાઈકીઆટ્રીસ્ટ જેમનો આ ક્ષેત્રમાં ચાર દાયકાનો અનુભવ અને સંશોધન છે. તેઓ કહે છે કે વ્યક્તિઓનો એક ચોથો પ્રકાર છે : ઓટ્રોવર્ટ.
- સ્પેનિશ ભાષામાં 'ઓટ્રો' એટલે ધ અધર કે અન્ય. આવો, તેને ઓળખીએ. આ વ્યક્તિ અંદર કે બહારનો, અહીંનો કે ત્યાંનો નથી. તે જાણે કે ગ્રીષ્મ ઋતુમાં સાવ એકલું ઊઠતું વાદળ જેવો છે. તે કોઈનો નથી, જાણે કે તે ત્રિકોણનો ચોથો ખૂણો છે. તેને ઓળખવા હોય તો એકાદ પાર્ટી કે ક્લબમાં નજર નાખો તો તે પરખાશે. તે થોડો દૂર એકાદ વ્યક્તિ સાથે બેસીને આત્મીય સંવાદ કરતો જોવા મળશે. તેમને ટોળામાં રહેવાને બદલે વન ટુ વન વાતો ગમે છે. તેમને આત્મવાન સંબંધમાં રૂચી છે, ટોળામાં નહીં. તેમને પ્રગાઢ સંબંધમાં રહેવું ગમે છે. તે બર્હીમુખીની જેમ ટોળામાંથી ઓળખ અને ઉર્જા મેળવતા નથી કે અંર્તમુખીની જેમ એકાંત દ્વારા ઓળખ અને ઉર્જા બચાવતા પણ નથી. તેઓ તો કનેક્શન અને પર્સનલ સ્પેસ વચ્ચેનું બેલેન્સ જાળવે છે. તેનામાં વ્યક્તિ અને સમૂહ વચ્ચેનું સમત્વ છે. તે સ્વ-પર્યાપ્ત છે. તેથી તેને અન્યના પ્રમાણપત્રોની જરૂર નથી. તેઓ સ્વતંત્ર વિચારક છે, નિરીક્ષક છે પણ ભાગીદાર નથી. સમાજમાં ઓળખ ઊભી કરવાની તેમની ક્ષમતા છે, સંવેદનશીલ છે પણ તેઓ અનાસક્ત છે. તેઓ એન્ટી-સોશિયલ નથી પણ અન્યની અપેક્ષાઓની બહાર અને વ્યાખ્યાઓની પાર વસે છે. તેઓ અન્યનો અભાવ નથી રાખતા પણ અંતર રાખે છે. તેઓની જગતને જોવાની અને સમજવાની બારી સાવ અનોખી છે. તેઓ મેઈન સ્ટ્રીમમાં ક્યારેય ભળતા-ઓગળતા નથી, તેમને હાઈ-હેલ્લો કે લટકતી સલામવાળા છીછરા સંબંધો નથી ખપતા. તેઓ એકલા મજામાં છે અને ટોળામાં એકલવાયા છે. તેઓ ટોળાની સંમતિ સાથે સંમત નથી. 'આપણે બધા સાથેમાં' તેઓ સાથે નથી. તેઓ અન્યની સલાહ માનતા કે અનુસરતા નથી. તેમનું એકાંત જ તેમનો કમ્ફર્ટ ઝોન છે.
તેઓ કોઈ ધર્મ, સમાજ, રાજનીતિની ધારામાં નથી. તે કોઈપણ ડાબેરી કે જમણેરી જૂથના વિધિ -વિધાનોને અનુસરતા નથી. તે કોઈ બીબા, ઢાંચા માળખામાં ફીટ થાય તેવા નથી. તેને નિયમો માટે કોઈ આદર નથી પણ બળવાખોર નથી. તેઓ પોતાની જાતને ક્યાંયે સબ્સ્ક્રાઇબ નથી કરતા. તેમને બધા માનવીય પ્રસંગો અને સ્થિતિઓ એબ્સર્ડ કે અસંગત લાગે છે પણ તેઓ તેની મજાક ક્યારેય પણ નથી કરતા. તેમનું એક અદભુત લક્ષણ એ છે કે તેમની વિશેની ગેરસમજો માટે તેઓ નથી કારણો આપતા કે નથી ખુલાસો કરતા. આ પ્રકાર તો હજુ વિકસતું વિજ્ઞાન કે ડેવલપિંગ સ્ટોરી છે. પણ અત્યારે તો આ આઠ અબજની વસ્તીમાં તેઓ આઉટસાઇડર કે ધ અધર જ છે. કદાચ તેઓ કોઈના નહીં, ક્યાંયના નહીં છે. ભલે તેઓ સ્વીકારે કે નકારે પણ તેઓ ઓટ્રોવર્ટ છે. તમે તેને હેલ્લો કરજો તે-જવાબ આપે કે નહીં. તમારી આસપાસમાં તેઓ છે, તેને ઓળખી કાઢો...

