Ravi Purti : વણનોતર્યો વરસાદ

- આજમાં ગઈકાલ
- વૃક્ષો તપસ્વીઓ છે, તેમનો તપોભંગ કરવા માટે આવ્યો હશે વરસાદ?
મહેમાન હોય કે વરસાદ નિમંત્રણ વગર આવી ચઢે તો કંઇ બધાને ગમે નહીં, શિષ્ટાચાર કે વિવેકના આગ્રહીઓ તો માવઠાની માફક આવેલા વરસાદને આદર વિના આવકારે છે. વૈશાખ હજુ તો પારણામાં છે. આંબે કેરી ઝૂલે છે. મોગરા મ્હેંકે છે. ગુલમ્હોર પણ રાતા છે, વટ્ટ મારે છે ગરમાળો... ખેડૂતોના ખેતરમાં પહોંચતાં ખાતર હજુ તો ઉકરડે છે ને આવી ગયો ધોધમાર વરસાદ! ભાન ભૂલ્યો કે સમય ભૂલ્યો? ટ્રેઇનના જેમ રાતોરાત ટાઈમ બદલાય એવું ઋતુનું ય થતું હશે કે શું ? ટ્રેઇનના ટાઈમ બદલાવાનાં તો કારણો હોય છે પણ આ શું અષાઢ વૈશાખમાં આવી જાય? ઉનાળાની જાનમાં જાનૈયા થવાની તને તલપ લાગી કે શું?
ગરમીથી ત્રાસી ગયેલી ધરતીની દયા ખાવા આવ્યો છે વરસાદ? વૃક્ષોને ખુશ કરવા આવ્યો વરસાદ કે અબોલજીવ ઉપર કરુણા વરસાવવા આવ્યો છે કમુરતમાં વરસાદ? કોઈ મેસેજ નહિ, કોઈ પત્ર નહિ, કોઈ ફોન નહિ, કોઈ સંદેશો નહિ અને આમ નીકળી પડાય? કદાચ આ વગર બોલાવ્યે આવી ચઢેલા વરસાદને પણ કંઇક કહેવું હશે! નહિ તો આમ આટલો ઝડપથી આવે ખરો? હજુ તો ચાતકની ચાંચ ખુલી નથી અને કોઇએ મલ્હાર ગાયો પણ નથી, તેમ છતાં તેના આગમનનું પ્રયોજન?
સુકાવા આવેલાં તળાવોને છલકાવવા માટે કોઇએ ભલામણ કરી કે નદીઓને ક્ષીણ થતી અટકાવવા કોઇએ લાંચ આપી? કાલાવાલ કરીએ, બાધા આખડી રાખીએ ત્હોય ન ના મનાય એવો મેઘ આમ આટલો વ્હેલો મોરલાના ટૌકાને સાંભળ્યા વિના કેમ આમ બારોબાર આવી પહોંચ્યો? વૃક્ષો તપસ્વીઓ છે તેમનો તપોભંગ કરવા માટે આવ્યો હશે વરસાદ? વૃક્ષોના રાજા મનાતા આમ્રવૃક્ષની રિદ્ધિ સિદ્ધિ સમાન કેરીઓનો ખજાનો ખોરવી નાખવાનું વરસાદને કેમ સૂઝ્યું હશે? મોગરા, કેસુડા, ગરમાળા અને શિરીષના પુષ્પો અવાચક થઇ ગયાં છે! ધરતી હજુ તો મેઘને આવકાર આપવા શણગાર સજી રહી છે. જાણે તડકાનો શિંગાર! પૃથ્વીને તળિયે તૈયાર થતી રસોઈ લગભગ સીજવા આવી છે અને આ વરસાદે એને રફેદફે કરી નાખી જાણે! ઉનાળાના તડકીલા કાદવ ઉપર ચોમાસાનાં જળ છાંટવાનો પરવાનો એણે ક્યાંથી મેળવી લીધો હશે? આ વણનોતર્યો વરસાદે સૂરજ સામે કાવતરું ઘડયું હશે કે શું? સમજ નથી પડતી કટાણે આગમન શા માટે? ખેડૂતોના કામકાજનો કાર્યક્રમ ડહોળી નાખ્યો. આ વરસાદે કેટલાંય લગ્નોમાં વિઘ્ન ઊભુ કર્યું. ખેતરમાં ઊભા મોલ માટે તે આશિષ બન્યો કે અભિશાપ!
કાળ ભૈરવની જેમ ફાળો ભરતા જટાળા જોગી જેવા ઉનાળાનો પ્રભાવ બરાબર ચક્રવર્તી રાજાની જેમ જામી રહ્યો હતો ત્યાં મેઘને વળી શી અદેખાઈ આવી! તડકાનાં પૂર વહી રહ્યાં હતાં તે જોઇ ના શક્યો આ વરસાદ!! બીજાનો વૈભવ જોઇને, આવો દ્વેષ ભાવ રખાય? મેઘ! તું પણ માણસ પાસેથી આવું શિક્ષણ પામ્યો છે કે શું? મહા મહિનામાં તું આવે છે ત્યારે પણ તને 'માવઠું' નામ આપીને આવકાર દ્વારા મળી આવે છે પણ આમ ઓચિંતો વૈશાખી વાયરાને ટાઢા પાડવાનું તારું રહસ્ય સમજાતું જ નથી. ઉનાળો જટાળો જોગી છે, એ અવધૂત છે એના તપમાં ભંગ પાડવા માટે તને કોઈ અપ્સરાએ તો નથી મોકલ્યો ને? તપસ્વીઓના તપને, તાપને, પ્રતાપને અને પ્રભાવને આમ શિથિલ કરવાનું પાપ શા માટે વ્હોરી રહ્યો છે?
જરા જોવું તો હતું - તારા વગર લીમડો અંદરની ભીનાશે લીલોછમ હતો જ, આંબો, ગુલમ્હોર ગરમાળો, ખાખરો પ્રસન્ન જ હતા... તેમના સૌંદર્યને તારી નજર લાગી ગઈ. તારા આવવાથી કેરીનું સૌંદર્ય નંદવાયું. તારા આગમનથી માનવોનો કારોબાર અટવાયો. સમયચક્ર પલટાયું. ખેતરમાં ઊભેલી બાજરી પણ તારા આગમનથી મુંઝાઈ છે તું પાછો આંધી તોફાન સાથે આવે તે કેવું? બાજરીની જેમ સૌના ઓરતા ઊંધા પાડયા ! આવું થાય, આવું કરાય?
હમણાં માણસોના હાથમા શેરડીના રસનો ગ્લાસ હતો તરબૂચની ડીસ હતી, ઠંડા પીણાના પ્યાલા હતા, ઘૂંટ હતા. હવે એ જ માણસોના હાથમાં ચાના કપ - કોફીના કપ દેખાય છે. બાળકોના વૅકેશનની મજાને મારી નાખી છે તેં!
હે વણ નોતર્યા વરસાદ! તેં કેટ કેટલા ગુના કર્યા છે. ઓચિંતા, વગર નિમંત્રણે આવીને શિષ્ટાચાર જાળવ્યો નથી. અષાઢમાં પરણનારાં યુગલોના નિસાસા તું લઇ રહ્યો છે. રસ્તા વચ્ચે વૃક્ષોને પાડી દઈ, રસ્તા રોકી તું સરિયામ કાયદોભંગ કરી રહ્યો છે. સૂર્યના સામ્રાજ્ય ઉપર તેં ગેરકાયદેસર તરાપ મારી છે. નિર્દોષ ગરીબોનાં છાપરાં ઊડાડી દઈ. તેમને આકાશ નીચે લાવીને તેં પાપ વ્હોરી લીધું છે. ઊભા પાકની સોથ વાળીને ખેડૂતોના નિસાસા લઇ રહ્યો છે. પુષ્પો અને પંખીડાંને તેં બોલતા બંધ કરી દીધાં છે. દાન આપવાને બહાને તું સંસારીઓને દીન બનાવી રહ્યો છે. આયખાના ઉપક્રમોને ખોરવી નાખવાનું તારું હીનકૃત્ય પણ અક્ષમ્ય જ છે. પરમાત્માને રીઝવવા એક પગે ઊભેલા પર્વતો, વૃક્ષોને ટાઢા પાડી તેં તારા પક્ષમાં લેવાની કોશિશ કરી છે. ગગનમાં વાદળોએ વૈશાખના અંત સુધી રમવાનું હતું, દોડવાનું હતું, પ્રસન્નતાથી મ્હાલવાનું હતું ત્યાં તેને વરસવાનું કામ સોંપી તેનું શોષણ કરવાનું દુષ્કર્મ તું કરી રહ્યો છે તને ખબર નથી જ્યાં આદર ના હોય ત્યાં જવાય નહિ. જો સાંભળ - આ પંક્તિમાંથી બોધ લેવા જેવો છે -
આવ નહિ, આદર નહિ નહિ નયનોમા નેહ
તે ઘર કદી ના જઇએ, ભલે કંચન વરસે મેહ !
આ ઉપાલંભ સાંભળીને મેઘ મૌન રહીને બોલી રહ્યો છે - 'જાણું છું - બધું જ જાણુ છું - મારે વરસવાનો વખત થયો નથી જ નથી પણ વિકાસની ઓથે આપ સૌએ વૈશ્વિક પર્યાવરણને એવું તો ખોરવી નાખ્યું છે - એની જે લાહ્ય લાગી છે એનાથી હું પણ બાકાત નથી કરું પણ શું?'

