Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : How to stand up again after falling? Always remember this!

પડ્યા પછી ફરી કેવી રીતે ઊભા થવું? આ વાત હંમેશા યાદ રાખજો!

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
પડ્યા પછી ફરી કેવી રીતે ઊભા થવું? આ વાત હંમેશા યાદ રાખજો!
સોર્સ : gstv

અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

App Store

લોગઈન :
ખાળ તારી આંખડીના નીરને,
સંકટોમાં આ ન છાજે વીરને,
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને?

શેખાદમ આબુવાલા
આ મુક્તકની ચાર પંક્તિઓ જીવનના યુદ્ધમેદાનમાં ઊભેલા દરેક માણસના ખભા પર મૂકાયેલો એક મજબૂત હાથ છે. એક એવો અવાજ છે જે કહે છે, ''રડવું હોય તો રડી લે, પરંતુ રડીને બેસી ન રહે. ઊભો થા, ધૂળ ખંખેરી દે અને ફરી ચાલવાનું શરૂ કર.''

જીવનમાં સૌથી સહેલું કામ શું? ફરિયાદ કરવી. અને સૌથી મુશ્કેલ? સંજોગોને હરાવીને આગળ વધવું. માણસ જ્યારે મુશ્કેલીઓથી ઘેરાઈ જાય ત્યારે તેને લાગે છે કે આખી દુનિયા તેની વિરુદ્ધ થઈ ગઈ છે. આંખો ભીની થઈ જાય, હોઠ મૌન અને મન વારંવાર એક જ પ્રશ્ન પૂછે, ''શા માટે મારી સાથે જ આવું?'' અંગ્રેજીમાં તેને 'ુરઅ સ?દ ઇફેક્ટ કહે છે.

માણસ પથ્થર નથી. દુ:ખ થાય ત્યારે આંખો ભીની થવી સ્વાભાવિક છે. પરંતુ જો આંસુઓ જ સરનામું બની જાય તો સફર આગળ ક્યાંથી વધે? સમુદ્રના કિનારે ઊભેલા જહાજને ક્યારેય તોફાનથી ડર નથી લાગતો, તેને ખબર હોય છે કે તેનો જન્મ બંદરમાં ઊભા રહેવા માટે નહીં, દરિયાને ચીરીને આગળ વધવા માટે થયો છે.

વીર માણસ એ નથી જે ક્યારેય રડતો નથી. વીર માણસ એ છે જે રડી લીધા પછી ઊભો થાય છે ને લડી લે છે! બાળક ચાલવાનું શીખતું હોય ત્યારે તે કેટલીય વાર પડે છે. જો તે પહેલી ઠોકર પછી જ નક્કી કરી લે કે હવે હું ચાલી નહીં શકું, તો કદાચ તે આખી જિંદગી ઘસડાતું રહે. પરંતુ તે પડે છે, રડે છે, ઊભું થાય છે અને ચાલવાનો પ્રયત્ન કરે છે. અંતે દોડવા લાગે છે. જીવન પણ આવું જ છે. ઠોકરો જીવનનો વિરોધ નથી, માર્ગદર્શન છે.

ખેડૂત જમીનમાં બીજ રોપે છે. પછી તરત પાક ઊગી નીકળતો નથી. બીજ જમીનની અંદર દટાય છે, તે અંધકાર સહન કરે છે, વરસાદનો માર વેઠે છે, માટીનો ભાર વેઠે છે. ત્યાર પછી જ તે અંકુર બને છે. ઘણા લોકો પોતાને દટાયોલા માને છે, જ્યારે હકીકતમાં તેઓ વાવવામાં આવ્યા હોય છે. ભગવાન આપણને દાટતા નથી, વાવતા હોય છે.

વિચારવા જેવી વાત એ છે કે જો માત્ર તકદીર જ બધું નક્કી કરતી હોત તો પછી પરિશ્રમનો જન્મ જ શા માટે થયો હોત? જો નસીબ જ બધું લખતું હોત તો ખેડૂત ખેતરમાં હળ શા માટે ચલાવત? વિદ્યાર્થી રાત્રે જાગીને અભ્યાસ શા માટે કરત? ખેલાડી હજારો કલાકોની મહેનતમાં ગળાડૂબ કેમ રહેત? એક જૂની કહેવત છે : ''તકદીર દરવાજો ખખડાવે છે, પરંતુ દરવાજો ખોલવો તો તમારે જ પડે.'' ઘણા લોકો આખી જિંદગી બારણું ખોલ્યા વગર જ ફરિયાદ કરતા રહે છે કે નસીબ મારા ઘરે આવ્યું નહીં.

માણસની સૌથી મોટી મૂડી તેની સંપત્તિ નથી, તેની પ્રતિભા પણ નથી. તેની સૌથી મોટી મૂડી તેનો આત્મવિશ્વાસ છે. જે માણસ પોતાને હારી જાય, તેને દુનિયાની કોઈ જીત બચાવી શકતી નથી. અને જે માણસ પોતાની અંદરની આશાને જીવંત રાખે છે, તેને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકતી નથી. ઇતિહાસ સાક્ષી છે કે મહાન સિદ્ધિઓ અશક્યતાની રાખમાંથી જન્મી છે.

પર્વતને જોઈને કેટલાક લોકો પાછા વળી જાય છે, જ્યારે કેટલાક લોકો બૂટની દોરી વધુ મજબૂત બાંધી લે છે. જીવનમાં ઘણી મુશ્કેલીઓ આપણને હરાવવા નહીં, ડરાવવા આવતી હોય છે. તે જોવા માગે છે કે આપણે કેટલા મજબૂત છીએ. સોનાને પણ ઘરેણું બનતા પહેલાં અગ્નિમાંથી પસાર થવું પડે છે. હીરાને પણ ચમકતા પહેલાં અસંખ્ય ઘસારા સહન કરવા પડે છે. નદી પણ પથ્થરો સાથે અથડાઈને જ સંગીત શીખે છે. તો પછી માણસને મુશ્કેલીઓ વગર મહાન બનવાનો અધિકાર ક્યાંથી મળી જાય?

એક વાત યાદ રાખવા જેવી છે, જીવનમાં પડવું ખરાબ નથી, પડયા પછી પડયા રહેવું ખરાબ છે. વીરતા તલવાર ચલાવવામાં નથી. વીરતા તો એમાં છે કે જ્યારે જીવન આપણને ઘૂંટણિયે પાડી દે ત્યારે ફરી ઊભા થઈ જઈએ. કદાચ એટલા માટે જ દુનિયાની સૌથી રસપ્રદ વાર્તાઓ એવા લોકોની છે જેમણે સંજોગો સામે હાર માનવાનો ઇનકાર કર્યો. ક્યારેક આપણે જીતીએ છીએ. ક્યારેક આપણે શીખીએ છીએ. પરંતુ હારીએ ત્યારે જ છીએ જ્યારે પ્રયત્ન કરવાનું બંધ કરી દઈએ.

લોગઆઉટ:
અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.
શેખાદમ આબુવાલા