Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The destruction of ignorance and the illumination of Brahman

Dharmlok / વેદ સ્તુતિ: અવિદ્યાનો નાશ અને બ્રહ્મનો પ્રકાશ

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok / વેદ સ્તુતિ: અવિદ્યાનો નાશ અને બ્રહ્મનો પ્રકાશ
સોર્સ : gstv

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

App Store

જે અવિદ્યાએ આનંદાદિ ગુણો ઢાંકી દેવા સત્ત્વાદિ ગુણો ગ્રહણ કર્યા છે. આપે તો સ્વરૂપથી જ સમગ્ર ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે, માયાને વશ કરી છે. હે સર્વ શક્તિને જગાડનારા!

શ્રીમદ્ ભાગવત એ ભગવાનનું વાંગ્મયી સ્વરૂપ છે. દશમ સ્કંધ એ શ્રીકૃષ્ણ પરમાત્માનું હૃદય છે. એ દશમ સ્કંધમાં વેદોએ પરમાત્મા શ્રીકૃષ્ણની સ્તુતિ કરી છે. જે દશમ સ્કંધ ઉત્તરાર્ધના ૮૭ના અધ્યાયમાં છે. પરિક્ષિત મહારાજના પ્રશ્નથી આ વેદ સ્તુતિનો આરંભ થાય છે. પરિક્ષિત મહારાજ શુકદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે, શ્રૃતિઓ નિર્ગુણ નિરાકાર બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કેવી રીતે કરે છે !? આ પ્રશ્નના ઉત્તરમાં શુકદેવજી મહારાજે દેવર્ષિ નારદજી અને ભગવાન નારાયણના સંવાદનું વર્ણન છે અને એ સંવાદમાં શ્રૃતિઓએ ભગવાનનો મહિમા ગાયો છે. 

શ્રૃતિઓ બોલી - કોઈથી ન જિતાયેલા હે પરમેશ્વર ! આપ જ્ય પામો, જ્ય પામો. સ્થાવર-જંગમ શરીરોવાળા જીવોની અવિદ્યાનો આપ નાશ કરો; જે અવિદ્યાએ આનંદાદિ ગુણો ઢાંકી દેવા સત્ત્વાદિ ગુણો ગ્રહણ કર્યા છે. આપે તો સ્વરૂપથી જ સમગ્ર ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે, માયાને વશ કરી છે. હે સર્વ શક્તિને જગાડનારા ! આપ જ જીવોના અંતર્યામી અને સર્વશક્તિના પ્રકાશક છો. આ અગ્નિ સૂર્યરૂપે સ્વર્ગલોકનું મસ્તક છે અને જઠરાગ્નિરૂપે પૃથ્વીનો શ્રેષ્ઠ પાલક છે. આમ, વેદવાક્ય અગ્નિ આદિદેવોને સિદ્ધ કરે છે. જોવામાં આવતા સર્વ પદાર્થો બ્રહ્મ જ છે, એમ વિદ્વાનો જાણે છે કારણ કે, કેવળ એક બ્રહ્મ જ બાકી રહે છે અને બ્રહ્મથી જ સર્વની ઉત્પત્તિ તથા નાશ પણ થાય છે, કારણ કે બ્રહ્મ જ સર્વનું ઉપાદાન કારણ છે. મંત્રોના દૃષ્ટા ઋષિઓ મન વડે આચરેલાં તાત્પર્યને તથા વચનથી ઉચ્ચારેલા નામને આપસ્વરૂપે જ સિદ્ધ કરે છે.

હે ત્રિગુણાત્મક ! આપ જ સર્વના કારણ હોઈ સત્યસ્વરૂપ છો એમ માની વિવેકીઓ સમગ્ર લોકના પાપરૂપી મેલનો નાશ કરનાર આપની કથારૂપ અમૃતના સમુદ્રમાં સ્નાન કરીને ભવસાગર તરી જાય છે. અંત:કરણના રાગાદિગુણો અને કાળના વૃદ્ધપણું આદિગુણોને તજનારા લોકો નિત્ય સુખના અનુભવરૂપ આપના સ્વરૂપને ભજે છે. હે પરમાત્મન ! પ્રાણીઓ આપને અનુસરનારાં આપનાં ભક્ત હોય તો જ તેઓનું જીવન સફળ બને છે. ઋષિઓના સંપ્રદાય માર્ગોમાં જેઓ સ્થૂળ દૃષ્ટિવાળા છે તેઓ ઉદરમાં આવેલાં મણિપુરચક્રમાં રહેલું બ્રહ્મનું ધ્યાન કરે છે અને અરૂણના વંશના ઋષિઓ નાડીઓના પ્રસારના સ્થાનરૂપ સાક્ષાત્ હૃદયમાં રહેલા બ્રહ્મના સૂક્ષ્મ સ્વરૂપની જ ઉપાસના કરે છે, કેમ કે હે અનંત ! તે હૃદયસ્થાનથી આપનું પ્રાપ્તિનું સ્થાન એવી સુષુમ્ણા નાડી શ્રેષ્ઠ જ્યોતિર્મય મસ્તક સુધી ઉંચે પહોંચીને મૂલાધારથી માંડી હૃદય મધ્યે થઈને છેક બ્રહ્મરંધ્ર સુધી પહોંચી છે તે સુષુમ્ણારૂપ આપના સ્થાનને પામી ફરી યમદેવના મુખરૂપ સંસારમાં મનુષ્યોને પાછાં આવવું પડતું નથી. સત્ય અને એકરૂપ આપના સ્વરૂપને નિર્મળ બુદ્ધિવાળા લોકો જાણે છે, માટે ન્યૂનાધિક્તા ન હોવાથી અસ્ખલિત ઐશ્વર્યવાળા આપ જ ઉપાસના કરવા યોગ્ય છો.

હે સગુણ પરમેશ્વર ! મનુષ્ય આદિ શરીરોમાં જે ભોક્તારૂપે રહ્યો છે તે જીવાત્મા સમગ્ર શક્તિ ધારણ કરનારા, સર્વ શક્તિના આશ્રય આપ પૂર્ણનું જ સ્વરૂપ છો. જીવના તત્ત્વની શોધ કરી વિશ્વાસ પામેલા તત્ત્વજ્ઞાનીઓ સર્વ કર્મોને અર્પણ કરવાના વિષયરૂપ અને સંસારને દૂર કરનારા આપના ચરણને પૃથ્વી પર અર્ચન વંદના વગેરેથી સેવે છે. હે ભગવાન ! મનુષ્યનું આ શરીર આપને અનુસરનારું હોઈ, આપની સેવામાં જ ઉપયોગી છે અને આત્મા, મિત્ર તથા પ્રિયની પેઠે પોતાને આધીન થઈને રહે છે.

હે પ્રભુ ! કેવળ આપને જ બધે સમાન સ્વરૂપે જોઈને આપના ચરણકમળનું સારી પેઠે ધ્યાન કરતી અમે શ્રૃતિઓ પણ આપની જ કૃપાપાત્ર છીએ. હે ભગવન ! આપ ઈંન્દ્રિયોના સંબંધથી રહિત છો, છતાં સર્વપ્રાણીઓની ઈંન્દ્રિયશક્તિઓના પ્રવર્તક છો કારણ કે આપ સ્વત: પ્રકાશ, સ્વત: સિદ્ધ જ્ઞાનશક્તિવાળા છો. હે નિત્યમુક્ત પરમાત્મન ! આપ સર્વોત્કૃષ્ટ, પરમ દયાળુ છો તેથી આકાશની જેમ બધે સમાન ભાવે વર્તો છો માટે આપને માટે તો સર્વ સમાન છે. વળી આપ અતિ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરો છો કારણ કે આપ વાણી તથા મનના અવિષય છો.

આમ જેવી રીતે વેદોએ ભગવાનનો મહિમા ગાયો એ ભગવાનના નિર્ગુણ સ્વરૂપનો આપણે પણ કંઈક અનુભવ કરીએ અને જીવનને કૃતાર્થ કરીએ.