Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Here is the list of the most watched superhit films!

ઓટીટી પર કઈ ફિલ્મોએ તોડ્યા રેકોર્ડ? આ રહી મહત્તમ જોવાયેલી સુપરહિટ ફિલ્મોની યાદી!

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઓટીટી પર કઈ ફિલ્મોએ તોડ્યા રેકોર્ડ? આ રહી મહત્તમ જોવાયેલી સુપરહિટ ફિલ્મોની યાદી!
સોર્સ : gstv

બોક્સ ઓફિસની સફળતા સાથે ઓટીટી પર તાલ મેળવવામાં ઘણી ફિલ્મો સફળ થાય છે. અમુક નાના પડદે વધુ સફળ સાબિત થાય છે. ઘણી એવી જે સીધી ઓટીટી પર આવે અને દર્શકોને જીતે છે. ફિલ્મ પહેલાં થિયેટરમાં પ્રદશત થાય અને પછી આવે ઓટીટી પર. બીજા કિસ્સામાં ફિલ્મ સીધી ઓટીટી પર આવે. હમણાં 'ધુરંધર-ટુ' માટે સમાચાર આવ્યા કે એ ભારતમાં ઓટીટી પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની છે. તો, બીજી કઈ કઈ ફિલ્મો છે જેમણે ઓટીટી પર સીમાચિહ્નો સ્થાપ્યાં? દર્શકોએ જેમને ઘેરબેઠા ભરપૂર માણી?

App Store

ધુરંધર-ટુ :

 પાંચમી જૂને આદિત્ય ધરની આ ફિલ્મ ઓટીટી પર આવી. જિયો હોટસ્ટાર અને નેટફ્લિક્સ પર. નેટફ્લિક્સ પર એ ફિલ્મ વિદેશી દર્શકો માટે ઉપલબ્ધ થઈ પંદરમી મેથી. એમાં અમુક એવાં દ્રશ્યો હોવાનો દાવો થયો કે જે મોટી સ્ક્રીન પર નહોતાં. એ દ્રશ્યોની કુલ લંબાઈ ચાર મિનિટથી ઓછી હતી. બોક્સ ઓફિસ પર બેહદ સફળ રહેનારી ફિલ્મને જિયોહોટસ્ટાર પર પાંચ કરોડથી વધુ દર્શકોએ જોઈ લીધી છે. પહેલા અઠવાડિયામાં. હિંદી ઉપરાંત દક્ષિણ ભારતની ચાર ભાષામાં. ઓટીટી પર ફિલ્મ જોનારા દર્શકોમાં ૬૦% એવા હતા જેમણે ફિલ્મ ટીવી પર માણી. બીજા શબ્દોમાં કહીએ તો એ એક વ્યક્તિએ નહીં, પરિવારે જોઈ. એટલે, ફિલ્મ જોનારાની સંખ્યા પાંચ કરોડથી વધારે થઈ. 'ધુરંધર' પાર્ટ વનને એની ઓટીટી રિલીઝ વખતે ત્રણ દિવસમાં સવાત્રણ કરોડ દર્શકોએ જોઈ હતી.

આરઆરઆર :

 એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મે દેશ-વિદેશમાં ડંકો વગાડયો. નેટફ્લિક્સ પર એ ૨૦ મે ૨૦૨૨ના આવી હતી. ઝીફાઇવ પર એની દક્ષિણ ભારતીય વર્ઝન્સ રિલીઝ થઈ હતી. માત્ર ભારતમાં નહીં, વિદેશમાં પણ આ ફિલ્મે દર્શકોને એમ આકર્ષ્યા હતા જેમ મધપુડા તરફ મધમાખી. એટલે એ ઓટીટી પર દુનિયા આખીમાં ગાજનારી બિનઅંગ્રેજી ફિલ્મ બની હતી. અમેરિકા સહિત ઘણા દેશોમાં એ ટોપ-ટેન ફિલ્મોમાં સામેલ થઈ હતી અને ત્યાં પર્યાપ્ત સમય ટકી રહી હતી. ૯૦ દેશોમાં એનું સ્ટ્રીમિંગ થયું હતું. હિંદીમાં આ ફિલ્મ અત્યાર સુધીમાં સવાચાર કરોડથી વધુ વખત જોવાઈ ગઈ છે. ઝીફાઇવ પર દોઢ કરોડથી વધુ વખત દર્શકોએ એને માણી છે.

 પુષ્પા-ટુ - ધ રૂલ :

 અલ્લુ અર્જુનને ખરા અર્થમાં રાષ્ટ્રીય સ્ટાર બનાવનારી ફિલ્મના બીજા ભાગે ઓટીટી પર પણ તરખાટ મચાવ્યો હતો. એણે રશ્મિકા મંદાનાને નેશનલ ક્રશ બનાવી હતી. ફિલ્મ નેટફ્લિક્સે અધધ રૂ. ૨૭૫ કરોડમાં ખરીદી હતી એવું કહેવાય છે. ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ના એ પાંચ ભાષામાં સ્ટ્રીમિંગ થવા માંડી હતી. એમાં ૨૦ મિનિટનું એ ફૂટેજ હતું જે મોટા પડદે નહોતું. પહેલા સપ્તાહમાં ફિલ્મ ૫૮ લાખ વખત જોવાઈ હતી. એ પણ વૈશ્વિક સ્તરે મહત્તમ જોવાયેલી બિનઅંગ્રેજી ટોપ-ટેન ફિલ્મોમાં સામેલ થઈ હતી. ભારત ઉપરાંત ઉત્તર અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વ અને એશિયાના અનેક દેશોમાં એને દર્શકવર્ગ મળ્યો હતો.

 જવાન :

 શાહરુખ ખાનના બોક્સ ઓફિસ રિવાઇવલની બેમાંની એક ફિલ્મ આ હતી. એ પણ નેટફ્લિક્સ પર આવી હતી. એની પણ ઓટીટી વર્ઝન મોટા પડદાની વર્ઝન કરતાં લાંબી હતી. એનો સોદો પણ ઊંચા ભાવે, રૂ. ૨૫૦ કરોડમાં થયો હતો. બીજી નવેમ્બર ૨૦૨૩ના એનું સ્ટ્રીમિંગ શરૂ થયું અને બે અઠવાડિયાં સુધી ફિલ્મ નેટફ્લિક્સની એ બિનઅંગ્રેજી ટોપ ટેન ફિલ્મોની યાદીમાં ચોંટી રહી હતી, જે વૈશ્વિક સ્તરે ટોચ પર હતી. પ્રારંભિક દોરમાં ફિલ્મને ઓલમોસ્ટ પોણાચાર કરોડ દર્શકોએ માણી હતી. નોંધનીય એ હતું કે આ ફિલ્મે સ્થાપેલો કરેલો રેકોર્ડ 'આરઆરઆર' સુધી અતૂટ રહ્યો હતો.

 એનિમલ :

 બોક્સ ઓફિસે ટંકશાળ બનનારી આ ફિલ્મે પણ ઓટીટી પર જાદુ પાથર્યો હતો. નેટફ્લિક્સ પર ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના એ આવી હતી. પહેલા અઠવાડિયામાં એ ઓલમોસ્ટ સવાછ કરોડ વ્યૂઝ ઉસેડી ગઈ હતી. બીજી અમુક સફળ ફિલ્મોની જેમ એ અત્યાર સુધી ઓટીટીની એવી એક ભારતીય ફિલ્મ છે જેને દર્શકોએ મેક્સિમમ માણી છે.

 કેજીએફ ચેપ્ટર-ટુ :

 યશને પણ આ ફિલ્મે ઓલ ઇન્ડિયા સ્ટાર બનાવ્યો. પ્રાઇમ વીડિયો પર એનું સ્ટ્રીમિંગ ત્રીજી જૂન ૨૦૨૨ના શરૂ થયું હતું. એના ઓટીટી અધિકારો અક્લપનીય એવી કિંમતે, રૂ. ૩૨૦ કરોડમાં વેચાયા હતા. આટલી મોટી કિંમતે બહુ ઓછી ફિલ્મો વેચાય છે. એને પણ ઓટીટી પર અઢળક જોવામાં આવી. પાકો આંકડો એટલે જણાવવો અઘરો કે પ્રાઇમ વીડિયોએ એ જાહેર કર્યો નથી.

 કલ્કિ ૨૮૯૮ એડી : 

અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ, દીપિકા પદુકોણ સહિતનાં સિતારાવાળી આ ફિલ્મ માટે કહી શકાય કે એ બોક્સ ઓફિસ પર સફળ છતાં અપેક્ષાથી ઊણી રહી હતી. એનું કલેક્શન રૂ. ૧,૧૦૦ કરોડ આસપાસ ખરું, પણ આશા એનાથી ક્યાંય વધારે સેવવામાં આવી હતી. એનો ઓટીટીનો સોદો રૂ. ૩૭૫ કરોડમાં થયો હોવાનું કહેવાય છે. એની હિંદી વર્ઝન નેટફ્લિક્સ તો દક્ષિણ ભારતીય વર્ઝન્સ પ્રાઇમ વીડિયો પર આવી હતી. બાવીસ ઓગસ્ટ ૨૦૨૪ના એ સ્ટ્રીમ થવા માંડી એ સાથે ઓટીટી પર એણે વાવટા ફરકાવ્યા. થિયેટર કરતાં એની ઓટીટી વર્ઝન થોડી ટૂંકી હતી. છએક મિનિટનું ફૂટેજ કાપી નાખવામાં આવ્યું હતું.

 સ્ટ્રેઇટ ટુ ઓટીટી :

ઘણી ફિલ્મો મોટા પડદાને મોહબ્બત કરી શકતી નથી. કાં તો એનું સર્જન જ નાના પડદા માટે થયું હોય છે કાં પછી, ખર્ચાળ પ્રમોશન વગેરે કરીને એને મોટા પડદે રિલીઝ કરવાનું જોખમ ટાળવામાં આવ્યું હોય છે. 'જ્વેલ થીફ - ધ હાઇસ્ટ બિગિન્સ' એવી ફિલ્મ હતી જે સીધી ઓટીટી પર આવી હતી. સવા કરોડથી વધુ દર્શકોને આકર્ષીને એ આવી ફિલ્મોમાં એક સફળતમ ફિલ્મ રહી હતી. 'ધૂમધામ' પણ ઓટીટી પર ખાસ્સી સફળ રહી હતી. એના દર્શકોની સંખ્યા આશરે સવા કરોડને આંબી ગઈ હતી. 'સરઝમીં'ના દર્શકો ૧.૧૫ કરોડ રહ્યા હતા. 'અમર સિંઘ ચમકીલા' એવી ફિલ્મ હતી જે આવી સીધી ઓટીટી પર અને એણે દર્શકો સાથે વિવેચકોને પણ મોહી લીધા હતા. 'જાનેજાં', 'ગુલમોહર', 'ફ્રેડી', 'ગોવિંદા નામ મેરા', 'સરદાર ઉધમ', 'શેરશાહ', 'મિમી' વગેરે એ ફિલ્મો છે જે ઓન્લી ઓટીટી રહી અને દર્શકોએ ખૂબ માણી.

આ સિવાય: 'આદિપુરુષ', 'સાલાર પાર્ટ વન - સીઝફાયર', 'દેવારા પાર્ટ વન', 'લિયો', 'પઠાન' અન્ય એવી ફિલ્મો છે, જેમણે ઓટીટી પર દર્શકોની ભરપૂર ચાહના મેળવી.