Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The Pandavas' residence in the great city

Dharmlok : સંકટ સમયની સમજદારી: પાંડવોનો વિરાટ નગરમાં વાસ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : સંકટ સમયની સમજદારી: પાંડવોનો વિરાટ નગરમાં વાસ
સોર્સ : gstv

- આજની કથા

App Store

બાર વર્ષના વનવાસ પછી પાંડવો સામે સૌથી કઠિન પરીક્ષા તેરમું વર્ષ હતું. આ વર્ષે તેમને એવા અજ્ઞાાતવાસમાં રહેવાનું હતું કે જો કૌરવો તેમને ઓળખી લે, તો વનવાસનું આખું ચક્ર ફરીથી શરૂ થઈ જાય. દુર્યોધનની હજારો આંખો ચારે દિશાઓમાં ફેલાયેલી હતી.

યુધિષ્ઠિરે મત્સ્ય દેશના રાજા વિરાટના દરબારની પસંદગી કરી. તેઓ પોતે 'કંક' નામે રાજાના જુગાર-સહાયક બન્યા. ભીમ 'બલ્લવ' તરીકે રાજમહેલના રસોઈયા અને મલ્લ બન્યા. જે ભીમની ગદાથી પર્વતો ધ્રૂજતા હતા. તે આજે ચૂલા પાસે ઊભા હતા. અર્જુન 'બૃહન્નલા' બનીને રાજકુમારી ઉત્તરાને નૃત્ય અને સંગીત શીખવવા લાગ્યા. ગાંડિવ ધારણ કરનારી આંગળીઓ હવે વીણાના તાર છેડી રહી હતી. નકુલ 'ગ્રંથિક' બની અશ્વશાળાની જવાબદારી સંભાળી રહ્યા હતા અને સહદેવ 'તંત્રિપાલ' નામે ગૌશાળાની.

દ્રૌપદીએ સૌથી કઠિન ભૂમિકા ભજવી. તે 'સૈરંધ્રી' તરીકે રાણી સુદેષ્ણાની દાસી બની. જે સભામાં અપમાનિત થઈ હતી, જે રાજમહિષી હતી, તે આજે કોઈના વાળ ઓળતી હતી.

પરંતુ ભાગ્યએ હજુ વધી પરીક્ષા લીધી. કીચકે દ્રૌપદી પર કુદ્રષ્ટિ કરી. ભીમે રાત્રિના અંધકારમાં તેનો વધ કર્યો. પણ ઓળખ ન થાય તેનો પૂરો પ્રયત્ન કર્યો. જ્યારે રાજા વિરાટના પશુધન પર કૌરવોએ આક્રમણ કર્યું. ત્યારે અર્જુને 'બૃહન્નલા'નું આવરણ છોડવું પડયું. પરંતુ ત્યાં સુધીમાં તેરમું વર્ષ પૂર્ણ થઈ ગયું હતું. ધર્મનો વિજય થયો - ન શસ્ત્રથી, ન બળથી, પરંતુ ધૈર્ય, સંયમ અને છદ્મવેશની અતૂટ સાધનાથી.

જ્યારે ઓળખનો જ ત્યાગ કરવો પડે

મનુષ્યનો સૌથી મોટો અહંકાર શું છે ? તેની ઓળખ. તેનું નામ. તેનું પદ અને તેની પ્રતિષ્ઠા. આપણે જે છીએ, તે બીજા જાણે. આ આંતરિક ઇચ્છા એટલી ઊંડી હોય છે કે તેને છોડવી મૃત્યુ સમાન લાગે છે. વિરાટ નગરની કથા આ જ અહંકારના વિસર્જનની કથા છે.

યુધિષ્ઠિર ધર્મરાજ હતા. રાજાઓના રાજા. પરંતુ વિરાટના દરબારમાં તેઓ માત્ર એક ચતુર જુગારી હતા. તેમણે આ ભૂમિકા અનિચ્છાએ કે લાચારીમાં નહીં, પરંતુ પૂર્ણ ચેતના અને ધર્મબોધ સાથે સ્વીકારી હતી.

છદ્મવેશ પાખંડ નહીં, કુશળતા છે

સમાજ અવારનવાર 'છળ' અને 'કુશળતા' વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. પાંડવોનો છદ્મવેશ નૈતિક પાખંડ નહોતો. તે એક વ્યૂહાત્મક બુદ્ધિ હતી. ચાણક્ય એ કહ્યું છે કે જે કાયમી (ધર્મ)ને છોડીને અસ્થાયી પાછળ ભાગે છે. તે બંને ગુમાવે છે. પાંડવોએ ધર્મ અને કર્તવ્ય જેવા કાયમી ભાવોને પકડી રાખ્યા અને પદ-પ્રતિષ્ઠા જેવા અસ્થાયી ભાવોને સહજતાથી છોડી દીધા.

ભીમનો સંયમ: વાસ્તવિક પરાક્રમ

ભીમની કથા આ પ્રસંગમાં સૌથી માર્મિક છે. જે હાથોમાં હિડિમ્બ અને બકાસુરનો વધ કરવાની શક્તિ હતી. તે હાથ રસોડામાં કામ કરી રહ્યા હતા. જ્યારે કીચકે દ્રૌપદી પર અત્યાચાર કર્યો ત્યારે ભીમનો ક્રોધ જ્વાળામુખી જેવો હતો. છતાં તેમણે ઓળખ છુપાવી રાખી. આ કોઈ બાહ્ય સંયમ નહીં. પરંતુ આંતરિક શિસ્ત હતી. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે જેનાં તમામ કાર્યો કામના અને અહંકાર રહિત છે, તે જ જ્ઞાાની છે.

દ્રૌપદીની સૌથી મોટી સાધના

દ્રૌપદીનો અજ્ઞાાતવાસ એ સ્ત્રી-શક્તિના દમનની નહીં, પણ એવા અદમ્ય આત્મબળની કથા છે જે પરિસ્થિતિને સ્વીકારવા છતાં પોતાની અસ્મિતાને જીવંત રાખે છે. દ્રૌપદી નમી, પણ તૂટી નહીં. તે સંદેશ આપે છે કે પરિસ્થિતિ તમારી વ્યાખ્યા નથી.

પ્રતીક્ષા પણ એક ક્રિયા છે

વિરાટ નગરનો અજ્ઞાાતવાસ આપણને શીખવે છે કે નિષ્ક્રિયતા અને ધૈર્યમાં તફાવત છે. પાંડવો નવરા બેઠા નહોતા. તેઓ પ્રતીક્ષા કરી રહ્યા હતા અને પોતાને તૈયાર કરી રહ્યા હતા. જેમ બીજ માટીમાં છુપાઈને વૃક્ષ બનવાની તૈયારી કરે છે. તેમ.

ધૈર્ય સર્વાપદામૌષધમ્ - અર્થાત્ ધૈર્ય જ તમામ વિપત્તિઓની ઔષધિ(દવા) છે.