Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : "Hey friend! Wake up, let's go see Krishna." 'Dakshini Meera', who dedicated her life to Lord Vishnu

Dharmlok: "હે સખી! જાગ આપણે કૃષ્ણના દર્શન કરવા જઇએ." પોતાનું જીવન ભગવાન વિષ્ણુને સમર્પિત કરનારી 'દક્ષિણની મીરા'

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok: "હે સખી! જાગ આપણે કૃષ્ણના દર્શન કરવા જઇએ." પોતાનું જીવન ભગવાન વિષ્ણુને સમર્પિત કરનારી 'દક્ષિણની મીરા'
સોર્સ : GSTV

વિચાર-વીથિકા

App Store

- દેવેશ મહેતા

તમારા બગીચાના સરોવરમાં કમળના ફૂલ ખીલી ગયા છે પ્રકૃતિ જાગી ઉઠી છે- હવે તમે પણ ઉઠો અને પ્રભુ ભજન કરો.

ગાય પોતાના વાછરડાના પ્રેમથી દૂધથી ભરેલી ઉભી છે. હે સખી ! જાગ- આપણે કૃષ્ણના દર્શન કરવા જઇએ.

હે વર્ષાના દેવ ! સમુદ્રમાંથી જળ લઈ મેઘોને ભરી દો અને પૃથ્વી પર ભરપૂર વરસાદ વરસાવો, જેથી બધા લોકો સુખી થાય અને ભગવાનની પૂજા કરી શકે.

જુઓ, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને સવાર થઈ ગઈ છે. મંદિરમાં શંખનાદ સંભળાઈ રહ્યો છે હે સખી ! ઉઠ- આપણે એ કૃષ્ણનું નામ ગાઈએ જેમણે પૂતનાનું વિષ પીધું અને દુષ્ટ રાક્ષસોનો નાશ કર્યો

- કવયિત્રી આણ્ડાલ, નાચિયાર તિરુમોળી 

આણ્ડાલ દક્ષિણ ભારતની મહાન કૃષ્ણ ભક્ત કવયિત્રી હતી. તે આળવાર સંતોમાં એકમાત્ર મહિલા સંત હતી. તેને ભૂદેવીનો અવતાર માનવામાં આવે છે. જેણે પોતાનું જીવન ભગવાન વિષ્ણુ (રંગનાથ)ને સમર્પિત કરી દીધું. આણ્ડાલનો જન્મ તમિલનાડુના શ્રીવિલ્લિપુથુરમાં થયો હતો. તેના પિતા પેરિયાળવાર વિષ્ણુચિત્તે તેને તુલસીના છોડ નીચે પ્રગટ થઈ હોય તેમ પ્રાપ્ત કરી હતી. તેમણે તેનું નામ ગોદા પાડયું. ગો એટલે ગાય અને બીજો અર્થ થાય ઇન્દ્રિયો. દા એટલે દાન કરનાર. અર્થાત્ ગાયોનું દાન કરનાર અથવા પોતાની ઇન્દ્રિયો દ્વારા ભગવાનને સર્વાત્મનિવેદન કરનાર. તે બાળપણથી જ શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હતી. તેણે મનોમન ભગવાન વિષ્ણુના અવતાર રૂપ શ્રીકૃષ્ણનું પતિરૂપે વરણ કર્યુ હતું. તે તેના પિતા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ માટે ગૂંથેલી પુષ્પમાળા પહેલાં પોતે પહેરતી અને દર્પણમાં જોતી કે તે તેના શરીર પર કેવી શોભી રહી છે. પછી તે પુષ્પમાળા પિતાની ટોપલીમાં મૂકી દેતી. એક દિવસ તેના પિતાએ તેને આ રીતે માળા પહેરતા જોઈ લીધી. તેને ઠપકો આપતાં કહ્યું- આપણું પહેરેલું ભગવાનને ના પહેરાવાય. આ માળા ભ્રષ્ટ થઈ ગઈ છે એટલે આજે તે ભગવાનને નહીં પહેરાવાય. તે દિવસે તે મંદિરે માળા વગર જ ગયા. ભગવાનને આ ન ગમ્યું. તેમણે વિષ્ણુચિત્તને સ્વપ્નમાં આવી આદેશ કર્યો. હવેથી દરરોજ ગોદાએ પહેરેલી માળા લઈને જ મંદિરે આવજે. ગોદાના પહેરવાથી માળા ભ્રષ્ટ થતી નથી, ઊલટું પવિત્ર થાય છે. ભક્તોને હું પ્રિય છું અને મને ભક્તો પ્રિય છે. ગોદા કેવળ ભક્ત નથી એ શ્રી સ્વરૂપિણી છે. એટલે એનું નામ પાડયું- આણ્ડાલ. આણ્ડાલ એટલે જગતનો ઉદ્ધાર કરનારી શક્તિ. જગદંબા, જગતની સ્વામિની.

આણ્ડાલે પ્રસિદ્ધ તમિલ કાવ્ય તિરુપ્પવઈ અને નચિયાર તિરુમોઝીની રચના કરી હતી. તિરુપ્પવઈ વૈષ્ણવ પરંપરાનો અદ્ભુત ગ્રંથ છે. તેમાં આણ્ડાલે ૩૦ પદો (પાશુરમ)ની રચના કરી છે. તેમાં આણ્ડાલ ગોપી ભાવથી કૃષ્ણની ભક્તિ કરે છે. નચિયાર તિરુમોઝીનો અર્થ થાય છે- ' દેવીના પવિત્ર શબ્દ ! આ કાવ્યમાં ૧૪૩ પદો છે. તેમાં શરૂઆતમાં તે કામદેવ (મન્મથ)ને પ્રાર્થના કરે છે કે તે એની સહાય કરે જેથી તેના વિવાહ ભગવાન વિષ્ણુ/કૃષ્ણ સાથે થઈ શકે. તે મેઘ, કોયલ, અને શંખને પૂછે છે કે તેમના પ્રભુ ક્યાં છે? તે વાદળોને પોતાના સંદેશવાહક બનાવીને ભગવાન પાસે મોકલે છે. તે ભગવાનના પાંચજન્ય શંખની ઇર્ષા કરીને પૂછે છે- જ્યારે તમે પ્રભુના ઓષ્ઠ(હોઠો)નો સ્પર્શ કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? એમના હોઠોનો સ્વાદ કેવો છે? નચિયાર તિરુમોઝીનો છઠ્ઠો અધ્યાય સર્વાધિક લોકપ્રિય છે. તેમાં આણ્ડાલ પોતાના તે સ્વપ્નનું વર્ણન કરે છે. જેમાં તેણે ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યા હતા. આજે પણ દક્ષિણ ભારતીય લગ્નોમાં વારણમ આયિરમના પદો ગવાય છે એવી માન્યતા છે કે એ ગાવાથી લગ્ન જીવન સુખી થાય છે. આણ્ડાલ શ્રી રંગનાથ ભગવાન સાથે જ લગ્ન કરવા માંગતી હતી. શ્રી રંગનાથ ભગવાને તેની ઇચ્છા પૂરી પણ કરી. આણ્ડાલને નવોઢાના રૂપમાં સુંદર વસ્ત્રાભૂષણો- અલંકારોથી સજાવી પાલખીમાં બેસાડી શ્રીરંગમ્ મંદિરના ગર્ભગૃહમાં લઈ જવામાં આવી. તે ભગવાનના સ્વરૂપ પાસે પહોંચી ગઈ અને બધાની નજર સામે તેમાં સમાઈ ગઈ. આણ્ડાલને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ઉત્કટ પ્રેમભક્તિને કારણે 'દક્ષિણની મીરા' પણ કહેવામાં આવે છે.