Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Gold that is refined by heating in fire and a gentle personality that emerges

Dharmlok : અગ્નિમાં તપીને શુદ્ધ થતું સોનું અને સંઘર્ષમાં શાંત રહીને ઉભરતું સૌમ્ય વ્યક્તિત્વ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : અગ્નિમાં તપીને શુદ્ધ થતું સોનું અને સંઘર્ષમાં શાંત રહીને ઉભરતું સૌમ્ય વ્યક્તિત્વ
સોર્સ : gstv

- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

App Store

'ભૂલથી ચપ્પુ પર આંગળી સ્પર્શી જાય અને આંગળી લોહીલુહાણ થઈ જાય તો શું આપણે ચપ્પુને ઠપકારીશું કે તેં મને કેમ ઘા કર્યો? ના, નહિ જ. કેમ કે આપણને ખબર છે કે અગ્નિનનો સ્વભાવ દઝાડવાનો અને ચપ્પુનો સ્વભાવ કાપવાનો જ છે. એની સાથે કામ લેતાં સાવચેતી આપણે જ સ્વયં રાખવાની છે. બસ, આ જ રીતે ગુસ્સાખોર વ્યક્તિ માટે સ્વભાવચિંતન કરવું કે એનો સ્વભાવ તો ગુસ્સાનો જ છે. એના આ સ્વભાવને લઈ મારે એની સાથે ઝઘડવાની જરાય જરૂર નથી. મારે તો આમાં માત્ર સાવધાની રાખવાની છે કે હું ગુસ્સામાં તણાઈ ન જઉં   : જેમ આગમાં દાઝી ન જવાની સાવધાની રાખું છું એમ !'

શુધ્ધ ધર્મરૂપ રત્નની પ્રાપ્તિ માટે જે મૌલિક એકવીશ ગુણોની વાત ધર્મરત્નપ્રકરણગ્રન્થકારે એક હજાર વર્ષ પૂર્વે કરી છે તેમાંના તૃતીય ગુણ પ્રકૃતિસૌમ્યતા પર આપણી વિચારયાત્રા જારી છે. આ ગુણની જે ચાર વિશિષ્ટતા ગ્રન્થકારે સ્વયં દર્શાવી છે તે પૈકીની ચોથી વિશિષ્ટતા તેમજ સૌમ્યતાની પ્રાપ્તિ માટે આત્મસાત્ કરવા જેવી ત્રણ બાબતો પર આ લેખમાં આપણે વિચાર વિહાર કરીશું.

સ્વભાવમાં ગુંથાઈ ગયેલ સૌમ્યતાની- શાંતિની ચોથી વિશિષ્ટતા એ છે કે આવી સૌમ્ય વ્યક્તિનાં વલણથી વર્તનથી અન્ય વ્યક્તિઓને સૌમ્યતામાં-પ્રશમભાવમાં રમમાણ રહેવાની પ્રેરણા મળે. સામાન્યત : વ્યક્તિનું મન દર્પણ જેવું છે. દર્પણ જેમ એની સામેનાં દૃશ્યને-ચિત્રને યથાવત્ ઝીલે, એમ મન પણ એની સમક્ષ આવતાં શુભ યા અશુભ આલંબનો યથાવત્ ઝીલે. જેમ કે કોઈ વ્યક્તિ દયાનું- પરોપકારનું ઉમદા કાર્ય કરતી હોય તો એ નિહાળી કોઈને એવું દયા-પરોપરકારનું ઉમદા કાર્ય કરવાના મનોરથ પ્રગટે. એથી વિપરીત, કોઈ વ્યક્તિ ક્રોધ-ગુસ્સો કરી અન્યને દબાવતી-દબડાવતી હોય તો એ નિહાળી કોઈને એવું અન્યોને દબાવવા-દબડાવવાનું કાર્ય સૂઝે.

અલબત્ત એક વાત મંજૂર છે કે શુભ યા અશુભ આલંબનો ઝીલવામાં તે તે વ્યક્તિના સંસ્કારો-કુસંસ્કારો પણ બહુ મોટી ભૂમિકા ભજવે છે. એવું ય બને કે સારી વ્યક્તિ ખરાબ આલંબનો ન ઝીલે અને ખરાબ વ્યક્તિ સારાં આલંબનો ન ઝીલે. પરંતુ એ વાત પણ ચોક્કસ કે આલંબનોની ખૂબ જબરજસ્ત અસરકારકતા છે જ. સમજદાર-સંસ્કારી વ્યક્તિ શુભ આલંબનોને અસરકારક રીતે ઝીલે. આ ન્યાયે વિચારીએ તો જે વ્યક્તિનો સ્વભાવ સૌમ્ય છે, કસોટીમાં ય જે વ્યક્તિ ઉશ્કેરાટ અનુભવતી નથી તે વ્યક્તિની સૌમ્ય વર્તણૂંક નિહાળી સંસ્કારી વ્યક્તિને તેવા સૌમ્ય બનવાના મનોરથ પ્રગટે. આ જ ભૂમિકા પર ધર્મરત્નપ્રકરણગ્રન્થકારે સૌમ્ય વ્યક્તિની ચોથી વિશેષતારૂપે લખ્યું કે 'પસમનિમિત્તં પરેસિં પિ.' અર્થાત્ સૌમ્ય વ્યક્તિ અન્યોના પ્રશમભાવમાં નિમિત્ત બને.

ગુસ્સો કરાવી જ દે તેવા કસોટીકાળમાં ય સૌમ્યતા-શાંતિ સાચવી જાણનાર વ્યક્તિ અન્યોને પ્રશમભાવ કેળવવામાં કેવી નિમિત્ત બની રહે એની અમારા જ અનુભવની એક સત્ય ઘટના નિહાળીએ :

ઇ.સ.૨૦૧૨નું અમારું ચાતુર્માસ પૂજ્યપ્રવર ગુરુદેવ પ્રૌઢપ્રભાવશાળી આ.ભ. શ્રી સૂયોદયસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મુંબઈ-ભાયખલાતીર્થે હતું. એમાં એક દિવસ પ્રભાતે કોઈ કાર્યક્રમમાં જવા માટે ત્યાંના એક ટ્રસ્ટી અમને લેવા આવ્યા. અમે સાથે ઉપાશ્રયમાંથી નીચે ઊતર્યા. ત્યાં સામે પૂજાવસ્ત્રોમાં એક ભાઈ આવ્યા. એ આ ટ્રસ્ટીના હાડોહાડ વિરોધી હતા.

કોણ જાણે શું થયું કે તેઓ અમારા બન્નેની બાજુમાં ઊભા રહી ગયા અને પેલા ટ્રસ્ટી માટે જેમ-તેમ અનાપ-સનાપ શબ્દો બોલવા માંડયા. ગાળ પણ જેની સામે ઓછી પડે તેવા ખરાબ એમના અપશબ્દો હતા. આક્રોશમાં તેઓ'નાલાયક-બદમાશ' વગેરે શબ્દો બોલ્યે જતા હતા. આગળ વધતા એમ પણ બોલ્યા કે ' આ ટ્રસ્ટીઓને તો જાહેરમાં પકડી પકડીને મારવા જોઈએ ! તો ય અમારી સાથેના ટ્રસ્ટી સાવ મૌન જ રહ્યા. છેલ્લે થાકીને ત્યાંથી ચાલતી પકડતા પેલ્લા ગુસ્સાબાજ ભાઈ બોલ્યા : ' સાવ પથ્થર છે આ લોકો. કાંઈ અસર જ થતી નથી.'

અમને ધાસ્તી હતી સાથેના ટ્રસ્ટી પણ ઉશ્કેરાઈને ગમે તેમ બોલશે. પરંતુ એવું કાંઈ થયું નહિ. વન-વે ટ્રાફિક જેવો જ વ્યવહાર રહ્યો. એ ભાઈની વિદાય પછી ટ્રસ્ટીએ સ્વસ્થતાથી અમને કહ્યું : ' આ ભાઈ એક નંબરના ઝઘડાખોર હોવાની સંઘમાં સહુને ખબર છે. એ અત્યારે મારી સાથે ઝઘડો કરવા જ આવ્યા હતા. એથી હું જાણી સમજીને મૌન રહ્યો. જો હું થોડું પણ બોલ્યો હોત તો એમણે અહીં મોટો તમાશો કરી નાંખ્યો હોત' અમને ટ્રસ્ટીની સમજદારીભરી શાંતિ-સૌમ્યતા માટે માન પ્રગટયું. કાર્યક્રમ બાદ અમારાં આસન પર જઈ આ ઘટનાના બોધરૂપે અમે ડાયરીમાં આ શબ્દો લખ્યા કે 'ક્યારેક ફટકાબાજીના ધખારા કરવા કરતાં ઓવર મેઇડન રમી જવી એ કૌશલ્યની નિશાની બની જતી હોય છે.'

ક્યારે લખાય આવા માર્મિક શબ્દો ? સામી વ્યક્તિની સમજસભર શાંતિ મનને સ્પર્શી ગઈ હોય તો જ.. ગ્રન્થનિર્દિષ્ટ આ ચતુર્થ બાબતનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરી હવે આપણે વિચારીશું સૌમ્યતાને-શાંતિને આત્મસાત્ કરવા માટે ત્રિસ્તરીય વાત.

એમાં પ્રથમ છે વિચારોનું સ્તર. જેઓ કસોટીકાળમાં- કટોકટીકાળમાં ય સૌમ્યતા અકબંધ રાખવા ચાહે છે તેઓએ વિચારોનાં ક્ષેત્રે ઉચ્ચ સજ્જતા કેળવવી જોઈએ. વારંવાર ચિત્તમાં એવી બાબતો ઘૂંટવી જોઈએ કે જે સૌમ્યતા-શાંતિ જાળવી રાખવામાં સહાયક બને. 'જો એ મને બે શબ્દ કડવા કહેશે તો હું એને બાર શબ્દો કડવા-ઉગ્ર કહીને જડબાતોડ જવાબ આપીશ.' આવા ઉશ્કેરાટના વિચારો ચિત્ત પર ઘૂંટનાર સૌમ્યતા- શાંતિ ન જાળવી શકે. જે આવા વિચારો મનમાં ઘૂટે કે ' કોઈના પણ ગુસ્સાનો જવાબ હું શાંતિથી અને મુદ્દાસર રજૂઆત દ્વારા જ આપીશ.' એ વ્યક્તિ કસોટી સમયે આસાનીથી શાંતિ-સૌમ્યતા સાચવી જાણે.

કસોટીકાળમાં ય સૌમ્યતા સાચવી રાખવાનો એક વૈચારિક ઉપાય છે સ્વભાવનું ચિંતન. કેટલાક જડપદાર્થોના સ્વભાવની આપણને ખબર જ છે. જેમ કે અગ્નિનો સ્વભાવ છે બાળવાનો અને ચપ્પુનો સ્વભાવ છે કાપવાનો. ધારો કે ભૂલમાં આપણો હાથ અગ્નિને સ્પર્શી જાય અને દાઝી ગયા તો શું આપણે અગ્નિને ફરિયાદ કરીશું કે તેં મને કેમ દઝાડયો ? ભૂલથી ચપ્પુ પર આંગળી સ્પર્શી જાય અને આંગળી લોહીલુહાણ થઈ જાય તો શું આપણે ચપ્પુને ઠપકારીશું કે તેં મને કેમ ઘા કર્યો ? ના, નહિ જ. કેમ કે આપણને ખબર છે કે અગ્નિનો સ્વભાવ દઝાડવાનો અને ચપ્પુનો સ્વભાવ કાપવાનો જ છે. એની સાથે કામ લેતાં સાવચેતી આપણે જ સ્વયં રાખવાની છે. બસ, આ જ રીતે ગુસ્સાખોર વ્યક્તિ માટે સ્વભાવચિંતન કરવું કે એનો સ્વભાવ તો ગુસ્સાનો જ છે. એના આ સ્વભાવને લઈ મારે એની સાથે ઝઘડવાની જરા ય જરૂર નથી. મારે તો આમાં માત્ર સાવધાની રાખવાની છે કે હું ગુસ્સામાં તણાઈ ન જઉં : જેમ આગમાં દાઝી ન જવાની સાવધાની રાખું છું એમ ! ટ્રસ્ટીનું જે પૂર્વોક્ત ઉદાહરણ આપ્યું એમાં આ જ સમજ નિહાળવા મળે છે.

બીજું છે વાણીનું સ્તર. વાણીનું સ્તર જેટલું નિમ્ન અને ઉગ્ર એટલી કલેશની-સંઘર્ષની સંભાવના વધુ. યાદ રહે કે 'આંધળાના દીકરા આંધળા જ હોય ને !' આ નિમ્ન સ્તરની વાણીએ મહાભારતનું યુદ્ધ સર્જ્યું હતું. તો 'થાય તે કરી લે. તારા બાપથી ય ડરતો નથી.' જેવા ઉગ્ર આજે ય કૈં કેટલા ઘર્ષણનું કારણ બનતા નિહાળાય છે. વાણીના આ સંદર્ભમાં અમારે ભૂમિકારૂપે ટાંકવું છે મહાન રાજનીતિજ્ઞા ચાણકયનું એક વિધાન. એમણે શત્રુ માટે લખ્યું છે કે 'શત્રુ ગોળથી મરતો હોય તો ઝેરથી ન મારવો.' નિર્દેશ આ વાક્યમાંથી એ તારવી શકાય કે સારા ઉપયોગથી કાર્ય સિદ્ધ થઈ જતું હોય તો નબળા ઉપાયો ન જ અજમાવવા. 

એક પરિચિત સંઘમાં બે ભાગ હતા અને આપસમાં ભયાનક વૈર-વિરોધ હતા. પરિસ્થિતિ એટલી ખરાબ કે માર્ગ નીકળવો લગભગ અશક્ય. શરૂઆતમાં પ્રયત્નો કર્યા. પણ બે માંથી કોઈ વર્ગની પકડ ન છૂટે. અમને સમજાયું કે આમાં ખૂબ સમય વ્યય છતાં પરિણામ મળે એમ નથી. એટલે એનાથી દૂર રહેવાનું વિચાર્યું. એક મોટો વર્ગ આવીને કહે : 'મહારાજશ્રી ! તમારે જ માર્ગ કરવો પડશે.' અમે લાગણીથી કહ્યું :'તમારી સમસ્યા સુલઝાવી શકાય એટલું પુણ્ય મારું નથી. તમે અન્યત્ર પ્રયાસ કરો.' આ ઉત્તરમાં સંયોગવશ કાર્યની ના હતી, પણ વાણીનું સ્તર એકદમ સૌમ્ય હતું. જો કે, વાણીની સ્તર માટે અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે કાર્ય સિદ્ધ થાય યા ન થાય. પરંતુ વાણીનું સ્તર તો નબળું ન જ થવા દેવું. સૌમ્યતા માટે આ જરૂરી જાગૃતિ છે.

ત્રીજું છે વર્તનનું સ્તર. વર્તનને સૌમ્ય બનાવવા માટે બે વાત ધ્યાનમાં રખાય. એક, કોઈ પણ ઘટનાની ઉતાવળમાં પ્રતિક્રિયા ન આપવી. ઉતાવળમાં લાભાલાભના ઘણાં બધાં પાસાં પર વિચારણા શક્ય નથી બનતી. એનાથી થતાં નુકસાનો વ્યક્તિને અસ્વસ્થ-આવેશગ્રસ્ત બનાવે. બે, કોઈ પણ ઘટનાની ઉશ્કેરાટભરી પ્રતિક્રિયા ન આપવી. કેમ કે ઉશ્કેરાટભરી પ્રતિક્રિયા સાચી હોય તો પણ માર ખાઈ જાય છે.

છેલ્લે એક વાત : અગ્નિ સામે ટકે એ સુવર્ણ શુદ્ધ પુરવાર થાય... ઉગ્રતા સામે ટકે એ વ્યક્તિ સૌમ્ય પુરવાર થાય...