Dharmlok : દર્શન કરીને તરત જ ઘર તરફ કેમ ન નીકળવું? જાણો મંદિરના ઓટલે બેસવા પાછળનું અદ્ભુત રહસ્ય

- મુકેશ ટી. ચંદારાણા
આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ, ત્યારે દર્શન કર્યા પછી થોડીવાર મંદિરના ઓટલે કે પગથિયે અચૂક બેસીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે ? હકીકતમાં શાસ્ત્રો અનુસાર ઓટલે બેસીને એક વિશેષ શ્લોક બોલવાનો હોય છે. કદાચ આ વાત આપણા સુધી પહોંચી નથી, પણ આપણી આવનારી પેઢીને આ સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે.
*મંદિરના ઓટલે બેસીને બોલવાનો શ્લોક :
''અનાયાસેન મરણમ્,
વિના દૈન્યેન જીવનમ્ ।
દેહાન્તે તવ સાન્નિધ્યમ્,
દેહિ મે પરમેશ્વરમ્ ।।''
એટલે કે, હે પરમેશ્વર! હું તમારી પાસે માત્ર ત્રણ વસ્તુ માંગુ છું :
૧. અનાયાસેન મરણમ્ : કોઈ પણ શારીરિક કષ્ટ, પીડા કે લાંબા સમયની માંદગી વગરનું સહજ મૃત્યુ આપજો.
૨. વિના દૈન્યેન જીવનમ્ : કોઈના ઓશિયાળા કે લાચાર ન થવું પડે અને કોઈની પર નિર્ભર ન રહેવું પડે તેવું સ્વાભિમાની જીવન આપજો.
૩. દેહાન્તે તવ સાન્નિધ્યમ્ : મારા જીવનના અંત સમયે (મૃત્યુ સમયે) મારી નજર સમક્ષ આપ હો અને મને આપના ચરણોમાં સ્થાન મળે.
મંદિરમાં ભગવાનના દર્શન કેવી રીતે કરવા ?
જ્યારે તમે મંદિરમાં ગર્ભગૃહની અંદર હોવ, ત્યારે ભગવાનના દર્શન હંમેશા ખુલ્લી આંખે કરવા. ઘણા લોકો ત્યા આંખો બંધ કરીને હાથ જોડે છે, પણ ખરેખર ત્યાં આંખો ખોલીને ભગવાનના સ્વરૂપને, તેમના શૃંગારને અને તેમના તેજ ને મન ભરીને નિહાળી લેવા જોઈએ. ભગવાનની છબી આંખોમાં અને હૃદયમાં કેદ કરી લેવી જોઈએ.
દર્શન કર્યા પછી શું કરવું ?
દર્શન કરીને બહાર આવ્યા પછી, જ્યારે તમે ઓટલે બેસો ત્યારે :
હવે તમારી આંખો બંધ કરો.
તમે અંદર જે સ્વરૂપના દર્શન કર્યા હતા, તેને યાદ કરો.
જો બંધ આંખે તમને ભગવાનનું એ જ સ્વરૂપ દેખાય, તો તમારું દર્શન સફળ!
જો ન દેખાય, તો ફરી અંદર જાઓ અને ફરીથી દર્શન કરો.

