Sahiyar: વપરાશમાં ન હોય તેવા બેન્ક ખાતાઓ બંધ કરી દેવા જરૂરી છે

- વિનોદ પટેલ
- અમુક બેન્કો ખાતું બંધ કરવાનો પણ ચાર્જ લે છે
- બેન્કનું ખાતું બંધ કરતી વખતે ગ્રાહકે સદેહે હોમ બ્રાન્ચમાં જઇ ક્લોઝર ફોર્મ ભરવું પડે છે
દુનિયામાં પ્રગતિ અને વિકાસ શબ્દોના અર્થ સતત નવા અર્થો ધારણ કરી રહ્યા છે. એક જમાનામાં મરાઠીમાં એમ કહેવાતું કે મૂલગી શીખલી, પ્રગતિ ઝાલી. બીજા શબ્દોમાં કહીએ તો છોકરીઓને શિક્ષણ મળે એટલે પ્રગતિ થઇ ગઇ. પણ ભારતમાં મહિલાઓને ડગલે અને પગલે જાતજાતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં પણ ભારતીય બેન્કિંગ તો હજી ભૂલભૂલૈયા જ છે. ભારતીય બેન્કિંગમાં એક ભૂલભૂલૈયાનું નામ KYC છે. KYC એટલે Know Your Customer એટલે કે તમારા ગ્રાહકને જાણો. રમૂજી હકીકત એ છે કે ગ્રાહક છ મહિના તેના ખાતામાં કોઇ વ્યવહાર ન કરે તો બેન્ક તેના ખાતાને Darmant એટલે કે નિષ્ક્રિય કરી નાંખે છે. બેન્ક તેના ગ્રાહકને જાણે કે ન જાણે પણ ગ્રાહક તો ફરી ખાતું સક્રિય કરાવવા ધક્કા ખાય તેમાં બેન્કના અમલદારોને બરાબર જાણી જાય છે.
માર્ચ મહિનામાં Local Circles દ્વારા કરવામાં આવેલાં સર્વેમાં જાણવા મળ્યું હતું કે 63% પરિવારોના એક કે વધારે સભ્યો તેમના બેન્ક ખાતાનો ઓનલાઇન એક્સેસ મેળવી શકતાં નહોતાં. સર્વેમાં ભાગ લેનારા ઘણાં લોકોએ જણાવ્યું હતું કે KYC વેરિફિકેશનના અભાવે અથવા Loginની સમસ્યાઓને કારણે તેમના ખાતા Darmant થઇ ગયા હતા. તેમોં પણ 59% પરિવારોએ જણાવ્યું હતું કે તેમની બેન્ક ઓનલાઇન ખાતું ઓપરેટ કરી આપવાના મામલે અમલદારશાહીને કારણે બહું બિન અસરકારક જણાઇ હતી. હવે RBIના નવા નિયમ અનુસાર બે વર્ષ સુધી કોઇ વ્યવહાર ન થાય તો જ ખાતું Inoperative જાહેર કરી શકાશે.
આજના સમયમાં ઓનલાઇન બેન્ક ખાતાં ખોલવાની હરિફાઇ ચાલે છે. પરંતુ આજે પણ બેન્કનું ખાતું જો તમારે બંધ કરાવવું હોય તો ગણતરીની બેન્કોને બાદ કરતાં તમારે ઓફલાઇન કાર્યવાહી જ કરવી પડે છે. જેમાં ગ્રાહકે તેના ઓળખના પુરાવા દર્શાવી બેન્કનું ખાતું બંધ કરવાનું ફોર્મ ભરવું પડે છે. આજના જમાનામાં યુવાનો બીજા શહેરમાં ભણવા કે રોજગારી માટે વસવાટ કરવા જાય ત્યારે બેન્કના ખાતાં બંધ કરાવવાની જરૂર પડે છે. ઘણીવાર એક અથવા બીજા કારણસર બેન્કના ત્રણ-ચાર ખાતાં ખોલાવી રાખ્યા હોય છે પણ પછી તેમાં વ્યવહાર કરવાનું બનતું નથી. આવા સંજોગોમાં બેન્કના જે ખાતામાં નાણાંકીય લેવડદેવડ ન થતી હોય તેવા બેન્ક ખાતાઓ બંધ કરી દેવા હિતાવહ હોય છે.
આજના જમાનામાં બેન્ક ખાતાઓ ચલાવવા એ પણ મહત્વની પ્રવૃત્તિ બની રહી છે. આજે બેન્કમાં ખાતું ધરાવવું એ જરૂરિયાત ઉપરાંત લક્ઝરી પણ બની ગયું છે. આજે મોટાંભાગની બેન્કોના ખાતામાં તે શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં હોય એ અનુસાર બેન્ક ખાતું ધારણ કરવા માટે લઘુત્તમ રકમની માંગણી કરે છે જેને Minimum balance કહે છે. જો આ Minimum balance ન જળવાય તો બેન્ક ખાતેદારોને પરસેવો વળી જાય તેવો દંડ ફટકારે છે. આમ, તમારી પાસે એકથી વધારે બેન્કમાં ખાતાઓ હોય અને તેમાંથી મોટાભાગના વપરાતાં ન હોય તો તે બંધ કરી દેવાથી મિનિમમ બેલેન્સ બચી જવાથી મોટી બચત પણ થઇ શકે છે.
પરંતુ બેન્કના ખાતાઓ બંધ કરતી વખતે ઘણી તકેદારીઓ રાખવી પડે છે. જો તેમાં ભૂલ થાય તો મુશ્કેલીઓ વધી શકે છે. બેન્કના ખાતાંને બંધ કરવામાં શું પગલાં લેવા જોઇએ અને તેમાં શું તકેદારી રાખવી જોઇએ તે વિગતવાર સમજીએ.
પહેલા તો તમારું ખાતું Negative balance ન ધરાવતું હોવું જોઇએ. ઘણીવાર એવું બને છે કે Minimum balance રાખ્યા બાદ તેમાં ગ્રાહક એકપણ વ્યવહાર ન કરે તો એ ખાતું Negative balanceમાં જઇ શકે છે. આવી સ્થિતિમાં તમારે ખાતું બંધ કરવું હોય તો પહેલાં Minimum balance ન જળવાવાને કારણે જે દંડ થતો હોય તે ભરી દેવો પડે. એ પછી જ તમારું ખાતું બંધ થઇ શકે.
તમારે બેન્કનું જે ખાતું બંધ કરાવવું હોય તેની Home Branchમાં જઇ તેને બંધ કરાવવું પડે છે. આ પણ અમલદારશાહીની એક વિચિત્રતા છે. તમે લગભગ તમામ પ્રકારના નાણાંકીય વ્યવહાર કોઇપણ Branchમાંથી કરી શકો છો પણ ખાતું બંધ કરાવવું હોય તો તમારે ફરજિયાત તેની Home Branchમાં જ જવું પડે છે. બેન્ક તેના ગ્રાહકોને Closure Form આપે છે. તે ભરી જરૂરી દસ્તાવેજો સાથે બેન્કમાં સુપરત કરવાનું હોય છે. આ ફોર્મ ભરવામાં ધ્યાન એ રાખવાનું હોય છે કે એક કરતાં વધારે જણાં આ એકાઉન્ટમાં જોઇન્ટ નામ ધરાવતાં હોય તો તે તમામે ફોર્મમાં પુરી વિગતો ભરી તેમાં સહી કરી બેન્કના અધિકારીઓને સુપરત કરવાનું હોય છે. Closure Form ભર્યા બાદ ખાતાધારકે ચેક બુક, પાસબુક, અને ડેબિટ કાર્ડ બેન્કને પરત કરવાના રહે છે. કેટલીક બેન્કો ખાતું બંધ કરવા માટે પણ ગ્રાહક પાસે ઓળખનો પુરાવો તથા રહેઠાણનો પુરાવો પણ માંગે છે. આ ઉપરાંત બેન્કમાં ખાતું બંધ કરાવવાના કોઇ ચાર્જ હોય તો તે પણ ગ્રાહકે ભરવાના રહે છે.
આજકાલ સામાન્ય રીતે લોકર ધરાવતાં ગ્રાહકો દર વર્ષે લોકરનું રેન્ટ આપોઆપ ખાતામાંથી ભરાઇ જાય તે માટે બેન્ક ખાતાં અને લોકર સાથે સંકળી રાખે છે. જો તમારાં બેન્ક ખાતામાંથી પણ આપોઆપ લોકરનું રેન્ટ કપાતું હોય તો આવું ખાતું બંધ કરતાં પૂર્વે તેને લોકરથી અલગ પાડી દેવું જરૂરી છે. તેમાં પણ જો તમે લોકર મેળવવા ડિપોઝીટ આપી હોય તો તેની વિશે પણ નિર્ણય લેવો જરૂરી છે. આવું હોય તો પહેલાં બેન્ક ડિપોઝીટને એન્કેશ કરી ખાતાંમાં તેના નાણાં જમા કરાવી તેને ખાતામાંથી ઉપાડી લેવા હિતાવહ બની રહે છે.
આમ, ગ્રાહક પુરાં દસ્તાવેજો સુપરત કરી તેના ન વપરાતાં બેન્ક ખાતાને બંધ કરી તેની રકમ અન્યત્ર વાપરી શકે છે. આજના જમાનામાં ઓનલાઇન ફ્રોડ સતત વધી રહ્યા હોઇ ન વપરાતાં બેન્ક ખાતાંઓ બંધ કરવા હિતાવહ છે.

