Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : OTT platforms are becoming a new platform for film showcases of emerging talents

Chitralok: નવોદિત પ્રતિભાઓના ફિલ્મ પ્રદર્શન માટે ઓટીટી પ્લેટફોર્મ નવી કેડી બની રહ્યાં છે

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: નવોદિત પ્રતિભાઓના ફિલ્મ પ્રદર્શન માટે ઓટીટી પ્લેટફોર્મ નવી કેડી બની રહ્યાં છે
સોર્સ : GSTV

- દુનિયામાં 30 કરતાં વધારે ફિલ્મોત્સવમાં પ્રદર્શિત થઇ ચૂકેલી અનુરાગ કશ્યપની ફિલ્મ 'કેનેડી' ભારતના થિયેટરોમાં રિલીઝ ન થઈ, પણ તે હવે લેટરબોક્સ્ડ પર રજૂ થઇ રહી છે. 

App Store

એક જમાનામાં હિન્દી ફિલ્મના વિતરકોની દાદાગીરી એ હદે હતી કે વિતરકો કહે કે આ ફિલ્મ નહીં ચાલે, તેમાં આ ફેરફાર કરો તો નિર્માતા ચૂપચાપ તેમની ફિલ્મમાં વિતરકોએ સૂચવેલાં ફેરફારો કરી ફિલ્મને પ્રદર્શિત કરવાનું મુનાસિબ માનતાં હતા. આજે પણ વિતરણનો ચક્રવ્યૂહ એવો જ ભેદી બની રહ્યો છે. આજે પણ નવી પ્રતિભાઓ હોય કે ખાઇબદેલા ધુરંધરો ઘણા ફિલ્મ નિર્માતા-નિર્દેશકોની ફિલ્મ થિયેટર્સમાં રજૂ થતી જ નથી. પણ હવે ઓટીટી પ્લેટફોર્મની સંખ્યા વધવાને કારણે તેમાં સ્પર્ધા વધી રહી છે તેમ નવા ફિલ્મ નિર્દેશકોને પણ તેમની ફિલ્મ ઓટીટી પર રજૂ કરવાની તક મળી રહે છે. પરિણામે એક જમાનામાં ડબ્બામાં પડી રહેતી ફિલ્મોનો હવે ઓટીટી પર ઉદ્ધાર થવા માંડયો છે અને દર્શકો અને ફિલ્મ નિર્દેશકો વચ્ચેથી વિતરક નામનો અવરોધ હટી રહ્યો છે. આજે પણ મોટા સ્ટુડિયોના પીઠબળ વિના સામાન્ય સ્વતંત્ર ફિલ્મને થિયેટરમાં રજૂ કરવાનું કામ લગભગ અશક્ય ગણાય છે. 

આ સંજોગોમાં લેટરબોક્સ્ડ ઓટીટી ટ્રાન્ઝેક્શનલ વીડિયો ઓન ડિમાન્ડ-ટીવીઓડી- મોડેલ લઇને આવ્યું છે. આ ઓટીટીની ખાસિયત એ છે કે તેમાં તમારે વાર્ષિક લવાજમ ભરવાનું હોતું નથી પણ તમને જે ફિલ્મ ગમે તે ૪૮ કલાક માટે તમે જોઇ શકો તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જેના માટે મામૂલી ફી લેવામાં આવે છે. આમ, સરળ ભાષામાં કહીએ તો દૂધ લેવા માટે હવે ભેંસ ઘરે બાંધવાની જરૂર રહી નથી. આ પ્લેટફોમ દ્વારા નવ આતંરરાષ્ટ્રીય ફિલ્મોને પસંદ કરવામાં આવી છે. જેમાંની એક મેધાવી ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ 'કેનેડી' છે. રસપ્રદ બાબત એ છે કે ફિલ્મ ફેસ્ટિવલ સરકીટમાં ભારે પ્રશંસા પામનારી આ ફિલ્મ ભારતમાં રજૂ થઇ શકી નથી. ૨૦૦૩માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કેનેડી ફિલ્મનું વર્લ્ડ પ્રિમિયર યોજાયું હતું અને પછી તે ભારતમાં મુંબઇ ખાતે એક જમાનામાં યોજાતાં મામી ફિલ્મ ફેસ્ટિવલમાં ક્લોઝિંગ ફિલ્મ તરીકે દર્શાવાઇ હતી. 

અનુરાગ કશ્યપે લોકડાઉન દરમ્યાન લખેલી આ ફિલ્મની લેટરબોક્સ્ડ પર પસંદગી કરવામાં આવી તે બાબતે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે લેટરબોક્સ્ડ દ્વારા આખરે આ ફિલ્મ દુનિયાના અમુક દેશોના સામાન્ય ઓડિયન્સ સુધી પહોંચશે. મને આશા છે કે નિર્માતાઓ તેને ટૂંક સમયમાં ભારતીય દર્શકો માટે પણ સિનેમાઘરોમાં રજૂ કરશે. અનુરાગ કશ્યપે 'કેનેડી' ફિલ્મ મુંબઇમાં માત્ર ૩૦ દિવસના શેડયુલમાં શૂટ કરી હતી. ફિલ્મમાં જેને મરી ગયેલો માનવામાં આવે છે તે પોલીસ અધિકારી કેવી રીતે રાજકારણીનું પ્યાદું બની રહે છે તેની વાત મહારાષ્ટ્રના રાજકારણની પશ્ચાદભૂમાં રજૂ કરાઇ છે. રાહુલ ભટ્ટ અને સની લિયોનીને મહત્વની ભૂમિકામાં રજૂ  કરતી આ ફિલ્મ સ્ફોટક રાજકીય સામગ્રીને કારણે થિયેટરોમાં રજૂ ન થઇ શકી હોવાનું ચર્ચાય છે. 

ફિલ્મના નિર્માતા રંજનસિંહે જણાવ્યું હતું કે દુનિયામાં ૩૦ કરતાં વધારે ફિલ્મોત્સવમાં પ્રદર્શિત થઇ ચૂકેલી આ ફિલ્મ હવે લેટરબોક્સ્ડ પર રજૂ થઇ રહી છે તે અમારે માટે ગૌરવભરી પળ છે. કાન ફિલ્મોત્સવમાં કેનેડી ફિલ્મનું પ્રિમિયર થયા બાદ તે ઓસ્ટ્રેલિયામાં સિડની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, સાઉથ કોરિયામાં બુકેઓન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, સ્વિટ્ઝરલેન્ડમાં નુશાટેલ ઇન્ટરનેશનલ ફેન્ટાસ્ટિક ફિલ્મ ફેસ્ટિવલ, ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન, યુકેમાં લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ અને કોલકાતામાં કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તે પ્રદર્શિત થઇ ચૂકી છે. 

હવે આ ફિલ્મ લેટરબોક્સ્ડ પર મુકવામાં આવી હોવાથી તેને યુએસ, કેનેડા, યુકે, આયરલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, ધ નેધરલેન્ડઝ, બેલ્જિયમ, સ્વિડન, નોર્વે, ડેન્માર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વિટ્ઝર લેન્ડમાં દર્શકો જોઇ શકશે. હાલ પશ્ચિમના ૨૩  દેશોમાં લેટરબોક્સ્ડ વિડિયો સ્ટોરની સર્વિસ ઉપલબ્ધ છે. ૨૦૧૧માં ન્યુ ઝીલેન્ડમાં મેથ્યુ બુચનાન અને કાર્લ વોન રેન્ડોવ દ્વારા લેટરબોક્સ્ડની સ્થાપના કરવામાં આવી હતી. ૨૦૨૩માં બંને સ્થાપકોએ ૬૦ ટકા કન્ટ્રોલિંગ હિસ્સો કેનેડિયન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટાઇનીને ૫૦ મિલિયન ડોલર્સમાં વેચી દીધો હતો. હાલ બુચનાન તેના સીઇઓ તરીકે કાર્યરત છે. તેઓ કહે છે કે જેમને ફિલ્મ જોવામાં રસ હોય તેમને તે ફિલ્મ ઉપલબ્ધ કરી આપવી એ અમારું મિશન છે.