Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The embodiment of non-violence and the pinnacle of spiritual practice

Dharmlok : અહિંસાના અવતાર અને સાધનાના શિખર: પ્રભુ મહાવીરના ચરણોમાં કોટિ વંદન

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : અહિંસાના અવતાર અને સાધનાના શિખર: પ્રભુ મહાવીરના ચરણોમાં કોટિ વંદન
સોર્સ : gstv

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

App Store

ભારતની ભવ્ય ભૂમિમાં વર્તમાનકાળમાં પણ તપ અને સંયમની અદ્ભુત-અનુપમ સાધનાના ઇતિહાસો પ્રત્યેક વર્ષે સર્જાય છે, એવા કઠોર સાધના ઇતિહાસો વિશ્વમાં લગભગ અન્યત્ર ક્યાંય જોવા નહીં મળે. ભારતભૂમિમાં સર્જાયેલા અને સર્જાતા આ શાનદાર સાધના ઇતિહાસોના મૂળની તપાસ કરીશું તો ત્યાં આપણને નિહાળવા મળશે અનંત કરૂણાનિધાન ઉત્કૃષ્ટસાધનાશિખર પરમતારક પ્રભુ મહાવીરસ્વામીનો સાધનાપૂત દેહ. સાડાબાર વર્ષની નિરંતર સાધના બાદ ઋજુવાલિકા નદીના તીરે સાંજના સમયે વિશ્વના તમામ જીવોના તેમજ પદાર્થોના ભૂત-ભાવિ-વર્તમાનને જણાવી શકે તેવા અને જગતની એક પણ બાબત જેનાથી અજ્ઞાાત નથી એવા અવર્ણનીય કેવલજ્ઞાાનની પ્રાપ્તિ મહાવીરસ્વામીને જે દિવસે થઈ એ વૈશાખ સુદિ-૧૦ નો દિવસ હવે નિકટ છે. આ મંગલ દિવસનાં આલંબનો આવો, આપણે પરમાત્મા વીરની સમતા-સંયમ-કરૂણા વગેરે નહિ, પરંતુ માત્ર ઉત્કૃષ્ટતપસાધનાનું દિગ્દર્શન કરીએ. આ મહાન તપસાધનાનું આંશિક વર્ણન પણ આપણું મસ્તક ઝૂકાવ્યા વિના નહિ રહે :

પ્રભુવીરની આ મહાસાધના બે અદ્ભુત વિશિષ્ટતાઓથી સંપન્ન હતી : (૧) શરીરની આળ-પંપાળ તેમાં લેશમાત્ર ન હતી. જાણે શરીરને નહિ, પરંતુ સાધનાને જ સાચવવાનો પ્રભુનો નિયમ ન હોય !!! (૨) પ્રભુએ લક્ષ્યપ્રાપ્તિપર્યંત સાધનાને છોડી ન હતી. આંખ-અંતરને વિસ્મયવિભોર બનાવી દે એવી એ સાધનાના આ રહ્યા અંશો :

(૧) સાડા બાર વર્ષમાં પ્રભુની કુલ સાધના હતી ૪૪૮૫ દિવસની. જેમાંથી એમણે પારણા માત્ર ૩૪૯ દિવસ કર્યા અને બાકીના ૪૧૩૬ દિવસ ચોવિહારા (જેમાં પાણી પણ એક બુંદ વાપરવાનું ન હોય એવા) ઉપવાસ કર્યા. (૨) પ્રભુએ ક્યારેય એક દિવસમાં બે વાર વાપર્યું નથી અને ક્યારેય સળંગ બે દિવસ વાપર્યું નથી. (૩) પ્રભુ વીર હંમેશા હલકા ભાત-બોરનું સૂકું ચૂર્ણ-બાફેલા અડદ વગેરે સાવ સામાન્ય ચીજોથી જ મહત્તમ પારણા કરતા. (૪) જે દિવસે પ્રભુને માત્ર પાણી જ મળ્યું હોય એ દિવસની ગણત્રી પણ પારણામાં થતી. (૫) પ્રભુને દરેક પારણામાં પાણી મળે જ એમ નહિ, ક્યારેક પાણી વિના પણ પારણા થતા. (૬) સામાન્યથી પુરુષનો આહાર બત્રીસ કવલનો હોય. પરંતુ પ્રભુના બત્રીસ કવલ પૂર્ણ ન થતા. મહત્તમ પારણા ચાર-આઠ કે સોળ કવલથી જ થઈ જતા. (૭) આ શ્રેષ્ઠ તપસાધના દરમિયાન ઉગ્ર ગરમીમાં ભરવૈશાખે બપોરના સમયે પ્રભુ સૂર્ય સામે ઉભા રહી સાધના કરતા તો તીવ્ર ઠંડીમાં મધ્યરાત્રે ખુલ્લા શરીરે કાયોત્સર્ગ કરતા અને પ્રમાદ...? તપ હોય ત્યારે આપણે પ્રમાદ=આરામ વધુ કરીએ પણ (૮) પ્રભુ વીર સાડા બાર વર્ષની આ મહાસાધનામાં પલાઠી વાળીને ક્યારેય બેઠા નથી કે બધું મળીને અડતાલીશ મિનિટથી વધ મય નિદ્રા લીધી નથી. આવા મહાન સાધક હતા પ્રભુ વીર. આપણે પ્રભુ મહાવીર જેવા ઉત્કૃષ્ટ સાધક ભલે ન હોઈએ. પરંતુ આપણી નાનકડી સાધનામાં નિશ્ચલ અને સ્થિર રહેવા દ્વારા ઉત્તમસાધક તો જરૂર બનીએ. છેલ્લે પ્રભુ વીરની સાધનાનું પુન:સ્મરણ કરીને ગર્વથી કહીએ કે 'આ છે મહાવીર અમારા...'