Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Gaurav Khanna, the winner of 'Bigg Boss', is a master of mind games

Chitralok : ગૌરવ ખન્ના 'બિગ બોસ'નો વિનર માઇન્ડ ગેમનો માસ્ટર

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : ગૌરવ ખન્ના 'બિગ બોસ'નો વિનર માઇન્ડ ગેમનો માસ્ટર
સોર્સ : GSTV

-'બિગ બોસ' શો ન તો ટાસ્ક ગેમ છે કે ન ગાળાગાળી કે લડાઈ-ઝગડા કરવાનું મંચ. અહીં તમને તમારો મૂળભૂત સ્વભાવ દર્શાવવાનો હોય છે.' 

App Store

છેલ્લા બે દશકથી સંખ્યાબંધ ધારાવાહિકોમાં કામ કરી ચૂકેલો સોહામણો અભિનેતા ગૌરવ ખન્ના તાજેતરમાં પૂરા થયેલા વિવાદાસ્પદ છતાં લોકપ્રિય રીઆલિટી શો 'બિગ બોસ-૧૯'માંથી ગૌરભેર વિજયી બનીને બહાર આવ્યો. સામાન્ય રીતે આ શોના સ્પર્ધકો લડતાં-ઝગડતાં, એકમેકને ઉતારી પાડતાં, અન્યોની લાઈન કાપીને પોતાની લીટી મોટી કરવા મથતાં જોવા મળે છે. પરંતુ નોખી માટીનો બનેલો ગૌરવ ખન્ના આ શોમાં ચીલો ચાતરીને ચાલ્યો. તેણે પુરવાર કરી બતાવ્યું કે આ શો પોતાની ગરિમા જાળવીને પણ જીતી શકાય.

જોકે પ્રારંભિક તબક્કે ગૌરવ ચૂપચાપ બેસી રહેતો હતો. તે વખતે મોટાભાગના દર્શકો તેમ જ તેના સહસ્પર્ધકોને એવું લાગતું કે તે સુસ્ત છે, તેને ગેમમાં ભાગ લેવામાં રસ નથી. જ્યારે હકીકતમાં આ જ તેની પાયાભૂત રમત હતી. અભિનેતા કહે છે કે 'બિગ બોસ' મેરેથોન ગેમ છે અને મેરેથોનમાં શરૂઆતમાં ધીમી ગતિએ દોડીને આજુબાજુના હરીફો પર નજર નાખી લેવી પડે. ત્યાર પછી ધીમે ધીમે પોતાની ગતિ વધારીને સહસ્પર્ધકોને હંફાવવા સહેલા થઈ પડે. મેં પણ એમ જ કર્યું. હું દર અઠવાડિયે ધીમે ધીમે આગળ વધતો રહ્યો. અને શોના સંચાલક સલમાન ખાને મને કહ્યું કે મને શોમાં સારી રીતે દેખાવું જોઈએ ત્યારે હું ફ્રન્ટ ફૂટમાં આવ્યો.

ગૌરવ વધુમાં કહે છે કે મારા મતે આ શો માઈન્ડ ગેમ છે. તે ન તો ટાસ્ક ગેમ છે કે ન ગાળાગાળી કે લડાઈ-ઝગડા કરવાનું મંચ. અહીં તમને તમારો મૂળભૂત સ્વભાવ દર્શાવવાનો હોય છે. હું મારી વાસ્તવિક જિંદગીમાં પણ આવો જ છું. મને ઝગડા કરવાનું નથી ગમતું. હું મારી વાત વ્યવસ્થિત રીતે રજૂ કરી જાણું છું અને વધુમાં વધુ સમય સુધી ધૈર્ય ધરવાનો પ્રયાસ કરું છું. હા, જ્યારે પાણી માથા પરથી જાય ત્યારે હું તીવ્ર પ્રતિભાવ આપતા નથી ખચકાતો. એટલે જ સમગ્ર શો દરમિયાન હું માંડ બે-ચાર વખત ક્રોધે ભરાયો હતો. બાકીનો સમય હું મગજ શાંત રાખતો. મઝાની વાત એ છે કે મારા વિરોધીઓને આ વાત જ ખટકતી હતી. તેમને સમજાતું નહોતું કે તેઓ મને શી રીતે તોડે. અને મારી આ રણનીતિ મારી તરફેણમાં રહી. માનસિક દબાણ સામે નમતું ન જોખીને મેં મારા અડગ વ્યક્તિત્વનો પરિચય આપ્યો. હું  નાનપણથી આવો જ છું. કોઈ મને કાંઈપણ કહે, હું મારા નિર્ણયો મારી જાતે લઉં છું. મારી 'સુનો સબકી, કરો મનકી' નીતિ કામ કરી ગઈ. અહીં એ વાતની નોંધ લેવી રહી કે ગૌરવ 'સેલિબ્રિટી માસ્ટર શેફ'ની ટ્રોફી પણ ઘરે લઈ ગયો હતો. બબ્બે રીઆલિટી શોનો વિજેતા બનવા બાબતે અભિનેતા કહે છે કે સફળતા મળે તોય હું મારા પગ જમીન સાથે જડી રાખું છું. અને સકસેસ ન મળે તોય પડી નથી ભાંગતો. જીવનમાં જે મળે તેનાથી ખુશ રહેતા મને આવડે છે. 'બિગ બોસ' જેવા શોમાં પણ હું એ જ કહેવા માગતો હતો કે ગાળાગાળી કર્યા વિના પણ આગળ વધી શકાય. દર્શકોને પણ આ વાત સ્પર્શી ગઈ હશે. મારા મતે છેવટે તો સારપ જ લોકોના હૃદય સુધી પહોંચે.

અત્રે  ઉલ્લેખનીય છે કે ગૌરવે નેશનલ ટેલિવિઝન પર કહ્યું હતું કે તેની પત્ની સંતાન નથી ઇચ્છતી. તે વખતે નેટિઝનોએ અભિનેતાને વખોડયો પણ હતો. તેમણે કહ્યું હતું કે આ રીતે ગૌરવ ખન્ના લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ અભિનેતા કહે છે કે આ વાત સાવ ખોટી છે. ખરેખર તો મને આવી અંગત બાબત જાહેર કરવાનો ગર્વ છે. જો મારી વાત સાંભળી-સમજીને થોડાં પુરૂષો પણ પોતાની ઇચ્છા કરતાં પત્નીની ઇચ્છાને વધુ માન આપે તો મારી આ કબૂલાત લેખે લાગશે.