Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : "Looking Good is Confidence" The growing expenditure on male grooming in India has crossed $2.3 billion!

Business Plus: "લૂકિંગ ગુડ ઈઝ કોન્ફિડન્સ" ભારતમાં મેલ ગ્રૂમીંગ પાછળ વધતો ખર્ચ ૨.૩ અબજ ડોલરને વટાવી ગયો!

Timeછેલ્લું અપડેટ : 04 May 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: "લૂકિંગ ગુડ ઈઝ કોન્ફિડન્સ" ભારતમાં મેલ ગ્રૂમીંગ પાછળ વધતો ખર્ચ ૨.૩ અબજ ડોલરને વટાવી ગયો!
સોર્સ : GSTV

- કોર્પોરેટ પ્લસ 

App Store

- ગણેશ દત્તા

મહિલાઓમાં બ્યૂટી પાછળ કરાતા ખર્ચા એ સદીઓ જુની વાત છે પરંતુ મેલ ગ્રૂમિંગ(પુરૂષોની બ્યૂટી)માં ઉછાળો આવ્યો છે. છેલ્લા દાયકામાં મેલ ગ્રૂમીંગનો ઉદ્યોગ ભારતમાં ૨.૩ અબજ ડોલરને વટાવી ગયો છે. નવી યુવા જનરેશન પણ મેલ ગ્રૂમીંગને અપનાવી રહી છે. જે રીતે યુવાન વધુ યુવાન દેખાવા ગ્રૂમીંગની પાછળ પૈસા ખર્ચી રહ્યો છે તે જાતાં એમ કહી શકાય કે ૨૦૩૦ સુધીમાં બિઝનેસ ૪ અબજ ડોલરને વટાવી જવાની સંભાવના છે. કેમકે લગભગ દરેક યુવાન છોકરો ગ્રૂમીંગ પાછળ પૈસા ખર્ચતો થઇ ગયો છે.

લગ્ન સમારંભ કે અન્ય એવોર્ડ સમારંભમાં જેમ મહિલાઓને તૈયાર કરવા ઘરમાં જ ખાસ બ્યુટી પાર્લર ઉભું કરાય છે એમ મેલને તૈયાર કરવા પણ ગ્રૂમીંગ કંપનીઓ હાજર હોય છે. જેમાં ફેશિયલથી માંડીને વાળ-દાઢી વગેરે સેટ કરાય છે.  એક સમય હતો કે બ્યૂટી બિઝનેસ માત્ર મહિલાઓ સાથે જોડાયેલો હતો પરંતુ હવે પુરૂષો પણ એમ માનતા થઇ ગયા છે કે મહિલાઓની જેમ અમારે પણ રૂપાળા દેખાવું છે અને લોકોનું ધ્યાન ખેંચાય તે રીતે તૈયાર થવું છે. મહિલાઓના બ્યૂટી પાછળનો બિઝનેસ ભારતમાં ૪ અબજ ડોલરનો થવા જઇ રહ્યો છે. મહિલાઓમાં નાની ઉંમરથી બ્યૂટી પ્રોડક્ટ વાપરવાની સેન્સ ડેવલોપ થયેલી હોય છે જ્યારે પુરૂષોમાં છોકરો આંઠમાં ધોરણમાં હોય ત્યારે એટ્રેકટીવ દેખાવા બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ શરૂ કરે છે. જેને મેલ ગ્રૂમીંગ કહે છે.

છોકરાઓમાં રહેલી ગ્રૂમીંગ સેન્સ જોવી હોય તો કોઇ બોય્ઝ હોસ્ટેલની મુલાકાત લેવી પડે જ્યાં ૧૬ વર્ષના છોકરા સવારે મોંઢા પર ચણાનો લોટ કે કોલસાનો ભૂકો લગાવીને ફરતા હોય છે. મેટ્રો સિટીના મોડર્ન સલૂનમાં જાવ તો ખ્યાલ આવે કે મેલ ગ્રૂમીંગ પાછળ લોકો હજારો રૂપિયા ખર્ચે છે. પગના પંજા લીસા અને વાઢીયા વિહોણા રાખવા માટે પણ પુરૂષો ઢગલો પૈસા ખર્ચે છે. જે માટે એક સમયે મૂલતાનની માટીના પ્રયોગ થતા હતા ત્યાં આવી માટીનું બદલે કેલેમીના પાવડરે સ્થાન લઇ લીધું છે. માર્કેટીંગ કરનારા અને સલૂન ચલાવનારા હવે મેલ ગ્રૂમીંગ માટે સલૂનમાં મહિલાઓનો ઉપયોગ કરે છે. એટલે કે ગ્રૂમીંગ કરનાર મહિલા હોય છે જે પુરૂષમાં આત્મવિશ્વાસ જાગે તે રીતે તૈયાર કરે છે.

લૂકીંગ ગુડ ઇઝ કોન્ફિડન્સ એવા બોર્ડ દિલ્હી અને બેંગલુરૂના મેલ સલૂનમાં જોવા મળે છે. ટૂંકમાં મેલ ગ્રૂમીંગ વાળ કાપવા- દાઢી સેટ કરવી વગેરે સામાન્ય વાત કરતાં પણ બહુ આગળ વધી ગયું છે. મોટા શહેરોમાં હોસ્પિટાલીટી સાથે જોડાયેલી કંપનીઓ તેમના મેલ સ્ટાફને ટાલ પર હેર પ્લાન્ટેશન માટે રજા આપે છે એવીજ રીતે સિનીયર સ્ટાફને ની-રિપ્લેસમેન્ટ (ઘૂંટણ બદલાવવા)માટે પણ રજા આપે છે. 

મુંબઇ, ગુરૂગ્રામ કે બેંગલુરૂના મેલ સલૂનમાં ફિમેલ કામ કરતી હોય છે જે માત્ર હેર કટ કે શેવીંગ પર ધ્યાન નથી આપતી પણ ગ્રાહકના હાથમાં મેનુ પકડાવી દે છે. તેમાં મેલના શરીર પરના બરછટ વાળની ટ્રીટ મેન્ટ( ક્યોતો સુંવાળા બનાવવા કે રીમુવ કરવા), સીઇઓ સ્ટાઇલ હેરકટ (ગુજરાતમાં જેને તપેલી કટ હેરકટીંગ કહીને મશ્કરી કરાતી હતી) તેને સીઇઓ કટ કહે છે તેના સૌથી વધુ ભાવ હોય છે, પગમાંના વાઢીયા દૂર કરવા, પગના તળીયાને લીસા બનાવવા (જેને સ્પોર્ટસ ફૂટ સ્ક્રબ્સ કહે છે), આંખો નીચેના કાળા ડાધા દુર કરવા, ચહેરાને ચમકાવવો, કપાળની ઉપરના ભાગે ઓછા હેર હોય ત્યાં બે દિવસ ચાલે એટલા વાળ દેખાય એવી ટ્રીટમેન્ટ કરવી વગેરેનો સમાવેશ થાય છે.

માત્ર ટીનેજર્સ મેલ સલૂનમાં જાય છે એવું નથી, ૩૦થી ૫૦ વર્ષના લોકોથી મેલ સલૂન ઉભરાય છે. ટૂંકમાં સુંદર દેખાવાનો ઇજારો માત્ર મહિલાઓ નથી પુરૂષો પણ સુંદર દેખાવા માટે ખિસ્સું ખોલી રહ્યા છે. એટલે જ મેલ ગ્રૂમીંગ સેન્ટરો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે તો મેલ ગ્રૂમીંગના બિઝનેસમાં ઉછાળો જોઇને કોસ્મેટીક પ્રોડક્ટ બનાવતી કંપનીઓ પણ મેલ વાપરી શકેે તેવા સોફ્ટ-સ્ક્રીન ક્રીમ વેચવાની સ્પર્ધા કરી રહી છે.

બેંગલુરૂ અને દિલ્હીમાં મેલ ગ્રૂમીંગની એપ પર બૂકીંગ કરાવવું પડે છે. મેનુ પ્રમાણેની દરેક ચીજ કરાવવી હોય તો તેની ટોટલ કિંમત અંદાજે રૂપિયા ૪૧,૦૦૦ જેટલી થાય છે તે એડવાન્સમાં ચૂકવવી પડે છે. કેટલાક ખર્ચા તો ફિમેલ બ્યૂટી પાર્લર કરતાં પણ વધુ જોવા મળે છે. કેટલાક મેલ બ્યૂટી પાર્લર કોફી હાઉસ જેવા હોય છે. વેઇટીંગ રૂમમાં લોકો બિઝનેસ ટોક કરી શકે, વાઇફાઇની ફૂલ સુવિધા આકર્ષણ સમાન છે.

ભારતમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે. તેમાં પ્રચીનકાળથી આધુનિક સમયનો ગાળો જોવા મળે છે. પહેલાં ફૂટપાથ પર બેસીને વાળ કાપતા કે દાઢી કરતા નાઇ જોવા મળતા તે આજે પણ જોવા મળે. ટૂંકમાં સાવ નજીવા દરે વાળ કાપનારા છે. તેમને ત્યાં લોકો આજે પણ જાય છે. જેમ આધુનિક રીતે માલિશ કરતા સ્પા સેન્ટરો છે એમ ફૂટપાથ પર બેસીને માલિશ કરતા લોકો પણ જોવા મળે છે. લોકોની જરૂરીયાત પ્રમાણે ફેરફારો જોવા મળે છે. મેલ ગ્રૂમીંગ લાખોને રોજગારી આપે છે. આ વ્યવસાયને એક સમય બહુ પ્રશંસા મળતી નહોતી પરંતુ હવે તો તેની ફેન્ચાઇઝી લેનારો ગર્વ અનુભવે છે.

એક સમય હતો કે જ્યારે સ્કીનની સંભાળ માત્ર મહિલાઓનો વિષય કહેવાતો હતો પરંતુ હવે સ્કીન કેરમાં મહિલા-પુરૂષનો કોઇ ભેદ નથી રહ્યો. જોકે આ નવી વાત નથી ૧૯૨૦ના દાયકાથી પુરૂષો ડેપર જેન્ટલમેન થવા મથતા હતા. ડેપર જેન્ટલમેન એટલે ટાપટીપ થઇ તૈયાર થઇને ફરતો પરૂષ. ગુજરાતીમાં તેને સુસંસ્કૃત પુરૂષ કહી શકાય. એક સમયેે એવું હતું કે બ્યૂટી પાર્લરમાં ગ્રાહક એકવાર જાય એટલે ફરી ત્યાં જ જાય છે. ગ્રાહકની પસંદ નાપસંદ હેરકટ કરનારને ખબર હોય છે પરંતુ હવે લોકો નવા ગ્રૂમીંગ સેન્ટરો શોધતા રહે છે અને  મનપસંદ ચહેરો બનાવી શકે છે.

બોલીવૂડના ચોકલેટી ચહેરો ધરાવતા અભિનેતાઓેએ મેલ ગ્રૂમીંગના માર્કેટને બૂસ્ટ આપ્યું હતું. આઝાદીના સમયમાં દેવાનંદ જેવા વાળની સ્ટાઇલ ચાલતી હતી એમ સમયાંતરે પુરૂષોના ફેશન સ્ટેટસ પણ બદલાયા કરે છે.  એક અહેવાલ અનુસાર ભારતમાં મેલ ગ્રૂમીંગનું માર્કેટ ૨૦૨૪માં ૨.૩ અબજ ડોલરને વટાવી ગયું છે. ૨૦૩૦ સુધીમાં તે ડબલ થઇને ૪.૩ અબજ ડોલર પર પહોંચવાની શક્યતા છે.

મેલ ગ્રૂમીંગના ઉછળતા બિઝનેસને જોઇને અનેક કંપનીઓ તેમાંથી નફો રળવા મેદાનમાં આવી ગઇ છે. જેમાં મુખ્યત્વે બિયાર્ડો અને બોમ્બે શેવિંગ કંપનીનો સમાવેશ થાય છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર બ્યૂટી પ્રોડક્ટ વેચતી કંપની નાયકાએ પણ ૨૦૧૮માં મેન પ્રોડક્ટ લોંચ કરી હતી. હવે મેન ગ્રૂમીંગ પ્રોડક્ટ નવી વાત નથી રહી . અન્ય પ્રોડક્ટની સાથે તેનું પણ માર્કેટ જોવા મળે છે.

સ્ટીવ જોબ જેવા વાળ અને ચશ્માની ફેશન આઇટી એન્જીન્યરોમાં જોવા મળે છે. બેંગલુરૂના મેલ સલૂનની બહાર વિશ્વના ટોચના સેલિબ્રિટીના ચહેરા મુકાય છે અને તેમની જેવા વાળ કાપવાની કિંમત પણ લખાઇ હોય છે. એક સમયે પુરૂષ જ્યારે ખરીદી કરતો ત્યારે શેવીંગ ક્રીમ કે રેઝર કે ડાઇ જેવી પ્રોડક્ટ માટે પૈસો ખર્ચતો હતો આજે તે સેન્ટ, ડિયોડ્રન્ટ, બિયર્ડ વોશ, બિયર્ડ ઓઇલ વગેરે શોધે છે. તેના ડ્રેસીંગ ટેબલ પર વિવિધ બ્રાન્ડની બ્યૂટી પ્રોડક્ટ જોવા મળે છે. આ દરેક વસ્તુ ખૂબ મોંઘી હોય છે કેમકે દરેક પ્રોડક્ટની જાહેરાત કોઇને કોઇ સેલિબ્રિટી કરતી હોય છે.

હેર સ્ટાઇલીસ્ટ અલીમ હકીમ માત્ર વાળ કાપવાના એક લાખ રૂપિયા લેતા હોવાનું મનાય છે. તે અનેક મેલ સેલિબ્રિટીના હેર ડ્રેસર છે.  કેટલાક રાજાઓ પોતે મેકઅપ કરાવતા હતા પરંતુ પ્રજાના અન્યપુરૂષો મેકઅપ કરાવી શકતા નહોતા. મેકઅપ કરાવતા પુરૂષોનેે તે સ્ત્રૈણ સ્વભાવના કહેતા હતા. જોકે હવે તો મેલ ગ્રૂમીંગની બોલબાલા છે. સ્કુલે જતો છોકરો પણ ટાપટીપ સાથે તૈયાર થાય છે. ગ્રૂમીંગ પ્રોડક્ટમાં એક સમયે તેમના માટે (His product) અને તેણી માટે(Her Product) એવું લેબલ પર લખેલું આવતું હતું.

અર્બન સર્વિસ એક સમયે મહિલાઓને ઘેર જઇને બ્યૂટી સંબંધીત સર્વિસ માત્ર મહિલાઓને આપતી હતી હવે તે પુરૂષોને પણ ઘેર જઇને બ્યૂટી સર્વિસ આપે છે.

- મેલ ગ્રૂમીંગ સ્ટાર્ટઅપ

 'Yess Sir' ....એ કોલકાતા વેન્ચર્સ અને બંગાળ એન્જલ નેટવર્ક પાસેથી નવું રોકાણ મેળવ્યું છે. આ રોકાણનો હેતુ ભારતના ઝડપથી વિકસતા પુરુષોના પર્સનલ કેર અને વેલનેસ માર્કેટમાં કંપનીના વિસ્તરણને વેગ આપવાનો છે.

વર્ષ ૨૦૨૪માં શરૂ થયેલ 'Yess Sir' ટૂંકા સમયમાં પુરુષો માટે ઓન-ડીમાન્ડ ગ્રૂમીંગ અને મસાજ સેવાઓ પ્રદાન કરતા એક વિશિષ્ટ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. હાલમાં તે દિલ્હી, કોલકાતા, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, અમદાવાદ, લખનૌ, ચંદીગઢ, નોઈડા, ગુડગાંવ, ગાઝિયાબાદ અને ફરીદાબાદ સહિત ૧૩ શહેરોમાં તેની હાજરી જોવા મળે છે.

આ પ્રોફેશનલ્સ દર મહિને સરેરાશ રૂા. ૭૫,૦૦૦ કમાય છે. આ સ્ટાર્ટઅપની પ્રાઇવસી અને LGBTQ ફ્રેન્ડલી મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી ગે અને બાયસેક્સ્યુઅલ પુરુષો પણ કોઈપણ સંકોચ વિના અહીં સેવાઓ મેળવી શકે છે.

અનેક ટોચના રોકાણકારોએ ખાસ કરીને બંગાળી ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ લીડર્સ તેમાં સામેલ છે. જેમ કે સૌરવ ગાંગુલી (CAB પ્રમુખ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન), ચંદ્રશેખર ઘોષ (બંધન ગ્રૂપના ચેરમેન) સમિત ઘોષ (ઉજ્જિવન બેંકના સ્થાપક.) શુવાંકર સેન: (સેન્કો ગોલ્ડના MD અને CEO) વગેરેનો સમાવેશ થાય છે.