Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The force that keeps relationships sweet is not logic or ego, it is love! Saying 'Sorry' frees the mind.

Dharmlok: સંબંધોને મધુર રાખતું બળ તર્ક કે અહમ્ નથી, પ્રેમ છે!  'Sorry' કહેવાથી મન ભારમુક્ત થાય છે

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok: સંબંધોને મધુર રાખતું બળ તર્ક કે અહમ્ નથી, પ્રેમ છે!  'Sorry' કહેવાથી મન ભારમુક્ત થાય છે
સોર્સ : GSTV

- સુરેન્દ્ર શાહ

App Store

જયંત ઇન્દ્રનો પુત્ર હતો. તેણે વાત સાંભળી હતી કે પરમબ્રહ્મ એ રામાવતાર ધારણ કર્યો છે. અને પિતાજીના વચનનું પાલન કરવા શ્રીરામ વનવાસીજીવન વિતાવી રહ્યા છે. જયંત કાગડાનું રૂપ ધરી ઊડતો હતો. અચાનક તેની નજર પર્ણકુટીના આંગણમાં બેઠેલા શ્રીરામ અને સીતાજી પર પડી. તેઓ વનમાં પણ દાંપત્યજીવનની મધુર ક્ષણો માણી રહ્યાં હતાં. જયંત વૃક્ષની ડાળ પર બેઠો બેઠો આ જોઈ રહ્યો હતો. શ્રીરામના પ્રેમાલાપથી સીતાજી ભાવુક થયાં હતાં. 'હે રામ, બાગ હોય, મહેલ હોય કે વન હોય. જ્યાં તમે છો ત્યાં જ મારું સુખ-ચેન છે. ત્યાં જ મારું સ્વર્ગ છે. અહીં પણ તમે ભૂલ્યા વગર મારા શૃંગાર માટે વનવગડામાંથી તાજાં ફૂલો લાવો છો. મહેંકતા ફૂલોથી મારા કેશ સજાવો છો.' જયંતને આ જોઈ સંદેહ થયો. આ અવતારી પુરૂષ શ્રીરામ આવા હોય? આ તો સીતાજીના રૂપમાં આસક્ત થઈ સામાન્ય માનવની જેમ શૃંગાર કરવાની ચેષ્ટાઓ કરે છે. ના... ના... આ બ્રહ્મનો અવતાર ના હોઈ શકે!

જે મૂઢ અને મંદબુદ્ધિવાળા હોય છે તેમને નાની વાતોમાંય શંકા જાગે છે. (મનસિ સંશયે ચક્ષું પશ્યન્નતિ ન પશ્યતિ) અને માણસનું મન જ્યારે શંકાશીલ હોય ત્યારે તેને આંખ હોવા છતાંય સાચું-સત્ય દેખાતું નથી. તેણે શ્રીરામના બ્રહ્મસ્વરૂપનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો. કાગડા બનેલા જયંતે ડાળ પરથી નીચે આવી, ખૂબ જ ઝડપથી સીતાજીના ચરણમાં તીક્ષ્ણ ચાંચ મારી. તેમને ઘાયલ કર્યા. ધારદાર ચાંચના હુમલાથી સીતાજીના પગમાંથી લોહી વહેવા લાગ્યું. શ્રીરામે આ જોયું. તેમણે તરત ધનુષ્ય પર મંત્રેલું બાણ ચઢાવી જયંત તરફ છોડયું. પછી સીતાજીના પગનો ઘા રૂઝવવા વન-ઔષધિ લેવા દોડયા. મંત્રેલું બાણ છૂટતાં જ જયંત ભયભીત થઈ ગયો. આગળ જયંત પાછળ રામબાણ! પહેલાં તે મદદ માટે પિતા ઇન્દ્ર પાસે ગયો. પછી દુર્વાસા ઋષિ પાસે, ત્યારબાદ શિવલોક અને બ્રહ્મલોક સુધી પહોંચ્યો. પણ કોઈએ તેને મદદ ના કરી. નારદજીએ જોયું આ કાગડો જીવ બચાવવા આમતેમ ઊડી રહ્યો છે. તેમને દયા આવી. તેમણે જયંતને સલાહ આપી. 'જયંત, તારાથી રામ દ્રોહ કરવાની ભૂલ થઈ છે. તું આમતેમ રખડયા વગર સીધો શ્રીરામના શરણે જા. હાથ જોડી માફી માગી લે.' જયંત રામ પાસે ગયો. ડરતાં ડરતાં ચરણ સ્પર્શ કરી માફી માગવા લાગ્યો. 'હે પ્રભુ ! આપ દયાળુ છો. મને માફ કરી દો. (નિમિ પિપીલિકા સાગર થાહા । મહામંદમતિ પાવન ચાહા ।।) હું મૂઢ, મંદબુદ્ધિ આપને સામાન્ય માનવ સમજી બેઠો હતો. જેમ એક તુચ્છ કીડી વિશાળ સાગરનો તાગ મેળવવા પ્રયત્ન કરે એમ હું આપ બ્રહ્મ છો કે નહિ તેની પરીક્ષા કરી રહ્યો હતો ! પ્રભુ ! હું આપના શરણે છું. મને માફ કરી દો.' જયંતે મોહવશ દ્રોહ કર્યો હતો એટલે તેનો વધ ના કરાય એમ સમજી પ્રભુ શ્રીરામે કૃપા કરી તેને માફ કરી છોડી દીધો.

શંકા જ્યારે મૂર્ખતાથી શરૂ થઈ પસ્તાવામાં પરિણમતી હોય ત્યારે નિખાલસપણે માફી માગી લેવાથી મનને શાંતિ મળે છે. નજીક લાગતી અંગત વ્યક્તિ સાથે એકાદ કટુવચનથી, અતડા વર્તનથી કે ગુનાહિત હિલચાલથી સંબંધ વણસતો લાગે ત્યારે એક અદ્રશ્ય ભાર દિલ પર રહ્યા કરે છે. એ પસ્તાવાનો બોજ દૂર કરી હળવા થઈ જવાનો એક જ રસ્તો છે - માફી માંગી લેવી. બધો ભય, બધો અહમ્, બધો દંભ, બધો અજંપો કે બધી શરમ ખંખેરી ભાવસભર લાગણીથી, આંખમાં આંખ પરોવી, નમ્રપણે દોષ કબૂલ કરી 'સોરી' કહી દેવાથી મન ભારમુક્ત થઈ શાંતિ અનુભવે છે.

ગાંધીજીના નાના હતા ત્યારે એક મિત્રની અનિષ્ઠ મિત્રતાથી અને તેમના એક સગાની સોબતથી દૂષણોનો ભોગ બન્યા હતા. બીડી પીવી, બીડી ના મળે તો ફેંકી દીધેલા ઠૂંઠા પીવાં, માંસાહાર કરવો, વેશ્યા પાસે જવું, નોકરના પૈસા ચોરવા !- આવી દુર્વ્યસની પ્રવૃત્તિથી તેમના એક ભાઈને માથે પચીસ રૂપિયાનું દેવું થઈ ગયું. ઉઘરાણી થાય તો ઘરમાં બધાને ખબર પડી જાય. તેમણે ભેગા મળી એક રસ્તો કાઢયો. એ ભાઈ સોનાનું નક્કર કડું કાયમ પહેરતા. તેમાંથી એક તોલો સોનું કપાવી એ કકડો વેચવો અને દેવું ચૂકતે કરવું !

એમ જ કર્યું. સોનું વેચીને દેવું તો ભરાયું પણ ગાંધીજી માટે આ વાત અસહ્ય થઈ ગઈ. ઊંઘ ઊડી ગઈ. બેચેની વધી ગઈ. ચેન જતું રહ્યું. તેમને લાગ્યું દોષ કબૂલ કર્યા વગર જીવને રાહત નહિ થાય. મન થાંત નહિ થાય. ગભરામણ દૂર નહિ થાય. છેવટે તેમણે પિતાજીને એક ચિઠ્ઠી લખી. દોષ કબૂલ કર્યો. અને સજા હોય તે ભોગવવાની તૈયારી બતાવી. એટલું જ નહિ આ દોષના લીધે પિતાજી પોતે પોતાની ઉપર દુ:ખ ના વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી. ભવિષ્યમાં ફરી આવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી. પિતાજી પાટ ઉપર સૂતા હતા. એ ચિઠ્ઠી તેમને હાથોહાથ આપી અને ગાંધીજી પરિણામની રાહ જોતા તેમની સામે બેઠા. પિતાજી ઊભા થયા. ચિઠ્ઠી ખોલી. વાંચી આંખમાંથી મોતીના બિંદુ ટપક્યાં. એ બિંદુથી ચિઠ્ઠી ભીંજાઈ ગઈ. પિતાજીએ ક્ષણવાર આંખો મીંચી દીધી. ગાંધીજી સામે જોયું અને ચિઠ્ઠી ફાડી નાખી. પાછા તે પાટ ઉપર સૂઈ ગયા. ગાંધીજી રડયા - ખૂબ રડયા. એ પશ્ચાત્તાપના આંસુ હતા. પિતાજીના એ મોતીબિંદુના પ્રેમબાણે તેમને વીંધી નાખ્યા. ગાંધીજીએ તેમની આત્મકથાના 'ચોરી અને પ્રાયશ્ચિત્ત' પ્રકરણમાં લખ્યું છે 'જે માણસ માફી આપનાર-અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે અને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી માફી માગી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત્ત કરે છે.'

લોક-વ્યવહારમાં કોઈ પ્રસંગે જ્યારે કડવાશ ઊભી થાય, વાંકુ પડે, ઓછું આવે, અહમ્ ટકરાય, ખીજ ચડે કે અબોલા થાય ત્યારે દરેકને પોતાની વાત જ સાચી લાગે છે. કોઈ નમ્ર બનતું નથી. દરેક પોતાની વાતે અક્કડ રહે છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે સંબંધોને મધુર રાખતું બળ તર્ક, દલીલ, ડિગ્રી કે અહમ્ નથી. પ્રેમ છે. કાળજી છે. સદ્ભાવ છે. લાગણી છે. પિતા-પુત્ર, ભાઈ-બહેન, પતિ-પત્ની, કાકા-કાકી, મામા-મામી કે અંગત મિત્ર આ પ્રિયજનો સામે પક્ષે ઊભેલા હરિફો નથી. આપણા છે. અંગત છે. હૃદયમાં વસેલા છે. તેમની સાથે શું રિસાવું? જ્યારે દિલ તેમનું સાન્નિધ્ય ઇચ્છે ત્યારે બધું જતું કરી પહેલ કરવી. બોલવું, વાતચીત કરવી. અબોલાની દિવાલ તોડી એકબીજાના મન સુધી પહોંચી જવા પુલ બનાવવો. ભૂલ કોની હતી. તેની દલીલમાં ઊતર્યા વગર 'સોરી' કહી દેવું. 'સોરી' કહેતાં જ સંબંધોમાં રહેલી અધૂરપ-મધુરપમાં ફેરવાઈ જશે. જીવ ને રાહત થશે, મનને શાંતિ મળશે.