Dharmlok: આયુતુલા પયાસમાં જીવદયા-જીવકરુણા આપણને શું સૂચવે છે

'જીવદયા-જીવકરુણા'' સંદર્ભે સમજ આપતો જૈનગ્રંથોનો શબ્દ છે - આયુતુલા પયાસ.ઇશ્વરે વિવિધ સ્વરૂપે જીવો-સજીવોનું અદ્ભુત સર્જન કર્યું છે.જેમકે મનુષ્ય, પ્રાણીસૃષ્ટિ-પંખીજગત અને દરિયાઈ નાનાં-મોટાં જીવો.આ સર્વ ઇશ્વરે સર્જન કરેલ જીવો સૃષ્ટિ ઉપર જીવન માટેનાં સમાન અધિકારી છે.
મનુષ્યની જેમ! ''સૃષ્ટિનાં સર્વજીવો જીવનને અધિકારપાત્ર'' - આ સંદેશ ભગવાન મહાવીર સ્વામીનો છે.જ્યારે મનુષ્ય જગતનાં સર્વજીવોનાં અસ્તિત્વનો સ્વીકાર કરે છે ત્યાં મનુષ્યની અંદર-ભીતરમાં 'સહ-અસ્તિત્વનો ભાવ'(peaceful co-existence) સંવેદના-સદ્ભાવ સ્વરૂપે પ્રકટે છે -વ્યાપક બને છે.આ ચિંતનનો સરળ માર્ગ છે જેની ફળશ્રુતિરૂપે બહુમૂલ્ય ''અહિંસા''ની વિચારધારાનો ઉદય થાય છે.
ઉપરોક્ત પ્રેરક અને સહજ સંદેશો બે શબ્દો આપે છે
આયુતુલા પયાસ.મનુષ્યમાં સૃષ્ટિનાં જીવો પ્રત્યે દયા,અનુકંપા-કરુણા તેમજ મમત્વભર્યો સમભાવ પ્રકટે ત્યાં સમજવું 'અહિંસા'નો વ્યાપ વધ્યો છે ,ઉદારતાભર્યા સમભાવનું સર્જન ઉદ્ભવસ્થાને છે.મનુષ્યની જેમ સૃષ્ટિમાં જીવતાં પશુ-પંખીઓ પોતાની ભૂખ-તરસ તૃષ્ટ કરે છે (ગાય-કૂતરાંને રોટલી આપવી,કબુતર-મોર-પોપટ જેવા પક્ષીઓને દાણા-પાણી-ચણ આપવી એ મનુષ્યની અનિવાર્ય ફરજ બની રહે છે) વિશેષ આ શબ્દની વ્યાપકતા રજૂ કરું તો પશુ-પંખીઓનાં રોગ કે ઇજા-પીડા સમયે યથાયોગ્ય સારવાર-સારસંભાળ રાખવી તેમજ દર્દ-પીડામુક્ત કરવા તેમજ સૃષ્ટિનાં સર્વ જીવોને ક્યારેય ત્રાસ કે ભય આપવો નહીં,આ પ્રકારની મનુષ્યની વિચારધારા અન્ય જીવો, પ્રત્યેની માનવીની નૈતિક ફરજનો ભાગ બની રહે છે.
ભારત દેશ અધ્યાત્મભાવને વરેલો વસુધૈવ કુટુંબની ભાવનાને પ્રબળ કરતો દેશ છે. દરેક ઘરોમાં જીવનદયા-કરુણાનાં સંસ્કારો છે. સૃષ્ટિનાં જીવો પ્રત્યે ઉમદા મૈત્રીપ્રીતિ છે. આ રાષ્ટ્રનો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે. જગતનાં સર્વજીવો પ્રત્યે કરુણામય ભાવ છે, અનુકંપા-દયા છે. સાથે સાથે સમભાવ અને ઉદાર મમત્વ છે જે માનવજીવનને સાર્થક કરે છે, મૂલ્યવાન બનાવે છે.
જૈનસંઘો દ્વારા સંચાલિત પાંજરાપોળોનું પશુ-પંખીઓના કલ્યાણ-પાલન પોષણ-સારસંભાળ-સેવા-સુશ્રુષાનું ભગીરથ અને સરાહનીય કાર્ય દિન-પ્રતિદિન વૃદ્ધિ-વિકાસ અને ગતિમાન બની રહ્યું છે જેમાં જીવદયાપ્રેમી જૈનબંધુઓ અને અન્ય ધર્મપ્રેમીઓનો બહુમૂલ્ય ફાળો છે કે જેઓ વંદન અને નમનને અધિકારી છે - ધન્ય જિનશાસન - જૈનસંઘો - પાંજરાપોળોને - જૈનમ્ જયતિ શાસનમ્ - હરિઓમ - સૌનું કલ્યાણ થાઓ, શુભમ્ ભવતુ !
- કમલેશ હરિપ્રસાદ દવે

