Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Is polygamy, the practice of marrying multiple husbands at the same time, legal in India?

Sahiyar: ભારતમાં એકસાથે અનેક પતિઓને પરણવાની બહુપતિત્વ પ્રથા કાયદેસર છે?

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: ભારતમાં એકસાથે અનેક પતિઓને પરણવાની બહુપતિત્વ પ્રથા કાયદેસર છે?
સોર્સ : GSTV

- વિનોદ પટેલ

App Store

આ કથાના ત્રણે પાત્રો સુનિતા, પ્રદીપ અને નેગીએ પરસ્પર સંમતિથી આ લગ્ન કર્યા છે.શિલાઇ ગામના વતની પ્રદીપ અને કપિલે નજીકના ગામ કુનહાટની સુનિતા સાથે બાર જુલાઇએ વાજતે ગાજતે લગ્ન કર્યા છે. ટ્રાન્સ ગીરી વિસ્તારમાં થયેલાં આ લગ્નનો જલસો ત્રણ દિવસ ચાલ્યો હતો. આ જલસામાં સ્થાનિક ગામવાસીઓએ લોકગીતો ગાઇ અને લોકનૃત્યો કરી આ લગ્નની મોજ માણી હતી. આ ઉજવણીમાં નજીકના ગામોમાં રહેતાં  હજારો ગામવાસીઓએ અને વર-વધૂના સગાંઓએ ઉલટભેર ભાગ લીધો હતો. એક વરરાજા પ્રદીપ નેગી જળશક્તિ વિભાગમાં કામ કરે છે જ્યારે નાનો ભાઇ કપિલ નેગી વિદેશમાં હોસ્પિટાલિટી સેક્ટરમાં કામ કરે છે. 

હિમાચલ પ્રદેશમાં આ પરંપરાને જોડીદારા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રથા મહાભારતમાં પાંચ પાંડવોને પરણનાર દ્રોપદીના નામ પરથી દ્રોપદી પ્રથા તરીકે પણ ઓળખાય છે. હિમાલયમાં વસતા અમુક સમુદાયોમાં તથા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના આદિવાસી વિસ્તારોમાં પણ પ્રચલિત છે. ઉત્તરાખંડમાં જૌનસર બાબર નામના આદિવાસી વિસ્તારમાં અને હિમાચલ પ્રદેશમાં આદિવાસી જિલ્લા કિન્નૌરમાં આ પ્રથા પ્રચલિત છે. 

પ્રદીપે જણાવ્યું હતું કે આ અમારો સહિયારો નિર્ણય છે. આ વિશ્વાસ, સંભાળ અને સહિયારી જવાબદારીને લગતો નિર્ણય છે. અમે અમારી આ પરંપરા ખુલ્લેઆમ નિભાવીએ છીએ કેમ કે અમને અમારા મૂળ અને કુળનું ગૌરવ છે. બીજી તરફ કપિલે જણાવ્યું હતું કે અમે હમેંશા પારદર્શક વ્યવહારમાં માનીએ છીએ. હું વિદેશમાં વસુ છું પણ આ લગ્ન દ્વારા પરંપરાને નિભાવી રહ્યો છું. એક સંયુક્ત પરિવાર તરીકે આ લગ્ન અમારી પત્નીને સહાય, સ્થિરતા અને પ્રેમ પ્રદાન કરશે. આધુનિક દ્રોપદી તરીકે જેને ઓળખાવવામાં આવી રહી છે તે સુનિતાએ જણાવ્યું હતું કે હું આ પરંપરાથી વાકેફ છું અને મેં આ લગ્ન કરવાનું મારી ઇચ્છાથી નક્કી કર્યું છે. અમે ભેગાં મળી રચેલાં આ સબંધમાં હું માનું છું. આ અમારી સહિયારી નિષ્ઠાનો સવાલ છે. 

બહુપતિત્વ પ્રથા હિમાચલમાં સામાન્ય છે? 

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદે આવેલાં શિરમૌર જિલ્લાના ટ્રાન્સ ગીરી વિસ્તારમાં આવેલાં ૪૫૦ ગામોમાં હાટ્ટી સમુદાયના આશરે ત્રણ લાખ લોકો વસે છે. આ સમુદાયમાં સદીઓથી બહુપતિત્વની પ્રથા પાળવામાં આવે છે. ત્રણ વર્ષ અગાઉ જ આ સમુદાયને અનુસૂચિત જનજાતિ-એસટી જાહેર કરવામાં આવી છે. 

ટ્રાન્સગીરી વિસ્તારમાં આવેલાં બઢાણા ગામમાં છેલ્લા છ વર્ષમાં બહુપતિત્વ પ્રથાના પાંચ કિસ્સાઓ નોંધાયા છે. જાણકારોના મતે બહુપતિત્વની પ્રથા એટલા માટે પ્રચલિત છે કે તેને કારણે વડવાઓની સંપત્તિઓની વહેંચણી કરવાની જરૂર પડતી નથી. બીજી તરફ આ પ્રથાને કારણે કોઇ મહિલાને વૈધવ્ય પાળવાનો વારો આવતો નથી. વળી આ પ્રથા પરિવારમાં એકતા જાળવવામાં પણ સહાયક બની રહે છે. 

પણ આ પ્રથા ઘણીવાર ગરીબીને કારણે પણ પ્રસરી છે. શિરમૌર જિલ્લાના જ જામણા ગામની વતની એક આધેડ મહિલાએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે સામાન્ય રીતે મહિલાઓ તેમના દિયરને અપનાવી લેશે તેવી આશા રાખવામાં આવે છે. આ વિસ્તારમાં દારૂણ ગરીબી પ્રવર્તે છે. મારો દિયર જ્યારે શાળામાં ભણવા જતો હતો ત્યારે હું તેનું ટિફિન ભરી આપતી હતી. હું પરણીને સાસરે આવી ત્યારે દારૂણ ગરીબી હતી. અમારી પાસે એક જ ગરમ સ્વેટર અને સ્લિપરની એક જોડ હતી. મારી સાસુ અને હું આ સ્વેટર અને સ્લિપર વારાફરતી પહેરતાં હતાં. જ્યારે સ્લિપર પણ વહેંચીને વાપરવામાં આવતી હોય ત્યાં દેખીતી વાત છે કે વહુને પણ સમજી વહેચીને રાખવામાં આવે. દિયરને પરણાવવાની જોગવાઇ ન હોવાથી તેણે મારી સાથે જ ઘર માંડયુ હતું. આજે આ મહિલા તેની ચાળીસીમાં છે. 

પણ આ પ્રકારના લગ્ન કાયદેસર છે? 

ભારતીય કાયદામાં બહુપતિત્વને કાયદેસર મંજૂરી મળેલી નથી. પરંતુ ઘણી આદિવાસી જાતિઓમાં આ પ્રથા પ્રચલિત હોઇ રિવાજ અને પરંપરાઓનું રક્ષણ કરવાના આશયથી તેને કાનુની રક્ષણ આપવામાં આવેલું છે. હાટ્ટી સમુદાય હિન્દુ મેરેજ એક્ટને અનુસરે છે. હિમાચલ પ્રદેશની હાઇકોર્ટ દ્વારા જોડીદાર કાયદા હેઠળ બહુપતિત્વની આ પ્રથાને રક્ષણ આપવામાં આવેલું છે. આ પ્રકારના લગ્નમાં થતાં સંતાનોને વાજિબ અલ અર્ઝ હેઠળ અપનાવવામાં આવે છે. વાજિબ અલ અર્ઝ એ ગામના રિવાજ અને પરંપરાનો રેકોર્ડ છે. જેના કારણે જોડીદાર પ્રથાને માન્યતા મળે  છે. હાટ્ટી સમુદાયના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે વાજિબ અલ અર્ઝ દ્વારા પિતાનું નામ પંચાયતના રેકોર્ડમાં દાખલ કરવામાં આવે છે. જેનો તમામ સરકારી કામોમાં ઉપયોગ કરવામાં આવે છે.

ઉત્તરાખંડમાં ૨૦૨૪માં સમાન નાગરીક ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પાડવામાં આવ્યો તેને કારણે આ પ્રથાની કાયદેસરતા સામે સવાલ ઉભો થયો હતો. સમાન નાગરી ધારામાં  વારસા, લગ્ન, છૂટાછેડા અને દત્તક લેવાની જોગવાઇઓ માટે કાનુની માળખું પુરું પાડવામાં આવેલું છે. સમાન નાગરીક ધારા હેઠળ લગ્નની નોંધણી કરાવવાનું અને તમામ ધર્મ અને સમુદાયોમાં સાથીને સમાન અધિકારો હોવાનું સ્થાપિત કરવામાં આવેલું છે. પણ આ સમાન નાગરીક ધારો શેડયુઅલ ટ્રાઇબને લાગુ પડતો નથી. બંધારણની પેટર્ન અનુસાર આ કાયદામાં પણ પરંપરાઓને માન્ય રાખવામાં આવેલી છે. આમ, ઉત્તરાખંડમાં સમાન નાગરીક ધારો અમલી હોવા છતાં હાટ્ટી જાતિ શેડયુઅલ્ડ ટ્રાઇબ હોઇ તેને આ કાયદો લાગુ પડતો નથી અને તેથી તેમની જોડીદાર પ્રથાને કાનુની રક્ષણ મળેલું છે.

સુનિતાએ જોડીદાર પ્રથાને અનુસરી પ્રદીપ અને કપિલ સાથે જાહેર લગ્ન કર્યાં અને તેમના લગ્નનો ત્રણ દિવસનો જલસો સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ ગયો તેને પરિણામે  ભારતમાં આ પ્રકારની પ્રથાઓ પણ મોજૂદ છે  અને તેને કાનુની રક્ષણ મળેલું છે તેનો નવી પેઢીને ખ્યાલ આવ્યો. ફોર એ ચેન્જ કોઇવાર સોશ્યલ મિડિયા દ્વારા સમાજને હિતકારક  સારા કામો પણ થઇ જાય છે.