ઓપરેશન સિંદૂર મુદ્દે વિશેષ સત્ર બાબતે ઈન્ડી બ્લોકમાં તડાં?
ઈન્ડી બ્લોકના ભાવિ અસ્તિત્વ વિશે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે વિપક્ષી ગઠબંધનના ૧૬

ઈન્ડી બ્લોકના ભાવિ અસ્તિત્વ વિશે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે વિપક્ષી ગઠબંધનના ૧૬ સભ્યોએ પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર સંસદનું વિશેષ સત્ર બોલાવવા મંગળવારે બેઠક બોલાવી હતી. જો કે નેતાઓની બેઠકમાં ગઠબંધનમાં તડા સ્પષ્ટપણે નજરે પડતા હતા.
દાખલા તરીકે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરતી મીટિંગથી AAP એ અંતર બનાવ્યું અને અલગથી કેન્દ્રને પત્ર લખીને વિશેષ સત્રની માગણી કરશે. પત્રમાં સહી કરનારા ડાબેરી પક્ષોને પણ બેઠકમાં આમંત્રણ નહોતુ અપાયું. એનસીપીએ બેઠકમાં ભાગ નહોતો લીધો. શરદ પવારે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ખુલ્લા મંચ પર ઓપરેશન સિંદૂર વિશે કોઈપણ ચર્ચા કરવાની તરફેણમાં નથી.
કોંગ્રેસની નેતા સલમાન ખુરશીદના પુસ્તકના વિમોચન પ્રસંગે પી. ચિદંબરમે જણાવ્યું હતું કે ઈન્ડી ગઠબંધન અકબંધ છે કે કેમ તેની મને ખાતરી નથી. સીપીઆઈ જનરલ સચિવ ડી.રાજાએ આવી બેઠક વિશે કોઈ જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો. જો કે તેમના પક્ષે વિશેષ સત્રની માગણી કરી હતી.
અહેવાલો મુજબ ટીએમસીના કહેવા પર ડાબેરી પક્ષોને મંગળવારની બેઠકમાંથી બાકાત રખાયા હતા જેણે પશ્ચિમ બંગાળના શાસક પક્ષ પર પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના રાજકીય હુમલા પછી વિશેષ સત્ર બાબતે પોતાના અભિગમમાં ફેરફાર કર્યો હતો.




