મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

અમેરિકામાં ભારતીયો પર હિંસક હુમલા અને હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી વિદેશીઓ સામે કાર્યવાહીના નામે અત

અમેરિકામાં ભારતીયો પર હિંસક હુમલા અને હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો
આ સમાચાર સાંભળો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી વિદેશીઓ સામે કાર્યવાહીના નામે અત્યાચાર વધી રહ્યા છે. ટ્રમ્પ સરકાર, તેમનો પક્ષ અને નેતાઓ ભારતીય સહિતના એશિયનો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે, જેની અસર હવે હત્યાઓમાં પરિણમી રહી છે.

છેલ્લા પાંચ મહિનામાં જ બનેલી ઘટનાઓ

હજુ બે સપ્તાહ પૂર્વે અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ભારતીય મૂળના યુવક અંશુલ કુંચાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અંશુલ અડધી રાત્રે પીઝા ડિલિવરી કરવા પહોંચ્યો હતો, ત્યારે જ તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જે ઘરે પીઝા ડિલિવરીનો ઓર્ડર હતો તે મકાન ખાલી પડ્યું હતું. મૃતકના પરિવારનો આરોપ છે કે અંશુલની સાજિશ હેઠળ હત્યા કરવામાં આવી હતી. તે પાંચ વર્ષ પહેલાં નોકરી માટે અમેરિકા ગયો હતો. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો, પરંતુ વધુ આવક મેળવવા માટે પીઝા ડિલિવરીનું કામ પણ કરી લેતો હતો.

કેલિફોર્નિયામાં ૨૨ વર્ષીય સાકેત શ્રીનિવાસ ગયા ફેબ્રુઆરીમાં યુનિવર્સિટી કેમ્પસ પાસે જોવા મળ્યો હતો. નજીકમાં જ એક બિલ્ડિંગ પાસે તેની બેગ, લેપટોપ અને પાસપોર્ટ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સાકેતનો મૃતદેહ કેમ્પસ નજીકના તળાવમાંથી મળી આવ્યો હતો.

માર્ચ મહિનામાં ટેક્સાસમાં ભણતી ભારતીય વિદ્યાર્થિની સવિતા શાનની હત્યા થઈ હતી. ઓસ્ટિન વિસ્તારમાં એક લોકપ્રિય બાર નજીક થયેલા અંધાધૂંધ ગોળીબારમાં સવિતાની સાથે બીજા બે યુવકોની પણ હત્યા થઈ હતી. ગોળીબાર કરનારો હત્યારો પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

અગાઉ નોર્થ કેરોલિનામાં વસતા યુવાન મૈનેક પટેલની, તેનો સ્ટોર લૂંટવા આવેલા એક સગીરે હત્યા કરી હતી. તેની પત્ની અમી સાત મહિનાની ગર્ભવતી હતી. આ ઉપરાંત, તેમને એક પાંચ વર્ષની દીકરી પણ છે.

તાજેતરમાં જ અમેરિકામાં હિન્દુ સમુદાયના લોકો સામે વધતા નફરતના ગુનાઓ વિરુદ્ધ એક મહત્વપૂર્ણ ઠરાવને ૩૨ કોંગ્રેસમેનોનું સમર્થન મળ્યું છે. જાણીતા ભારતીય-અમેરિકન કોંગ્રેસ સભ્ય રો ખન્નાએ પણ આ ઠરાવને ટેકો આપ્યો છે.

આ ઠરાવમાં અમેરિકાના અર્થતંત્ર, સમાજ, વિજ્ઞાન, શિક્ષણ, સ્વાસ્થ્ય તથા અન્ય ક્ષેત્રોમાં હિન્દુ-અમેરિકન સમુદાયના યોગદાનની નોંધ લેવાઈ છે અને તેની પ્રશંસા થઈ છે. એટલું જ નહીં, હિન્દુફોબિયા, હિન્દુ વિરોધી કટ્ટરતા અને હિન્દુ પૂજા સ્થાનો પરના હુમલાની પણ નિંદા કરાઈ છે.

તાજેતરમાં જ એક ભારતીય યુગલને એક અમેરિકી શખ્સે સોશિયલ મીડિયા પર અપશબ્દો કહીને અમેરિકા છોડી ચાલ્યા જવાનું કહ્યું હતું, જેનો વિડીયો વાયરલ થયો છે. તેમાં એક અમેરિકન, ભારતીય યુગલને અપશબ્દો કહેતો જોવા મળે છે.

અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય નાગરિકો પર હુમલા વધી રહ્યા છે. ભારતીયોની અત્યંત ઘાતકી રીતે હત્યા કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ૫૦ વર્ષના ચંદ્રમૌલી નાગમલ્લૈયાની એક શખ્સે ગળું કાપીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, પરિવારની સામે જ તેના માથાને પગ મારીને ફૂટબોલની જેમ ફંગોળ્યું હતું.

'સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ હેટ એન્ડ એક્સ્ટ્રીમિઝમ' (CSHE) એ સાન બર્નાર્ડિનો સ્થિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ખાતે એકત્ર કરેલા ડેટામાં જણાયું હતું કે, એક વર્ષ અગાઉની તુલનામાં ગયા વર્ષે એશિયનો સામે થતા નફરતભર્યા અપરાધોમાં ૩૩૯ ટકા જેટલો ધરખમ વધારો થયો છે. ખાસ કરીને સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક અને લોસ એન્જલસ જેવા શહેરોમાં એશિયન અમેરિકનો સામેની નફરત ઝડપથી વધી રહી છે.

એશિયન અમેરિકનો સામેની નફરતને પગલે આચરાતા ગુનાઓની ઘટનાઓને શાળાના અભ્યાસક્રમમાં સ્થાન આપવા લડત ચલાવી રહેલા જૂથ 'મેક અસ વિઝિબલ'ના સ્થાપક કેની ઈલાન્ગોવાન એક અંગ્રેજી સામયિકને કહે છે કે, એશિયન અમેરિકનો સામેના અપરાધોમાં ખરેખર ધરખમ વધારો થયો છે. મહામારી દરમિયાન ન્યૂ જર્સીમાં હેટ ક્રાઇમમાં ૮૦ ટકા જેટલી વૃદ્ધિ થઈ હતી.

'સ્ટોપ AAPI હેટ' (એશિયન અમેરિકનો અને પેસિફિક આઇલેન્ડના લોકો સામે આચરાતા હેટ ક્રાઇમ્સનો રેકોર્ડ રાખતી સ્વયંસેવી સંસ્થા) અનુસાર, AAPI ના દર ત્રણમાંથી એક માતા-પિતા કહે છે કે તેમના સંતાનોને ગયા વર્ષે નફરતના બનાવોનો સામનો કરવો પડ્યો હતો. આમાંથી સૌથી મોટી ઘટના ગયા વર્ષની ૧૬મી માર્ચે બની હતી, જેમાં એક બંદૂકધારીએ એટલાન્ટામાં આઠ જણાને ગોળીએ દીધા હતા. આ આઠ મૃતકોમાં છ એશિયન મહિલાઓ હતી.

એક જાણકારી મુજબ, વિદેશની ૪૧ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૬૩૩ ભારતીય વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા હતા. જોકે, આમાં કુદરતી રીતે, અકસ્માતથી કે તબીબી કારણોસર પણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. ૧૭૨ વિદ્યાર્થીઓના મૃત્યુ સાથે કેનેડા પહેલા નંબરે છે. ત્યાર બાદ અમેરિકામાં ૧૦૮, યુનાઇટેડ કિંગડમ (UK) માં ૫૮, ઓસ્ટ્રેલિયામાં ૫૭, રશિયામાં ૩૭ અને જર્મનીમાં ૨૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. યુક્રેનમાં ૧૮, જ્યોર્જિયા, કિર્ગીઝસ્તાન અને સાયપ્રસમાં ૧૨-૧૨ અને ચીનમાં ૮ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.

અલબત્ત, અન્ય શહેરોમાં પણ સ્થિતિ ખાસ સારી ન ગણી શકાય. વર્ષ ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં કોલોરાડો સ્થિત લેકવૂડ ખાતે પોતાના સ્ટોરમાં જ લખવંત સિંહ પર તેના એક ગ્રાહકે દ્વેષપૂર્ણ હુમલો કર્યો હતો. એરિક બ્રીમેન નામના આ ગ્રાહકે લખવંત સિંહના સ્ટોરમાં આવીને તોડફોટ કરી હતી. તેણે લખવંત સિંહ અને તેની પત્નીને કહ્યું હતું કે, "તમે તમારા દેશમાં પાછા ચાલ્યા જાઓ." જ્યારે લખવંત સિંહ પોતાની લાઇસન્સ પ્લેટના ફોટા લેવા સ્ટોરની બહાર નીકળ્યો, ત્યારે બ્રીમેને તેને પોતાની મોટર વડે ટક્કર મારીને પાર્કિંગ લોટથી બહાર ફેંકી દીધો હતો.

વર્ષ ૨૦૨૦ના માર્ચ માસમાં AAPI સંલગ્ન સંસ્થા 'ચાઇનીઝ ફોર અફર્મેટિવ એક્શન' અને સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીના એશિયન અમેરિકન સ્ટડીઝ વિભાગે સંયુક્ત રીતે 'સ્ટોપ AAPI હેટ રિપોર્ટિંગ સેન્ટર' લોન્ચ કર્યું, ત્યાર બાદ માત્ર એક જ સપ્તાહમાં તેમને હેટ ક્રાઇમની ૬૦૦ ઘટનાઓના રિપોર્ટ મળ્યા હતા. એક માસમાં આ આંકડો ૧,૫૦૦ સુધી પહોંચી ગયો હતો. બે વર્ષ પછી જ્યારે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, ત્યારે તેમાં ૧૧,૫૦૦ ઘટનાઓની નોંધ જોવા મળી હતી.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ તો માત્ર શરૂઆત છે. રાષ્ટ્રીય સ્તરે મળેલા તાજા રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦2૪-૨૫માં દર પાંચમાંથી બે એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડરને તીવ્ર દ્વેષભાવનો અનુભવ થયો છે. તેમાંય મહિલાઓ અને બાળકો સરળ નિશાન બન્યા છે. તેમાંથી લગભગ બે-તૃતીયાંશ લોકો સામે ગાળાગાળી કરવામાં આવી હતી. ગઈ ૨૪મી ઓગસ્ટે ડલ્લાસ ખાતે એસ્મેરાલ્ડા અપટોન નામની એક મેક્સિકન-અમેરિકન મહિલાએ ચાર ભારતીય મહિલાઓ પર વંશીય હુમલો કરતા તેમને બીભત્સ ગાળો આપી હતી. તેણે તેમને એમ પણ કહ્યું હતું કે, "હું તમને નફરત કરું છું. તમે તમારા દેશમાં ચાલ્યા જાઓ."

રિતુ ચંદ્રાને અગાઉ પણ વંશીય ભેદભાવનો અનુભવ થયો હતો, પણ તેમાં તેને બહુ સિફતપૂર્વક ગોરાઓથી અળગી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રિતુ કહે છે કે, "હું એક એપાર્ટમેન્ટ જોવા ગઈ હતી. પરંતુ મને બહુ શાંતિથી કહેવામાં આવ્યું કે તે વેચાઈ ગયો છે. ત્યાર પછી મેં મારી એક ગોરી મિત્રને એ એપાર્ટમેન્ટ વિશે પૂછવાનું કહ્યું, ત્યારે મને જાણ થઈ કે હું ગોરી નથી તેથી મને એ એપાર્ટમેન્ટ વેચવામાં નહોતો આવ્યો." તેણે વધુમાં કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યાર પછી લોકોને એમ લાગવા લાગ્યું હતું કે તેમને વંશીય હુમલાઓ કરવાનો અબાધિત અધિકાર મળી ગયો છે.

હજુ ગયા વર્ષે જ યુ.એસ.માં એફબીઆઈ (FBI) ની સેક્રેમેન્ટો ફિલ્ડ ઓફિસે ભારત સાથે કૌટુંબિક અથવા વ્યવસાયિક સંબંધો ધરાવતી વ્યક્તિઓને નિશાન બનાવતી ગેરકાયદે વસૂલાત (ખંડણી) યોજના અંગે લોકોને ચેતવણી જારી કરી છે. ભારતમાંથી ભાગી છૂટ્યા બાદ ગોલ્ડી બ્રાર, લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ અને રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા બિશ્નોઈની હરીફ ગેંગે અમેરિકાના જુદા જુદા શહેરોમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ, હોટેલ માલિકો અને અમેરિકામાં રહેતા પ્રખ્યાત લોકો પાસેથી વસૂલાત કરવામાં આવી રહી છે.

અમેરિકાના સેક્રેમેન્ટો શહેરના એફબીઆઈ યુનિટે પોતાની અપીલમાં કોઈપણ ગેંગ કે ગેંગ સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો નથી. એફબીઆઈએ કહ્યું કે, "અમને માહિતી મળી છે કે શહેરમાં એક મોટું ખંડણી રેકેટ ચાલી રહ્યું છે, જે ભારતીય મૂળના લોકોને ધમકી આપીને મોટી રકમ પડાવી રહ્યું છે. પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે અને ઘણી જગ્યાએ ગોળીઓ પણ ચલાવવામાં આવી છે." એફબીઆઈએ હેલ્પલાઇન નંબર જારી કરીને ત્યાં રહેતા ભારતીય મૂળના તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ શક્ય એટલા આવા કેસો વિશે પોલીસને જાણ કરે.

જોકે અહીં પ્રશ્ન એ છે કે શું માત્ર ડેટા એકઠો કરવાથી એશિયન અમેરિકનોને માનસિક રીતે તોડી નાખતી આ સમસ્યાનો અંત આવી જશે? આના જવાબમાં એક હિન્દુ સંગઠનના નેતા કહે છે કે, "ના, અમે તેની સામે લડત ચલાવીશું." મહત્વની વાત એ છે કે લડત ચલાવવાના હિમાયતીઓ માત્ર આ બે જણા નથી, તેમના જેવા સેંકડો લોકો પોતાના હકો માટે લડી લેવાના મૂડમાં છે. તેઓ તીવ્ર દ્વેષભાવના વધતા જતા કિસ્સાઓ સામે કડક કાયદો અને તેના અપરાધીઓ સામે સખત પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

તેમણે ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં જ 'મેક અસ વિઝિબલ NJ' સંસ્થાની રચના કરી છે. બે પેરન્ટ્સ અને એક ટીચરે શરૂ કરેલી આ સંસ્થામાં હવે ઘણા લોકો જોડાયા છે. તેઓ કહે છે કે, અમે ભેદભાવ કરવાને બદલે હળીમળીને રહેવાની હિમાયત કરીએ છીએ. આ સંસ્થા સાથે સંકળાયેલા ઈલોન્ગોવાન કહે છે કે, "મારો જન્મ જ અહીં થયો છે. આ જ મારું વતન છે. એ વાત કેટલી દુઃખદાયક છે કે ઘણા લોકો અહીં પાંચ-પાંચ પેઢીઓથી રહે છે, આમ છતાં તેમની સાથે પરદેશીઓ જેવું વર્તન કરવામાં આવે છે, અને તે પણ માત્ર તેમના દેખાવને કારણે! હું ઈચ્છું છું કે મારા સંતાનો અહીં સલામતી અનુભવે. આ જ તેમનું ઘર છે."

છેલ્લા ત્રણેક વર્ષમાં ન્યૂ જર્સીમાં એશિયન અમેરિકનો પ્રત્યે વધી રહેલી નફરતની ઘટનાઓનું કારણ અહીંની વસતિમાં આવેલો બદલાવ છે. તાજેતરની વસતિ ગણતરીમાં જણાયું હતું કે આ રાજ્યમાં હવે એશિયન અમેરિકનોની વસતિ ૧૧ ટકા જેટલી છે. જર્સી શહેરમાં તો આ વસતિ ૨૮ ટકા જેટલી થવા જાય છે. અને હવે આ લોકોને તેમના પાઠ્યક્રમમાં સ્થાન મળે તો જ આગામી પેઢી હેટ ક્રાઇમ સામે લડત ચલાવી શકશે. 'મેક અસ વિઝિબલ NJ' સાથે સંકળાયેલાં શિક્ષિકા સીમા કુમાર કહે છે કે, "મારી શાળા જે જિલ્લામાં આવેલી છે ત્યાં લઘુમતીમાં રહેતા વિદ્યાર્થીઓ સૌથી વધુ સંખ્યામાં છે. આમ વિદ્યાર્થીઓની ડેમોગ્રાફી જે રીતે બદલાઈ રહી છે તે જોતાં પાઠ્યક્રમમાં બદલાવ લાવવો જરૂરી છે, જેથી અહીં કયા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે તેની જાણ અને અસર પણ થાય."

આ સમાચાર શેર કરો