Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Then in the end we only end up losing ourselves.

Shatdal: જ્યારે આપણે બીજાને છેતરીએ છીએ, ત્યારે અંતે આપણું પોતાનું જ નુકસાન થતું હોય છે તે ભાવ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Shatdal: જ્યારે આપણે બીજાને છેતરીએ છીએ, ત્યારે અંતે આપણું પોતાનું જ નુકસાન થતું હોય છે તે ભાવ
સોર્સ : gstv

- રજનીગંધા - વિભાવરી વર્મા

App Store

'રાજવી ! રાજવી ! એક ગુડ ન્યુઝ છે !' મીનાક્ષીએ પોતાની પડોશમાં રહેતી ખાસ બહેનપણીને આવતાંની સાથે ખુશખબરી આપતાં કહ્યું 'મને જોબ મળી ગઈ ! એ પણ મહિને સત્તર હજારની !'

'વાહ, આ તો બહુ સારું કહેવાય ! 'સારું ? રે ચમત્કાર કહેવાય ચમત્કાર !' મીનાક્ષી બોલી 'એક તો હું સાવ ઓછા માર્કે માત્ર બીકોમ પાસ, ઉપરથી તું તો જુએ છે ને, કેવો મામુલી છે મારો ફેસ ? એમાંય આપણે રહ્યા મિડલ ક્લાસિયા એટલે ના ઓળખાણો હોય, ના લાગવગ ! અને ઇન્ટરવ્યુમાં ઇમ્પ્રેસ કરવા માટે સારાં કપડાં પણ ના હોય... મારે તારા જેવું થોડું છે ?''

છેલ્લા વાક્યમાં મીનાક્ષીના મનમાં ઊંડે ઊંડે જે દર્દ હતું તે છલકાઈ જ ગયું. કેમકે તેની ખાસ બહેનપણી રાજવી દેખાવે ખૂબ સુંદર તો ખરી જ ઉપરથી ભણવામાં હોંશિયાર. એટલે તેને બેસ્ટ સરકારી ડેન્ટલ કોલેજમાં એડમિશન પણ મળી ગયેલું. એટલું જ નહીં, તે એક જાણીતા ડેન્ટિસ્ટની હોસ્પિટલમાં જોબે પણ લાગી ગયેલી, પુરા પચ્ચીસ હજારના પગારે.

'જા મીનુ' રાજવીએ તેનો ખભો થાબડતાં કહ્યું 'બધી વાતમાં કંપેરીઝનો ના કરવાની હોય. અચ્છા જોબ શેની મળી છે, એ તો બોલ ?'

'નાનકડા કોલ સેન્ટરમાં જોબ છે ! બિલકુલ મારે લાયક ! કેમકે મારે માત્ર ફોન પર જ રહેવાનું, ફેસ નહીં બતાડવાનો ! અને બેસ્ટ શું ખબર છે ? બિલકુલ ગુજરાતીમાં જ બોલવાનું ! કોઈ ઇંગ્લીશ ફિંગ્લીશની જફા જ નહીં !'

'વાહ, આ તો બેસ્ટ છે હોં ?'

'બસ, એક મહિનાની ટ્રેનિંગ છે. પછી તો પગાર ઉપરાંત મને કમિશન પણ મળશે.'

'સુપર્બ યાર ! હવે પાર્ટી ક્યારે આપે છે ?'

'અત્યારે જ ! શેરડીના રસનો આખો પ્યાલો પીવડાવીશ એ પણ વિધાઉટ બરફ !'

'યાર મીનુ, તારી જોબને મહિનો થઇ ગયો, હવે તો કહે, એમાં કરવાનું શું ?'

'સાચું કહું ? અંકલોને પટાવવાના !'

'હાય હાય ! એવું બધું ?'

'તું સમજે છે એવું કંઇ નથી બકુડી !' આમાં શું છે, કે કંપની ફીનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટનું કામકાજ કરે છે. એટલે સોશિયલ મિડીયામાંથી એ લોકો શોધીને ૫૦થી ૭૦ વરસના હોય એવા ક્લાયન્ટો આપણને હેન્ડલ કરવા આપે.

'હેન્ડલ કરવામાં શું કરવાનું ?'

'ખાસ કંઇ નહીં ! એક તો શું છે કે સોશિયલ મિડીયામાં મારું નામ અલગ જ હોય. મારો ફોટો તો કોઈ ભળતી જ બ્યુટિફૂલ લેડીનો હોય ! મારે તો મીઠી મીઠી વાતો કરીને એમને બને એટલો એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવા માટે કન્વીન્સ કરવાના !'

'પણ સતત આગ્રહ કર્યા કરો તો સામેવાળા અંકલ અકળાઈ ના જાય?'

'એ જ તો જોવાનું છે ને આખી મેથડ જ એવી છે કે આપણે માર્કેટિંગ કરતા હોઇએ એવું લાગવું જ ના જોઇએ ! એમના ફેમિલી વિશે પૂછવાનું, તબિયત વિશે પૂછવાનું, શું શું ગમે છે, હોબિઝ શું છે. એવું બધું પૂછતાં પૂછતાં જાણે હું પણ બે છોકરાંની મા હોઉં એ રીતે વાતો કરવાની... અને પછી ધીમે રહીને, લાગ જોઇને ઇન્વેસ્ટમેન્ટનું સજેશન નાખવાનું !'

'યાર, આ તો રીતસર બાટલામાં ઉતારવાનું કામ છે !'

'છે જ ને ? પણ મોટી મોટી મલ્ટી નેશનલ કંપનીઓ પણ આ જ ધંધો કરે છ ને ? પણ રાજવી, આ અમારી કંપની કમિશન બહુ તગડું આપે છે. સામેવાળી પાર્ટી માત્ર ૫૦૦૦ ઇન્વેસ્ટ કરે એમાંથી સીધા ૨૦૦૦ મારા ખાતામાં ! અને પછી મારી આવડતથી હું જો દસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરાવું તો એના ત્રણ ટકા, એટલે પુરા ત્રીસ હજારનું કમિશન !'

'આ તો જોરદાર છે ! સત્તર હજારનો પગાર અને ત્રીસ હજાર કમિશન ? ફાવી ગઇ તું તો હોં ?'

'હવે બોલ, તું પણ મને કંઇ ગુડ ન્યુઝ આપવાની હતી ને ?'

રાજવી જરા શરમાઈ ગઈ. પછી તેણે કહ્યું 'મીનું, મારી સગાઈ નક્કી થઇ ગઈ !'

મીનાક્ષી તો રાજવીને ભેટી જ પડી ! 'વાહ, કહેવું પડે હોં ? કોણ છે એ લકી બોય ?'

રાજવી જરા સિરિયસ થઇ ગઈ.

'ખુબ જ પૈસાદાર ફેમીલીનો છોકરો છે. એમની પોતાની દસ ફેકટરીઓ છે. અબજોનો બિઝનેસ છે. સાત તો બંગલા છે, ઇન્ડીયા અને ફોરેનમાં થઇને... પણ -'

'પણ શું ?'

'પપ્પા કહે છે કે આટલી મોટી પાર્ટી સાથે સંબંધ ગોઠવાઈ રહ્યો છે તો એ હિસાબે મેરેજ પણ ધામધૂમથી 

કરવાં પડે ! પપ્પાનું માનવું છે કે કન્યાદાનમાં જરાય કસર ના રહેવી જોઇએ. જેથી હું સાસરે જાઉં તો મારે કોઇનું મહેણું સાંભળવું ના પડે.'

'એ તો ખરું, પણ તારા પપ્પા આટલા બધા પૈસા લાવશે ક્યાંથી ?'

'પપ્પા કહે છે કે પ્રોવિડન્ટ ફંડમાં જેટલા છે એટલા ઉપાડી લઈશ, અને બેન્કમાંથી લોન લઇ લેશે. કહે છે કે નોકરીનાં હજી દસ વરસ બાકી છે ને ં? એમાંથી ચુકવી દઈશ.'

'રાજવી.. યાર તું લકી છે હોં, તને આવા પપ્પા મળ્યા છે..'

ત્રણ મહિનાની નોકરી પછી જ્યારે મીનાક્ષીને સેલરી મળી ત્યારે તે રીતસર આસમાનમાં ઉડતી થઇ ગઈ ! કેમકે છેલ્લા મહિનામાં તેણે કંપનીને લગભગ બે કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અપાવ્યું હતું !

'અને કેટલું ઇઝી હતું...' મીનાક્ષી વિચારી રહી હતી 'અંકલ લોકો જોડે મીઠી મીઠી વાતો જ કરવાની હતી ને ! નેકસ્ટ મહિને તો હું બીજા પાંચેક અંકલોને બાટલામાં ઉતારી દઈશ !'

'સૌથી પહેલા ન્યુઝ તો રાજવીને જ આપીશ !' મીનાક્ષી ઘરે આવતાં વિચારી રહી હતી 'રાજવીની તો આંખો પહોળી થઇ જશે... કહેશે કે, સત્તર હજારનાં પગાર ઉપર છ લાખ કમિશનના ! એ પણ ફક્ત અંકલોને બાટલામાં ઉતારવાની આવડતના ? યાર, મારે હવે રાજવીને જ પૂછવું પડશે કે આટલા બધા પૈસાનું કરવાનું શું ?'

પણ મીનાક્ષી સોસાયટીમાં દાખલ થઇ કે તરત તેનું ધ્યાન પડયું કે રાજવીના ઘરની બહાર લોકોનું નાકડું ટોળું ઊભું છે ! સૌના ચહેરા ગંભીર હતા.

'શું થયું ?' મીનાક્ષીએ ધીમેથી પૂછ્યું.

'વાત જવા દેને બેટા' એક વડીલે કહ્યું :

'રાજવીના પપ્પાએ એક ફિનાન્શીયલ કંપનીમાં કોઈ લેડીઝના કહેવાથી ૮૦ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. એની ઉપર મોબાઈલમાં ૩૦ લાખનો પ્રોફીટ બતાડતા હતા... પણ પૈસા ઉપાડવા ગયા ત્યારે ખબર પડી કે આખો ફ્રોડ છે...' આમાં ને આમાં એમને હાર્ટ એટેક આવી ગયો ! એ આજે બપોરે જ -

મીનાક્ષીના પગ ત્યાં જ થંભી ગયા. હવે કયા મોઢે રાજવી પાસે જવું ?