Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Rather than wandering in the outside world, take refuge in your own soul.

Dharmlok : મનનો અસલી આનંદ: બહારી દુનિયામા ભટકવા કરતા પોતાના જ આત્માના શરણમાં જવું

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : મનનો અસલી આનંદ: બહારી દુનિયામા ભટકવા કરતા પોતાના જ આત્માના શરણમાં જવું
સોર્સ : gstv

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

App Store

'એ જૈનાચાર્ય ઉપદેશ આપતાં આપતાં થાંભલા તરફ જોઈ રહ્યા હતા. વારેવારે એ થાંભલા તરફ નજર નાંખતા રહેતા હતા.'

'એ વખતે ઘરમાં બીજું કોણ કોણ હતું ? તારા સિવાય કોઈ પુરુષ કે સ્ત્રી આદિ ઘરમાં હતું કોઈ ?'

'ના, ઘરમાં તો માત્ર હું જ હતી. એકલી જ હતી હું. પણ, એમાં થાંભલા સાથે શો સંબંધ ? એટલે બીજું કોઈ ના હોય તો થાંભલા તરફ જોવાનું ? અને, બીજી વાત... થાંભલા સિવાય બીજું ઘણું ય હતું ઘરમાં... બીજે ક્યાંય નહીં, ને માત્ર થાંભલા તરફ જ નજર !'

'અરે, ગાંડી. મારી વ્હાલી, ઘરમાં તું એકલી જ હતી બરાબર ?'

'બરાબર.'

'હવે સાંભળ. જૈનાચાર્યને નિયમ હોય છે કે સ્ત્રી તરફ અથવા તો સ્ત્રીના અંગ-ઉપાંગ તરફ નજર ના કરે. સ્ત્રીના અંગોપાંગો જોવામાં બ્રહ્મચર્યનો ઘાત થવાનો પૂરેપૂરો સંભવ છે. માટે તારા તરફ નજર ના કરે. અને થાંભલા તરફ નજર કરતાં હોય.'

સાંભળનારે પોતાના રૂપ તરફ એક નજર કરી. અને તે સ્ત્રી શરમાઈ ગઈ-લજાઈ ગઈ. આવું રૂપ છે મારું કે જોનારો હર માણસ લોભાઈ જાય !

ક્ષણ-બે ક્ષણ તો સ્ત્રી પોતાના રૂપ પર ફિદા થઈ ગઈ. અને પોતાના રૂપની વિચારણા કરીને મનોમન રૂપગર્વિતા બની ગઈ.

પણ-ક્ષણવાર પછી તે સ્ત્રીએ કહ્યું - 'પણ, આ એક થાંભલા તરફ જ શા માટે જોતા હતા. બીજો કોઈ થાંભલો તેમને દેખાયો નહીં ?'

'કોઈ એક જ દિશાનો થાંભલો પકડી રાખ્યો હોય ! એટલે. બીજી કોઈ દિશાના થાંભલા પર નજર ના ગઈ હોય ! આમાં વિશેષ કાંઈ હોય નહીં.'

'પણ, એમણે આંગળીનો ઇશારો કરીને મારું ધ્યાન પણ તે થાંભલા તરફ ખેંચ્યુ ંહતું. મને તો લાગે છે કે આ થાંભલામાં કોઈ પણ રહસ્ય હોવું જોઈએ. એમને એમ આવા મહાન જૈનાચાર્ય એક થાંભલાને જોતાં ના રહે. અને થાંભલા તરફ ઇશારો કરીને ધ્યાન પણ ના દોરે...'

હવે સાંભળનાર પુરુષ કોઈક વિચારમાં ગરકાવ બની ગયો.

આવનારી ૮૪ (ચોર્યાશી) ચોવીસી સુધી એટલે કે ૮૪૦ કોટાકોટિ સાગરોપમ સુધી જેમનું નામ અમર રહેવાનું છે, ૮૪૦ કોટાકોટિ સાગરોપમ જેટલા દીર્ઘકાળ સુધી જે મહાપુરુષ 'કામવિજેતા' રૂપે સિદ્ધ-શુદ્ધ અમરનામનાના માલિક બની રહેવાના છે, એવા મહાન જૈનાચાર્ય શ્રી સ્થૂલભદ્રજી મહારાજા ૧૪ પૂર્વનો (વિદ્યાનો) અભ્યાસ કરીને પાટલીપુત્ર-પટના તરફ પરત ફરી રહ્યા હતા.

કામદેવના ઘર સમાન કોશા વેશ્યાના કામ-મહેલમાં રહીને જેઓએ 'કામવિજેતા' પદને હાંસલ કર્યું. એવા જૈનાચાર્ય સ્થૂલભદ્રજી રસ્તામાં એક ઘરમાં પ્રવેશ કરે છે.

સંસારી સંબંધે પોતાના પિતાના મિત્રનું તે ઘર હતું. સગાભાઈ જેવા હતા તે મિત્ર... એટલે તે ઘરમાં તેઓ પ્રવેશ કરે છે. ઘરમાં કાકા અને કાકી બે જ જણા રહેતા હતા. પણ આજે કાકા બહાર ગયેલા હતા. ઘરમાં કમાનારું કોઈ ન હતું. છોકરાં ન હતાં ને ! તેથી પૈસા કમાવા માટે કરીને કાકા બહારગામ ગયા હતા. માટે ઘરમાં કાકી એકલા જ હતા. જોકે એ વાત તેઓ ઘરમાં પ્રવેશ્યા પછી જાણે છે. જે મહાપુરુષ રૂપરૂપના અંબાર સમી કોશાના મદન-મહેલમાં નિર્વિકાર રહી શક્યા, તે અહીં શાના મોહ પામે ?

કાકાની પરિસ્થિતિનો ખ્યાલ કાકીના ઘરનો આંખે દેખ્યો અહેવાલ અને કાકાનો કમાવા માટે પરગામ જવાના અહેવાલથી જ આવી ગયો. અને એટલે જ આ જૈનાચાર્ય વારેવારે કાકીના ઘરના થાંભલા તરફ નજર કરતાં હતા અને કાકીનું ધ્યાન પણ દોર્યું  હતું.

અન્યના દુ:ખને જોયા પછી એના દુ:ખને દૂર કરવાની પરમ ભાવનામાં જે રમતા હોય તે મહાપુરુષ-દુનિયાના દુ:ખી જીવોને સુખી સ્વરૂપે જોવાની ઇચ્છા જેઓ સત ધરાવતા હોય તે મહાપુરુષ...

મહાપુરુષોનો એવો પુણ્ય-પ્રભાવ હોય છે કે તેઓ શ્રીપદના પવિત્ર આચરણથી પવિત્ર બનેલા ચરણ જ્યાં પડે, ત્યાં ભૌતિક અને અધ્યાત્મિક બંને પ્રકારના સુખની છોળો ઉછળતી રહે.

કાકીને ઉપદેશ અને ઇશારો આપીને પૂજ્યાચાર્ય તો રવાના થઈ ગયા....

આ બાજુ કમાવા ગયેલા કાકા ખાલી હાથે ખાલી ઘરમાં પ્રવેશે છે. પણ એમને ખબર નથી કે ઘર તો પહેલેથી જ ભરેલું છે. જે વાતની એમને ખબર ન હતી. મહાપુરુષના પગલાંથી તે ધ્યાનમાં આવ્યું.

કાકાએ પાણી ગરમ કરાવ્યું. અને પછી ગરમ પાણીથી કાકા એ થાંભલાને ધોવા લાગ્યા. થાંભલાનું મીણ એ ગરમ પાણીના પોતાથી સાફ થતું ગયું - પીગળતું ગયું. અને છેવટે પ્રગટ થયો એક મહામૂલો સોનાનો ચરૂ (ડબ્બો), જે વરસોથી થાંભલામાં પૂરાયેલો હતો.

દબાયેલા ભાગ્યને જે બહાર લાવે તે છે મહાપુરુષ.

પૂરાયેલા પુણ્યને જે પૂર્ણપણે પ્રગટ કરે તે છે પરમપુરુષ.

પ્રભાવના

૧૨ વરસની સાધના દરમ્યાન ૧૪ પૂર્વ (વિદ્યા)માં પારંગત બનીને પાટલીપુત્ર તરફ પાછા ફરનારા એ જૈનાચાર્યસ્થૂલભદ્રજી મહારાજાએ એક વાત મસ્ત મજાની એ પણ જણાવી હતી કે - 'સુખ બહાર નહીં, આપણી ભીતર જ છે. બહારી દુનિયાને છોડીને સદાબહાર ભીતરની દુનિયામાં જ્યારે જીવ પ્રવેશે છે, ત્યારે સુખની બહાર પ્રસરે છે. પછી બહારની દુનિયા પણ સુખમય બને છે. અંતરને ભીતરમાં લઈ જા. અંદર-બહાર તર-બ-તર થઈ જઈશ.'