ઈરાનમાં ડબલ આફત: અમેરિકા સામેનો મોરચો ચાલુ, ત્યાં ઘરઆંગણે મહિલાઓ વિફરી!

ટોપ્સીટર્વી-અજિત પોપટ
અમેરિકા અને ઇઝરાયેલને એકલે હાથે હંફાવતા ઇરાનને દુનિયાભરના દેશો અહોભાવથી નિહાળી રહ્યા છે ત્યારે ઇરાનમાં હજારો મહિલાઓ ફરી વિદ્રોહના મૂડમાં સડકો પર આવી જવાના સમાચાર યૂરોપનાં અખબારોમાં ચમકી ગયા. ઇરાનનો શાસક પક્ષ અને લશ્કર વિદેશી આક્રમણનો સામનો કરી રહ્યા છે ત્યારે પોતાને નૈતિક પોલીસ (મોરલ પોલીસ) સમજતા કટ્ટરવાદીઓએ મહિલાઓ પર અત્યાચાર શરૂ કર્યા હતા. આજે સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ અને સોશ્યલ મિડિયાની બોલબાલા છે એટલે ક્યાં શું બની રહ્યું છે અને શું થવું જોઇએ એની જાણ દરેક દેશના શિક્ષિત વર્ગને થાય એ સમજી શકાય એવી વાત છે. મહિલાઓ પણ હવે વિદેશોમાં શું બની રહ્યું છે એનાથી સતત વાકેફ રહેતી થઇ છે.
દુનિયામાં લગભગ છપ્પન દેશો એવા છે જ્યાં ઇસ્લામ પરસ્ત સરકારો છે. એ દેશો મુસ્લિમ દેશ કહી શકાય એવા છે. એમાંના ઘણા મુસ્લિમ દેશોમાં પણ હવે હિજાબ જેવી પ્રથા અમલમાં રહી નથી. બહુ લાંબે ન જઇએ તો તાજેતરમાં પાકિસ્તાનના એક રાજનેતાને ત્યાં નિકાહ (લગ્ન)માં હાજર રહેલી મહિલાઓ લેટેસ્ટ ફેશનનાં પોષાકમાં સજ્જ હતી, એમાંની ઘણી મહિલાઓે સિગારેટ ફૂંકતી હતી, શરાબ પીતી હતી અને ઇસ્લામમાં ગાનાબજાના હરામ હૈ એવી માન્યતા છતાં નાચતી ગાતી હતી. આવા સંજોગોમાં ઇરાનની યુવતીઓને એમ થાય કે હિજાબના નામે અમારા પર જબરદસ્તી કરાઇ રહી છે તો નવાઇ ન લાગવી જોઇએ.
ઇરાનની રાજધાની તહેરાન અને આસપાસનાં શહેરોમાં લગભગ રોજ સેંકડો યુવતીઓ બેધડક વિદેશી પોષાકમાં સજ્જ થઇને મોખરાના વિસ્તારોમાં ફરતી દેખાય છે. કેટલીક યુવતીઓ બિનધાસ્ત સ્કૂટર પર ઘૂમતી દેખાતી હતી. આવું બને ત્યારે રૂઢિચુસ્ત મૌલાનાઓ અને પોતાને નીતિમત્તાના પોલીસ સમજતા કટ્ટરવાદીઓ ઉશ્કેરાય એ સમજી એવી વાત છે. પશ્ચિમના મિડિયાના અહેવાલો સાચા હોય તો અમેરિકા ઇઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન પણ ઓછામાં ઓછી સાત હજાર યુવતીઓને નાનીમોટી સજા કરાઇ હતી.
ઇરાનના હિજાબ અંગેના કાયદા મુજબ જે યુવતી હિજાબ વિના ફરતી દેખાય એની તરત ધરપકડ કરાય છે અને એને ધાર્મિક અદાલતો સખત જેલની સજા ફટકારે છે. ક્યારેક તો બાવા આદમના જમાનામાં થતું એવું થાય છે. એપ્રિલ માસમાં એક યુવતીને હિજાબ નહીં પહેરવા માટે જાહેરમાં પચાસ ચાબખા મારવામાં આવ્યા હતા. કેટલેક સ્થળે યુવતીઓ પર લાઠીચાર્જ કે અશ્રુવાયુ પણ છોડવામાં આવે છે. આવું થવાથી યુવતીઓ વધુ આક્રમક બની છે અને રાજ નૈતિક પોલીસ વિરુદ્ધ દેખાવો, સભા-સરઘસ તથા આંદોલન ચલાવાય છે. આ યુવતીઓ રેપ સોંગ જેવા જોડકણાં દ્વારા શાસક પક્ષ વિરુદ્ધ ગીતો ગાય છે. જાહેરમાં ડાન્સ કરે છે. પોલીસ આવતી દેખાય તો પણ પોતાના સ્થાનેથી હટતી નથી. ભાગવાના પ્રયાસો કરતી નથી.
હદ તો ત્યારે થઇ જ્યારે ઇરાનના રૂઢિચુસ્ત મૌલાનાઓએ કેટલાક રાક્ષસી કાયદા જાહેર કર્યા. હિજાબ વિના ફરતી યુવતીઓમાં કેટલીક પર અમેરિકી ૧૫,૫૦૦ ડૉલર જેટલો રોકડ દંડ, પંદર વર્ષની જેલ અને જાહેરમાં ચાબખા મારવા જેવી પાશવી સજાઓ જાહેર કરી. જોકે આમ છતાં મહિલા વિરોધના કાર્યક્રમો ઘટયા નથી. લગભગ રોજ ક્યાંક ને ક્યાંક મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થાય છે અને શાસન વિરોધી દેખાવો કરે છે. આવા દેખાવોમાં સોએ સો ટકા યુવતીઓ બૂરખા વિના અને વેસ્ટર્ન પોષાકમાં હાજરી આપે છે. એક મહિલા તો અમેરિકી રાષ્ટ્રધ્વજ છાપેલું ટી શર્ટ પહેરીને ફરતી દેખાઇ હતી.
બીબીસીએ એ મહિલાનો ફોટોગ્રાફ પ્રગટ કર્યો હતો. અન્ય એક મહિલાના ટી શર્ટ પર આઈ લવ ન્યૂયોર્ક પ્રિન્ટ થયેલું જોવા મળ્યું હતું. હાર્યો જુગારી બમણું રમે એમ આ યુવતીઓ સામે વધુ ને વધુ આકરા કાનુની પગલાં લેતાં શાસકો અચકાતા નથી. કેટલાક સ્થળે સ્થાનિક પુરુષોને આ યુવતીઓ વિરુદ્ધ ઉશ્કેરવાના પ્રયાસો સરકારી માધ્યમો કરે છે.
પશ્ચિમનાં માધ્યમો માને છે કે આ વર્ષના જાન્યુઆરીમાં ઇરાનની સરકારે દેખાવો કરી રહેલા લોકોમાંના સાતેક હજાર યુવાનોને હણી નાખ્યા ત્યારબાદ મહિલાઓે પણ આંદોલનમાં સક્રિય થઇ હતી. એ પહેલાં ૨૦૨૨માં માહસા અમીની નામની એક યુવતીએ હિજાબ વ્યવસ્થિત પહેર્યો નથી એવા આરોપ હેઠળ એની ધરપકડ થઇ અને જેલમાં એના પર થયેલા અત્યાચારો પછી એનું મરણ થયાના સમાચાર પ્રગટ થયા ત્યારબાદ પશ્ચિમનાં માધ્યમો આ તરફ વધુ ધ્યાન આપતા થયા.
ઇરાનની સરકારે જે સંસ્થાઓ કે વ્યાપારી કંપનીઓ શિક્ષિત મહિલાઓને નોકરી પર રાખે છે એવી કંપનીઓને નોટિસ ફટકારી છે કે તમારે ત્યાં કામ કરતી મહિલાઓ હિજાબ પહેરીને બહાર નીકળે એની જવાબદારી તમારી છે. તમારી કોઇ મહિલા કર્મચારી હિજાબ વિના દેખાશે તો તમને સજા કરવામાં આવશે. ઇરાનમાં સંખ્યાબંધ યુવતીઓએ પોતે હિજાબ વિના બહાર ફરે છે કે સ્કૂટર પર બેસીને સડક પર લટાર મારવા નીકળી છે એવી વિડિયો ક્લીપ તૈયાર કરીને સોશ્યલ મિડિયા પર મૂકી છે. ફેસબુક અને યુ ટયુબ જેવાં માધ્યમો દ્વારા આવી ક્લીપ્સ દુનિયા આખીમાં ફરે છે. એ રીતે પણ આ યુવતીઓ પોતાનો વિરોધ જગચૌટામાં પહોંચાડે છે. ઇરાનના કેટલાક સાહિત્યકારો, જમણેરી નેતાઓ અને પત્રકારો પણ હવે ખુલ્લેઆમ લખતા થયા છે કે દુનિયામાં પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે હિજાબ જેવા પગલાં આજે આઉટ આફ ડેટ થઇ ચૂક્યા છે. સરકારે મહિલાઓ સામે આવાં કડક પગલાં લેવા ન જોઇએ.
ઇરાન આમ બે તરફ અટવાયેલું છે. એક તરફ અમેરિકા અને ઇઝરાયેલ સાથેનો સંઘર્ષ ચાલુ છે. બીજી તરફ ઘરઆંગણે હિજાબ અને બીજા શરિયતના કાયદા વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યાં છે. અન્ય મુસ્લિમ દેશોનો સાથ સહકાર મળતો નથી. છતાં ઇરાન એકલે હાથે બંને લડત સામે ઝઝૂમી રહ્યું છે.

