Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Sri Vallabhacharya Mahaprabhuji explained the glory of devotion to Narhardas Sannyasi.

Dharmlok : શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીએ નરહરદાસ સંન્યાસીને સમજાવ્યો ભક્તિનો મહિમા

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીએ નરહરદાસ સંન્યાસીને સમજાવ્યો ભક્તિનો મહિમા
સોર્સ : gstv

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

App Store

'વિરહાનુભવાર્થ તું

પરિત્યાગ: પ્રશસ્યતે ।

સ્વીયબન્ધનિવૃત્યર્થં વેષ :

સોડત્ર ન ચાન્યથા ।।

ભગવાનના વિરહના અનુભવની પ્રાપ્તિ માટે તો સંન્યાસ પ્રશંસનીય છે. સ્વજનોના બંધનોને દૂર કરવા માટે આ સંન્યાસને સ્વીકાર્યો છે, બીજા કોઈપણ કારણથી નહીં.'

'કૌડિન્યો ગોપિકા:પ્રોક્તા ગુરુત્વ: સાધનં ચ તત્ ।

ભાવો ભાવનાય સિદ્ધ: સાધનં નાન્યદિષ્યતે ।।'

કૌડિન્ય ઋષિ અને ગોપિકાઓ એ બે ભક્તિમાર્ગમાં ગુરુઓ કહેલા છે. તેમણે જે સાધન કર્યા છે તે જ સાધન છે. ભાવનાથી સિધ્ધ થતો ભાવ જ સાધન છે. (પ્રેમ) ભાવ વિના અન્ય કોઈ પણ સાધન ઈચ્છવા યોગ્ય નથી.'

'દુર્લભોડયં પરિત્યાગ: પ્રેમ્ણા સિધ્યતિ નાન્યથા ।।'

આ પરિત્યાગ દુર્લભ છે. એ પ્રેમથી સિદ્ધ થાય છે, બીજા પ્રકારથી થતો નથી.'

- શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી, સંન્યાસ નિર્ણય (શ્લોક-૭,૮,૧૩)

આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક નરહરદાસ સંન્યાસી ગૌડ બ્રાહ્મણ હતા. તેમના પિતા આગ્રા છોડી ગુજરાતમાં કુટુંબ સહિત આવીને વસ્યા હતા. અહીં જ નરહરદાસનો જન્મ થયો હતો. તે પંદર વર્ષના થયા ત્યારે એક સંન્યાસીને જોઈને સંન્યાસી બન્યા હતા. ત્યાગ, તપસ્યા અને તિતિક્ષાથી વિરક્ત જીવન જીવે. મહી નદીના કિનારે એકાંત સ્થળે રહે. સંયોગવશાત્ તેમને સ્ત્રી-સંગ થયો. તે સ્ત્રીના પતિ હાકેમે તેમનું ઘર તોડી નાંખ્યું અને તડીપાર કરી દેશ નિકાલ કરી દીધો. નરહરદાસ સંન્યાસી ગુજરાત છોડી વ્રજ આવ્યા. એક દિવસ વૃંદાવનમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. તેમના જ્ઞાાન અને દિવ્ય તેજથી અંજાઈને થોડા દિવસ તેમનો સંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આચાર્યશ્રી દ્વારિકા જઈ રહ્યા હતા. તેમને પણ થોડો સમય સાથે આવા સંમતિ આપી.

માર્ગમાં નરહરદાસ સંન્યાસીએ આચાર્યશ્રીને પ્રશ્ન પૂછયો - 'મહારાજ! સંન્યાસ ધર્મ મોટો કે વૈષ્ણવ ધર્મ શ્રી મહાપ્રભુજીએ તેમને ઉત્તર આપ્યો  બન્નેનો પ્રકાર ભિન્ન છે. કલિકાલમાં સંન્યાસ ધર્મ એવો સિદ્ધ થવો મુશ્કેલ છે. સંન્યાસ લીધા પછી મન ભગવાન સિવાય બીજે ક્યાંય પણ જાય તો બધા જન્મોનો સંન્યાસ ધર્મ નષ્ટ થઈ જાય. ભક્તિમાર્ગમાં સરળતા છે, સુગમતા છે.'

શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમા અધ્યાયના ત્રીસમા શ્લોકમાં કહે છે - 'અપિ ચેદ્ સુદુરાચારો ભજતે માં અનન્યભાક્ ।

સાધુરેવ સ મન્તવ્ય: સમ્યગ્વ્યવસીતો હિ સ: ।।

જો કોઈ મનુષ્ય અત્યંત દુરાચારી હોય તેમ છતાં ય જો તે અનન્ય ભાવથી મને ભજવા લાગે તો એને સાધુ જ સમજવો કેમ કેમ તેનો સંકલ્પ અને નિશ્ચય સાચી દિશામાં છે.'

'ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શશ્વચ્છાન્તિં નિગચ્છતિ ।

કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્ત: પ્રણશ્યતિ ।

તે ઝડપથી ધર્માત્મા બની જાય છે અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. હે અર્જુન! તું નિશ્ચિત જાણ કે મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી.'

જડભરતને મરણ સમયે હરણના બચ્ચામાં આસક્તિ થવાથી ત્રણ જન્મનો અંતરાય થયો પણ પછી ભક્તિ કરીને ભગવત્પ્રાપ્તિ કરી શક્યો. રાજા ચિત્રકેતુ પાર્વતીના શાપથી અસુર યોનિમાં પડયો, વૃત્રાસુર બન્યા પછી પણ એની વિષ્ણુ ભક્તિ તો અક્ષુણ્ણ રહી. ભાગવતમાં કહેવાયું છે -  'કલૌ તુ કેવલા ભક્તિ બ્રહ્મસાયુજ્યકારિણી - કળિયુગમાં માત્ર ભક્તિ જ બ્રહ્મ (પરમાત્મા) સાથે સાયુજ્ય કરાવનારી છે.'

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ નરહરદાસ સંન્યાસીને કહ્યું - 'તમે તમારો પોતાનો વિચાર કરો, તમે ત્યાગ કર્યો, તપશ્ચર્યા કરી અને સંન્યાસ ધર્મ પણ આચર્યો પણ અંતરાત્માના આનંદની અનુભૂતિ ના થઈ. તે કેવળ પરમાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણની સેવા કરવાથી પ્રાપ્ત થઈ શકે છે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની પ્રેમ ભક્તિ કરી એમની સેવા-સ્મરણ કરી સાનુભૂતિ પ્રાપ્ત કરો તો જીવન ધન્ય અને કૃતાર્થ બનશે. શ્રી વલ્લભાચાર્યજીએ એમને નામ-નિવેદન કરાવ્યું. પછી એકવાર તે મહાપ્રભુજીને બદ્રિકાશ્રમ મળ્યા ત્યારે ભક્તિમાર્ગનો પ્રકાર સમજાવવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ 'સંન્યાસ નિર્ણય' ગ્રંથ રચી તેનો ભાવ સ્પષ્ટ કર્યો. પછી નરહરદાસના હૃદયમાં પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સ્થિર થયો. પુષ્ટિમાર્ગે અનુગ્રહ એવ નિયામક સ્થિતિ : પુષ્ટિમાર્ગમાં ભગવાનની કૃપા જ એક નિયામક બળ છે. ભગવાનની કૃપાથી નરહરદાસ સંન્યાસીને શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો.