Zagmag: બકુલભાઈ અને તેમની બોલતી બકરી

- બોલતી બકરીને જોવા લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. તેઓ પોતાના મોબાઇલ ફોનમાં તેનો વીડિયો ઉતારે અને પછી તેની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરે
એક ગામમાં બકુલભાઈ નામના મહાશય રહેતા હતા. તેઓ ખૂબ જ ઘમંડ કરતા કે, 'હું બધું જાણું છું! હું ખૂબ જ્ઞાની છું.'
એક દિવસ તેમણે વિચાર્યું કે દૂધ માટે એક બકરી ખરીદવી જોઈએ. તેઓ બજારમાં ગયા અને એક બકરી પસંદ કરી.
દુકાનવાળો બોલ્યો, 'સાહેબ, આ બકરી બહુ ખાસ છે!'
બકુલભાઈ હસ્યા, 'હા હા! ખાસ તો હું છું. બકરી તો બકરી જ હોય!'
પણ એ બકરી વાસ્તવમાં ખાસ હતી. એ બોલતી હતી!
બકુલભાઈ એને ઘરે લાવ્યા. બીજા દિવસે સવારે બકરી બોલી:
'અરે બકુલભાઈ, મને કંઈક ખાવા પીવાનું તો આપો!'
બકુલભાઈ ચમક્યા, 'આ બકરી તો બોલે છે!'
બકરી બોલી, 'હા સાહેબ, હવે મને ચા સાથે બિસ્કિટ જોઈએ છે!'
બકુલભાઈ બિચારા દરરોજ બકરીને દૂધ, ચા અને મીઠાઈ અને વિવિધ નાસ્તો આપવા લાગ્યા.
બકુલભાઈના પાડોશી આશ્ચર્યચકિત થયા.
એક દિવસ પાડોશીએ પૂછયું, 'ભાઈ, તમે બકરીને દૂધ માટે લાવ્યા છો કે તેની સેવા કરવા માટે? બકરીએ તો તમને ઉલ્લુ બનાવ્યા!'
બકુલભાઈ બોલ્યા, 'આ બકરી નથી, આ કોઈ જાદુગરની ચાલ લાગે છેં. હું તો ખરેખર ફસાઈ ગયો...'
બકુલભાઈ બકરીને પાછી આપવા બજારમાં દુકાને ગયાં. તેણે જોયું તો દુકાન તે જગ્યાએથી ગાયબ થાઈ ગઈ હતી.
ગામવાસીઓ હસી પડયા. બકુલભાઈ ખરેખરા ફસાઈ ગયા. બકુલભાઈ બકરીને લઈને પાછા ઘરે આવ્યા. બકરી તેને કોઈ રીતે ઉપયોગી થઈ ન હતી. ઊલટાતું, તેમણે બકરીની દેખભાળ રાખવી પડતી હતી.
હા, એટલું ખરું કે આ બોલતી બકરી ધીમે ધીમે લોકપ્રિય થવા લાગી હતી. તેને જોવા લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. કોઈ પોતાના મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતારે અને પછી તેની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરે. બકુલભાઈ તો ખૂબ જ અકળાવા લાગ્યા.
એક દિવસ બકરી બોલી:
'બકુલભાઈ, હવે તો હું ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈશ!'
બકુલભાઈ બોલ્યા, 'એટલે વળી શું? લાઈવ તો ટેલીવિઝન પર આવતું હોય!'
બકરી બોલી, 'અરે નાસમજ! ઇન્સ્ટાગ્રામ પર લોકો લાઈવ આવો તો બધા તમને જુએ, લાઈક આપે, કમેન્ટ કરેે!'
એમ કહીને બકરીએ ઇન્સ્ટાગ્રામ લાઈવ ચાલુ કર્યું:
'હાઈ મિત્રો! હું છું તમારી બોલતી બકરી! આજે બતાવું છું કે બકુલભાઈ કેવી રીતે મારા માટે પતાસા અને દૂધ લાવે છે!'
બકુલભાઈ દુધની કડાઈ લઈને દોડી રહ્યા હતા.
લોકો કમેન્ટમાં લખવા લાગ્યા:
- સુપરસ્ટાર બકરી!
- આ બકુલભાઈ તો બરાબરના બકરીના રખેવાળ બની ગયા!
આવી બધી કમેન્ટ્સ આવવા લાગી. તે વાંચીને બકુલભાઈને નવાઈનો પાર ન રહ્યો.
બકુલભાઈની સેવાથી બકરી તો ખુશ થઈ ગઈ. બોલતી બકરી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ ગઈ. તેણે બકુલભાઈને યુટયુબ ચેનલ ખોલવાની સલાહ આપી.
બકુલભાઈએ પોતાની યુટયુબ ચેનલ ખોલી અને તેમાં બોલતી બકરીના કોમેડી વીડિયો મુકવા લાગ્યા. આ વીડિયો ભારતમાં જ નહીં. અન્ય દેશોમાં પણ ખૂબ જોવાયા. આથી બકુલભાઈને ખૂબ વ્યુઝ મળવા લાગ્યા એટલે યુટયુબ પરથી તેમને આવક થવા લાગી. બકુલભાઈના ફોલોઅર્સની સંખ્યા મિલિયન્સમાં થઈ ગઈ. આમ, સમય જતાં બોલતી બકરી બકુલભાઈ માટે કમાઉ દીકરા જેવી બની ગઈ...

