Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : God is bound by the thread of devotion.

Dharmlok : ભક્તિના તાંતણે બંધાયા ભગવાન: ભક્ત બોડાણાની અતૂટ પ્રીત અને દ્વારિકાથી ડાકોર પધારેલા શ્રી રણછોડરાય

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : ભક્તિના તાંતણે બંધાયા ભગવાન: ભક્ત બોડાણાની અતૂટ પ્રીત અને દ્વારિકાથી ડાકોર પધારેલા શ્રી રણછોડરાય
સોર્સ : gstv

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

App Store

ભગવાન શ્રીકૃષ્ણ રણછોડરાય રૂપે અત્યારે જ્યાં બિરાજે છે તે ડાકોર ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થધામ છે. ડાકોરનું મૂળ નામ ડંકપુર હતું. તે ડંકોર નામથી પણ ઓળખાતું હતું. મહાભારત કાળ દરમિયાન ડાકોર અને એની આસપાસની જગ્યા 'હિડિંબાવન' તરીકે પ્રસિદ્ધ હતી. હિડિંબાવન તળાવો અને ઝરણાંથી સુક્ષોભિત જગંલ હતું, જ્યાં અનેક ઋષિ મુનિઓ આશ્રમ બનાવી તપશ્ચર્યા કરતા હતા. ડંક નામના ઋષિનો આશ્રમ અત્યારે જ્યાં ગોમતી તળાવ છે. એના કિનારે આવેલો હતો. ત્યાં ડંક ઋષિએ તપશ્ચર્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ભગવાન શિવે ત્યાં પોતાનું શિવલિંગ પ્રકટ કરી એ રૂપે નિવાસ કર્યો હતો. ગોમતી કિનારે આવેલા ડંકનાથ મહાદેવમાં અત્યારે પણ એ શિવલિંગ બિરાજમાન છે.

ડાકોર મહાન તીર્થધામ બન્યું તેની પાછળ ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત બોડાણાની કૃષ્ણ ભક્તિ કારણભૂત છે. એની ભક્તિને કારણે જ ભગવાન શ્રીકૃષ્ણનું દ્વારિકામાં બિરાજતું સ્વરૂપ ડાકોરમાં પ્રસ્થાપિત થયું હતું. ભક્ત બોડાણા એના પૂર્વજન્મમાં ગોકુળમાં ગોવાળ અને ભગવાન શ્રીકૃષ્ણનો સખો હતો. એનું નામ વિજ્યાનંદ હતું અને તેની પત્નીનું નામ સુધા હતું. એક પવિત્ર દિવસે કેટલાક ગોપ-ગોપીઓ શ્રીકૃષ્ણની પૂજા કરવા ગયા. વિજયાનંદની પત્ની સુધા પણ તેની સખીઓ સાથે ગઈ. પરંતુ અભિમાનને કારણે વિજયાનંદ ના ગયો. શ્રીકૃષ્ણ એક મિત્રનું રૂપ લઈને ત્યાં આવ્યા અને તેને પૂજા કરવા સમજાવી ત્યાં મોકલ્યો. પાછા આવ્યા બાદ તેને ખ્યાલ આવ્યો કે એ મિત્રના રૂપમાં શ્રીકૃષ્ણ જ હતા જે એના પર કૃપા કરી એને પૂજાનું દિવ્ય ફળથી વંચિત રાખવા માંગતા નહોતા. બીજે દિવસે શ્રીકૃષ્ણે એની સાથે હોળી ખેલ ખેલ્યો. એકબીજા પર રંગ છાંટવાની રમતમાં શ્રીકૃષ્ણ હારી ગયા અને નદીમાં કૂદકો મારી દીધો. ત્યાં ભગવાને પોતાનું ખરું સ્વરૂપ બતાવ્યું. વિજ્યાનંદે ક્ષમા માંગી. ભગવાને તેને વરદાન આપતાં કહ્યું- 'કળિયુગમાં ૪૨૦૦ વર્ષ પછી એક ક્ષત્રિયના ઘરમાં તું વિજયસિંહ બોડાણા નામથી જન્મ લઈશ. તારી પત્ની સુધા પણ ગંગાબાઈ નામથી જન્મ લેશે. તમે બન્ને શ્રેષ્ઠ ભક્ત બનશો. એ વખતે હું તમને ભવ ફેરામાંથી મુક્તિ આપી મારા દિવ્ય ધામમાં ગતિ આપીશ.'

આ રીતે ડાકોરના રાજપૂત કુટુંબમાં વિજયસિંહ બોડાણા તરીકે તેમનો અને ગંગાબાઈ રૂપે સુધાનો જન્મ થયો હતો. બન્ને કૃષ્ણની ભક્તિ કરતાં. ભક્ત બોડાણા છ મહિને એકવાર નાના કુંડામાં તુલસીનો છોડ રાખી પગપાળા દ્વારિકા જતો, આમ કરતાં તેને ૭૨ વર્ષ થઈ ગયા. તેનામાં અશક્તિ આવી ગઈ, છતાં તે નિયમ તોડતો નહીં. એક દિવસે ભગવાન શ્રીકૃષ્ણે તેને દર્શન આપીને કહ્યું- હવે તું દ્વારિકા આવે ત્યારે તારી સાથે એક બળદગાડું લઈને આવજે. એમાં બેસીને હું તારી સાથે ડાકોર આવીને કાયમ ત્યાં વસીશ. જેથી તારે મારા દર્શન કરવા આટલું બધું અતંર કાપીને, પગપાળા ચાલીને દ્વારિકા આવવું ના પડે. બોડાણાએ એ પ્રમાણે જ કર્યું. તે એક બળદગાડું લઈને દ્વારિકા ગયો. રાત્રે ભગવાને મંદિરના દ્વાર પર લાગેલા તાળા તોડી નાંખ્યા અને દ્વાર ખોલી નાંખ્યા. બોડાણાના ગાડામાં મૂર્તિ રૂપે બેઠા પછી પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી ગાડું ચલાવ્યું. ડાકોર-નડિયાદ રોડ પર બિલેશ્વર મહાદેવ આવે છે ત્યાં થોડી વાર રોકાઈ વિશ્રામ કર્યો. ત્યાં ઊગેલા લીમડાના વૃક્ષની એક ડાળીને સ્પર્શ કર્યો ત્યારથી એ ડાળી મીઠી થઈ ગઈ. વૃક્ષની બાકીની બધી ડાળીઓ કડવી પણ એક-ડાળી મીઠી એવો ચમત્કાર બધાએ જોયો. દ્વારિકાના મંદિરના ગુગલી બ્રાહ્મણો બોડાણાએ જે વાત કરી હતી. તેના પરથી સમજી ગયા કે તે દ્વારિકાધીશની મૂર્તિ ગાડામાં ડાકોર લઈ ગયો હતો. તે બધા ડાકોર આવ્યા. તેમનાથી મૂર્તિને બચાવવા ભગવાને તે ગોમતી તળાવમાં છુપાવી દેવાની સલાહ આપી. એક બ્રાહ્મણે બોડાણાને મારેલા તીરથી તેનું મરણ થયું. તે પછી પણ તે ત્યાંથી ગયા નહીં. ત્યાં ભૂખ-હડતાલ પર બેસી ગયા. ભગવાને તેમને સમજાવ્યા. પોતાની મૂર્તિ જેટલા વજનનું સોનું લઈ ત્યાંથી જવા મનાવ્યા. પછી ભગવાને બોડાણાની વિધવા પત્ની ગંગાબાઈને ત્રાજવાના એક પલ્લામાં એની નાકમાં પહેરવાની સોનાની વાળી (ચુની) મૂકવાનું કહ્યું. બીજા પલ્લામાં ભગવાનની પેલી વજનદાર મોટી મૂર્તિ મૂકવામાં આવી. ભગવાને એવો ચમત્કાર કર્યો કે મૂર્તિનું વજન સાવ હળવું થઈ ગયું. તે સવા વાલ (અડધા ગ્રામ) જેટલા વજનની વાળીથી તોલાઈ ગયા. ભગવાને બ્રાહ્મણોને કહ્યું- મારી પોતાની અહીં જ રહેવાની ઇચ્છા છે. તમે દ્વારિકાની સેવધન નામની જે વાવ છે. તેમાંથી મારું આવું જ સ્વરૂપ છે તેને બહાર કાઢી ત્યાંના મંદિરમાં પ્રસ્થાપિત કરજો. આમ, દ્વારિકાથી બોડાણા સાથે આવેલા સ્વરૂપને ડાકોરમાં એક સુંદર મંદિર બનાવી તેમાં પ્રસ્થાપિત કરાયું.