Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : If young children and youth are trained, they will develop systematically

Dharmlok: તરુણ બાળકો અને યુવાનોને તાલીમ આપવામાં આવે તો તેમનો પદ્ધતિસર વિકાસ થાય

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: તરુણ બાળકો અને યુવાનોને તાલીમ આપવામાં આવે તો તેમનો પદ્ધતિસર વિકાસ થાય
સોર્સ : GSTV

૧૮૫૭માં લંડનમાં જન્મેલા લોર્ડ બર્ડન પોવેલ સાથે સન ૧૯૦૦માં દક્ષિણ આફ્રિકામાં એક ઘટના બની.મેકફીંગ હોલેન્ડ ડચ સાથેના સંઘર્ષમાં એને અદ્ભુત સફળતા મળી અને એણે વિચાર્યું કે, 'તરુણ બાળકો અને યુવાનોને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે તો બાળકોનો વિકાસ થાય એટલું જ નહીં,ભાવિ જીવનમાં તે પ્રચંડ સફળતાનો સ્વામી બને.' આ ઘટનાથી તેના હૃદય અને મસ્તિષ્કમાં સ્કાઉટનાં બીજનું વાવેતર થયું.બાળકોની એક ટુકડીથી સ્કાઉટનું કાર્ય શરૂ કર્યું.નાગરિકોનું સંરક્ષણ,ઘાયલોને ચિકિત્સા અને સારવારનું કાર્ય પૂરું પાડવું,સાહસિકતા,ચાલાકી અને ગુપ્તતાથી કાર્યો પાર પાડવાં એ પ્રકારની ઉત્કૃષ્ટ ટ્રેનિંગ આ બાળકોને આપવાનું શરૂ કર્યું.સ્કાઉટની પ્રવૃત્તિનું પરિચય આપતું એક પુસ્તક પણ લખ્યું.આખા યુરોપમાં બેસ્ટ સેલર પુસ્તક રહ્યું. આ પુસ્તકને અદ્ભુત પ્રતિસાદ મળ્યો ને માત્ર યુરોપમાં જ નહીં,પણ દુનિયાના કેટલાય દેશોમાં ગાઈડીંગની પ્રવૃત્તિ વિશાળ પાયા પર શરૂ થઈ.

App Store

આજે દુનિયાના ૨૧૨ દેશોમાં આ પ્રવૃત્તિનો વ્યાપ ફેલાયેલો છે,જે બાળકો અને યુવાનોના શરીરસૌષ્ઠવ,રાષ્ટ્રપ્રેમ,વ્યક્તિત્વ ઘડતરના વિકાસમાં જબરદસ્ત યોગદાન આપી રહેલ છે.

બીજી ઓક્ટોબર ૧૯૫૭માં રામલીલા મેદાન (દિલ્હી)માં એક જાહેર કાર્યક્રમનું આયોજન થયું.આ કાર્યક્રમમાં તત્કાલીન પંતપ્રધાન જવાહરલાલ નહેરૂજીએ મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. નહેરૂજી સમયસર રામલીલા મેદાનમાં પહોંચી ગયા હતા.આ કાર્યક્રમને માટે એક કામચલાઉ વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. સમગ્ર મંડપ અને મંચને સુશોભિત કરવામાં આવેલ હતો. નહેરૂજી સાથે મંચ પર વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.નહેરૂજી પધાર્યા એટલે સમયસર કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ. મંચ પરના મહાનુભાવો અને વિશાળ પ્રેક્ષકવર્ગ મંત્રમુગ્ધ ભાવે માણી રહ્યા હતા.એવામાં એકાએક વિશાળ મંડપમાં એક ખૂણામાં ઉપર એક આગની જ્વાળા દેખાય છે.એ ખૂણામાં બેઠેલ લોકો આગ જોતાં જ ઊભા થઈ ગયા અને 'આગ-આગ'ની બૂમો પાડવા લાગ્યા.

મંડપની છતના એક ખૂણામાંથી એક સુશોભિત દોરી ધીરેધીરે સળગતી આગળ વધી રહી હતી.ચૌદ વર્ષના તરુણ બાળકે આ જોયું અને ઝડપથી મંડપના વાંસ અને સ્તંભ પકડીને જ્યાં દોરી સળગી રહી હતી તે છત સુધી પહોંચી, પહેલાં તો આગળથી ઝટકા મારીને દોરી કાપી નાખી અને પછી પાછળ જ્યાં દોરી સળગી રહી હતી તેને બુઝાવી નાખી જેથી આગળ વધતી અટકી ગઈ અને આયોજકોએ બધાને શાંત કરી પોતાની જગ્યા પર બેસવાની વિનંતી કરતાં ભાગદોડ બંધ થઈ અને પુન: કાર્યક્રમ આગળ વધ્યો.

આગ બુઝાવતાં આ તરુણની આંગળી અને હથેળી દાઝી ગઈ હતી.નહેરૂજી આ આખી ઘટનાના સાક્ષી હતા.તેમણે આ તરુણને બોલાવ્યો અને પાસે બેસાડી પૂછયું કે,'જ્યાં આગ લાગી હતી તેની આસપાસના લોકો ભયભીત બની જીવ બચાવવા ભાગદોડ કરતા હતા, પરંતુ તેં તારા પોતાના જીવના જોખમે આગ બુઝાવાનું કાર્ય કેમ કર્યું ?તને ડર ન લાગ્યો ? તું ભયભીત થયા વિના મંડપ પર ચડયો અને આગ કાબૂમાં લેવાનું કાર્ય કર્યું !' એ તરુણે બાળકોના પ્રિય નહેરૂચાચાને નમસ્તે મુદ્રા કરીને ઉત્તર આપ્યો કે,'ચાચાજી,હું ભરાતીય સ્કાઉટ ગાઈડ છું.મેં અમારા સ્કાઉટ ગાઈડના નિયમ પ્રમાણે કર્તવ્ય કર્યું છે,તેમાં વિશેષ કશું નથી કર્યું.'

નહેરૂચાચા વિસ્મયથી તે બાળક સામે જોઈ રહ્યા હતા. તેમણે પૂછયું, 'તમારા શું નિયમ છે,જરા મને વિસ્તારથી કહેને.'તેણે ઉત્તર આપતાં કહ્યું કે,'અમારા સ્કાઉટ ગાઈડીંગ સંસ્થાના નવ નિયમો હોય છે,તે દરેક ગાઈડે પાળવાના હોય છે.'

સ્કાઉટ હંમેશાં અન્યની વિશ્વસનીયતા સંપાદન કરે,કારણ કે તે અન્ય કોઈ પણ માટે વિશ્વસનીય હોય,સ્કાઉટ વફાદાર હોય,સ્કાઉટ બીજા દરેક સ્કાઉટને ભાઈ-બહેન રૂપે જ સ્વીકારે, સ્કાઉટ નમ્ર અને વિવેકી હોય,સ્કાઉટ પશુ,પક્ષી,પ્રાણીઓનો મિત્ર હોય અને પ્રકૃતિપ્રેમી હોય,શિસ્તબદ્ધતા હોય જ અને જાહેર સંપત્તિનું રક્ષણ કરી અન્યને મદદ અને સહાય કરે,બહાદુર સાહસી,કરકસરયુક્ત હોય,મન,વચન અને કર્મથી શુદ્ધ હોય'અને તેણે કહ્યું કે,'આ નિયમથી હું બંધાયેલો છું જેથી નિયમપાલનથી વિશેષ મેં કશું કર્યું નથી.'

એ પછી તત્કાલીન પ્રધાનમંત્રી નહેરૂજીએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન 'ત્રિમૂર્તિ'માં એક સમારંભ યોજી એ બાળકનું 'વીરતાપુરસ્કાર' આપી સન્માન કર્યું.  ત્યારથી દેશમાં પ્રતિવર્ષ અસાધારણ બહાદુરી અને સાહસિકતા દાખવનાર બાળકોને 'રાષ્ટ્રીય વીરતા'પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે.