Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : 10th Pass 25 Life Mantras of Dhirubhai Ambani, Who Reshaped Business in India and the World

10મું પાસ ધીરુભાઈ અંબાણીના 25 જીવનમંત્ર, જેમણે ભારત અને વિશ્વના વ્યાપારને નવી દિશા આપી

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
10મું પાસ ધીરુભાઈ અંબાણીના 25 જીવનમંત્ર, જેમણે ભારત અને વિશ્વના વ્યાપારને નવી દિશા આપી
સોર્સ : gstv

કૌશિક કુમાર દીક્ષિત

App Store

'૧૦મું પાસ' ધીરુભાઈ એક અચ્છા શિક્ષક-પ્રખર વિચારક અને મોટા ગજાના તત્વચિંતક પણ હતા!

વીસ લાખ કરોડ (20 Trillion) રૂપિયાનું માર્કેટ કેપ પાર કરનારી ભારતની સર્વ પ્રથમ અને હાલ તો એક માત્ર કંપની એટલે, ધીરુભાઈની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ!

આપણે માત્ર ભારતના જ નહિ પણ વિશ્વભરના સમસ્ત વ્યાપાર-વિશ્વને બે સ્પષ્ટ ભાગોમાં વહેંચી શકીએ છીએ…એક, સ્વ. ધીરુભાઈ અંબાણી વ્યાપારમાં પ્રવેશ્યા તે પહેલાંનું વ્યાપાર-વિશ્વ અને બીજું…ધીરુભાઈ વ્યાપારમાં પ્રવેશ્યા તે પછીનું વ્યાપાર-વિશ્વ ! ધીરુભાઈએ વ્યાપાર-વિશ્વને સીધી-આડકતરી રીતે જે પણ શીખવ્યું અથવા એમ કહો કે, વ્યાપાર-વિશ્વ ધીરુભાઈ પાસેથી જે પણ પાઠ સીધી-આડકતરી રીતે શીખતું ગયું તે તે જગત કદાપિ ભૂલી શકશે નહિ.

ભલે, પોતે દશમું પાસ હતા પણ…એમનું દિમાગ જ્યાં દોડે ત્યાં ભલભલા સ્કોલરોનું પણ દિમાગ પહોચી નહિ શકે ! પોતે પાંચ ફૂટ ને છ ઇંચ હાઈટ ધરાવતા (અને, વજન લગભગ ૮૦ કિલો જેટલું રહેતું !) પરંતુ, એ કાયાની અંદર વહેતી ઊર્જા સાથે એમની કાયાનો કશો મેળ નહિ. ધીરુભાઈના પિતાજી (હીરાચંદ ગોરધનભાઈ) ગામડાગામમાં શિક્ષક હતા પણ, એ શિક્ષકનો દીકરો ઝાઝું ભણ્યો નહિ ! ધીરુભાઈના પિતાજી ગુજરી ગયા ત્યારે ધીરુભાઈ માંડ વીસેક વરસના હોતા. પિતાજીના અવસાન બાદ ત્રણેક વર્ષે કોકિલાબહેન જોડે ધીરુભાઈ પરણ્યા. ધીરુભાઈને સફેદ રંગ ખૂબ પ્રિય હતો અને, જીવનનો વધુમાં વધુ સમય તેમણે સફેદ રંગનાં કપડાં પહેરીને જ ગુજાર્યો હતો. જો,કે ધીરુભાઈનાં ધર્મપત્ની કોકિલાબહેનનો પ્રિય રંગ ગુલાબી!

ધીરુભાઈ તા.૦૬-૦૭-૨૦૦૨ના રોજ ૬૯ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા…આમ, આવતીકાલ તા. ૦૬-૦૭-૨૦૨૬થી વિશ્વનું વ્યાપાર-જગત ધીરુભાઈ વગર ૨૪ વરસ પૂરાં કરી પચીસમા વરસમાં પ્રવેશ કરી રહ્યું છે…! જો, ધીરુભાઈ મૃત્યુ નહિ પામ્યા હોત અને હજુ જીવી રહ્યા હોત તો વેપારનું વિશ્વ અને વિશ્વનો વેપાર આજે કયા મૂકામ પર હોત તેની કલ્પના પણ કરવી અશક્ય છે. કદાચ, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ધીરુભાઈ જ હોત એવું કહેવામાં જરાય અતિશયોક્તિ થઇ નથી રહી…

ધીરુભાઈ રૂપિયાને હમેશા આડપેદાશ ગણતા અને ગણાવતા…એમની દ્રષ્ટિએ 'કામ પતે' તે જ મુખ્ય વાત ! ધીરુભાઈએ કોઈ પુસ્તક-ચોપડી લખી નથી પણ, ધીરુભાઈ ઉપર ઘણું-ઘણું ઘણા લોકોએ લખ્યું છે ! ધીરુભાઈએ અલગ-અલગ ઠેકાણે અલગ-અલગ સમયે અલગ-અલગ વ્યક્તિઓને જે કંઈ સમજાવ્યું-શીખવ્યું-સંભળાવ્યું તેમાંથી તમને અહિ આજે ૨૫ મુદ્દા જણાવવા છે…વિશ્વભરનું વ્યાપાર-જગત જયારે ધીરુભાઈ વગર પચીસમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે આ ૨૫ મુદ્દા દરેક વાચકને ખૂબ જ ગમશે.

વિચારો પર કોઈનો એકાધિકાર નથી ! : મોટું વિચારો…જલ્દી વિચારો…અને, આગળનું વિચારો ! તમારા વિચારો પર કોઈનો એકાધિકાર નથી.

ધીરુભાઈના કહેવાનો મતલબ છે કે, નાના વિચારોથી મોટી સફળતા મળી શકતી નથી એટલે મગજમાં મોટા વિચારો લાવવા પડે તેમજ વિચારવામાં બહુ વાર નહિ લગાડવી જોઈએ…તમને જે વિચાર આવી શકે છે તે જો તમારા કરતાં પહેલાં બીજાંને આવી ગયો તો તે તમને પછી તે કંઈ જ ખપ નહિ લાગે.

સમય મર્યાદા ! : સમયની મર્યાદામાં કામ પૂરું કરવું પૂરતું નથી, હું સમયની મર્યાદા પૂરી થઇ જાય તે પહેલાં કામ પૂરું થવાની અપેક્ષા રાખું છું…

દુનિયામાં અનેક લોકોને કામો જાણીબુઝીને અટવાવવાની-ઝોલે ચડાવવાની આદત હોય છે. તો, ધીરુભાઈએ એવા લોકો સામે ટકોર કરતાં કોઈ પણ કામ પૂરું કરવા માટે સમયની રાહ જોવાને બદલે તે ઝડપભેર પૂરું કરી લેવા તરફ ધ્યાન આપવા કહ્યું છે. કેમ કે, ઘણી વાર સમયની સીમા ક્યાં પૂરી થઇ જાય તેનો આપણને ખ્યાલ રહેતો નથી હોતો !
ભારત એક મહાન રાષ્ટ્ર ! : જો, આપણે ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવવું હોય તો સહુ પ્રથમ આપણે ભરોસો કરતાં શીખવું પડશે !

ધીરુભાઈનું આ વાક્ય તમામ ભારતીયોની એક સામાન્ય લાક્ષણિકતા તરફ ધ્યાન દોરે છે કે આપણે ભારતીયો એકદમ જલ્દી કોઈ ઉપર વિશ્વાસ નથી મૂકી દેતાં ! ધીરુભાઈના કહેવાનો મતલબ એ છે કે, રાષ્ટ્રે એક મહાન રાષ્ટ્ર બનવા માટે પોતાના નાગરિકોને 'જવાબદાર' બનાવવા પડે…

ના (ર્શ) ! : 'ના ' શબ્દ મારા કાન સાંભળી નથી શકતા…!

ધીરુભાઈ અસંખ્ય વાર એવું કહી ચૂક્યા છે કે શબ્દ 'ના' સૌથી ઘાતક શબ્દ છે-વ્યક્તિએ પોતાનું સામર્થ્ય વધારવું હોય તો 'ના' શબ્દથી દૂર જ રહેવું. દુનિયામાં બધું જ શક્ય છે. કોઈ પણ પ્રકારની નિષ્ફળતાનું પહેલું પગથિયું 'ના' શબ્દ છે. ધીરુભાઈની દ્રષ્ટિએ 'ના' શબ્દ દ્વારા વ્યક્તિની તમામ શક્તિઓ લાચારીની સ્થિતિમાં આવી જાય છે.
સ્વપ્નનું મહત્વ ! : જો, તમે પોતે પોતાનાં સ્વપ્નોનું નિર્માણ નહિ કરશો તો બીજું કોઈક તમારો ઉપયોગ તેના પોતાના સ્વપ્નના નિર્માણ માટે કરશે !

ધીરુભાઈએ કહેલું આ વાક્ય બહુ જ ગહન છે. દરેક વ્યક્તિએ સ્વપ્ન જોવું જોઈએ. જેની પાસે પોતાનાં સ્વપ્ન નથી તેણે અન્યોનાં સ્વપ્ન પૂરાં કરવા પાછળ જાત ઘસવી પડે છે. સ્વપ્ન વિનાનું જીવન જીવન જ નથી એવું ધીરુભાઈ માનતા હતા.
અવસર ! : અવસર તમારી ચારેય બાજુ છે… તમે આ વાત સમજો અને તેનો ફાયદો ઉઠાવો !

અવસર એટલે, દેશી ભાષામાં તક અથવા મોકો ! ઘણા લોકો એમ કહ્યા કરતા હોય છે કે પોતાને જીવનમાં કોઈ તક જ મળી નથી રહી… પણ, ના ! ધીરુભાઈ અલગ જ દિમાગવાળા હતા…પોતાને તક મળી નહિ રહી હોવાની ફરિયાદમાં કશો દમ નથી એવું ધીરુભાઈ સમજતાં હતા. ધીરુભાઈની દ્રષ્ટિએ દરેક વ્યક્તિની આજુબાજુ તેની હેસિયત મુજબની તકો પડેલી જ હોય છે, એ તકોને ઓળખતાં તેણે શીખવાની જરૂરત હોય છે અને ઉભી થઇ રહેલી તકોનો ફાયદો ઉઠાવી લેવાનો હોય છે. ઘણા લોકો તકો માટે ફરિયાદ એટલા માટે કરતા રહે છે કે તેઓને તક ઓળખતાં જ નથી આવડતું તો પછી તેઓ ફાયદો ક્યાંથી ઉઠાવવાના ?!

ઉત્થાનનો પાયો ! : આપણા ઉત્થાનનો પાયો નાખવા માટે આપણા ભૂતકાળ-વર્તમાન અને ભવિષ્ય વચ્ચે પારસ્પરિક સંબંધ હોવો જરૂરી છે.

જો, વ્યક્તિ વર્તમાનમાં પોતાના ભૂતકાળ સાથે જોડાયેલ નહિ રહે તો તે પોતાનું ભવિષ્ય બનાવી શકતો નથી. ધીરુભાઈએ આ પોતાના વાક્ય દ્વારા શેખચલ્લી બનીને આંધળી દોટ નહિ મૂકવાની સલાહ આપી છે. ભૂતકાળ-વર્તમાન-ભવિષ્ય વચ્ચે પારસ્પરિક સંબંધનો અર્થ એવો થાય કે વ્યક્તિ જમીન સાથે જોડાયેલો હોવો જોઈએ અને તે વાસ્તવિકતામાં જીવી રહ્યો હોય તો જ તેનું ઉત્થાન શક્ય છે.

આપણા શાસકો ! : આપણે આપણા શાસકોને બદલી નથી શકવાનાં પરંતુ, જે 'રીતે' તેઓ આપણી ઉપર શાસન કરી રહ્યાં છે તે 'રીત'ને જરૂર બદલી શકીએ છીએ.

શાસકોનો સૌથી વધુ ફાયદો કોઈ ઉદ્યોગપતિએ ઉઠાવ્યો હોય તો તે બેશક ધીરુભાઈ અંબાણી જ ! આપણા શાસકો બદલવાની એક લાંબી પ્રક્રિયા લોકશાહીમાં નક્કી થયેલી છે. એ પ્રક્રિયા સરળ નથી પણ, બહુ જ જટિલ છે. એટલે શાસક રાતોરાત બદલી કાઢીએ તેવું વિચારવાનો કોઈ અર્થ નથી. પણ, ધીરુભાઈનું કહેવું હતું કે જે-તે શાસકની શાસન કરવાની રીત એટલે કે તેની રીતિનીતિમતિ વગેરે આપણે જરૂર બદલી શકીએ. શાસકો સાથે ઘર્ષણમાં ઉતરવાને બદલે તેઓ સાથે સંવાદિતા સાધવા તરફ ધીરુભાઈએ ઈશારો કર્યો છે.

કોઈ પણ પ્રકારનું લક્ષ્ય ! : કોઈ પણ પ્રકારનું લક્ષ્ય આપણી પહોંચની અંદર જ હોય છે, તે હવામાં નથી હોતું. કોઈ પણ પ્રકારનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે.
ધીરુભાઈ ખૂબ જ આશાવાદી અને સાથે પ્રયાસશીલ વ્યક્તિ હતા. ઘણા લોકો એમ માનતા હોય છે કે, અમુક લક્ષ્ય રાખવાનાં જ નહિ હોય કેમ કે તે સિદ્ધ થઇ શકવાનાં જ નથી હોતાં ! પણ, અતિશય આશાવાદી ધીરુભાઈ લક્ષ્ય માત્ર માટે એવું સમજતાં અને સમજાવતા કે લક્ષ્ય સિદ્ધ થવા માટે જ બન્યું હોય છે એટલે તે સિદ્ધ થવા વિષે સંદેહ કરવો નકામો છે.

વિકાસ વિષે ! : વિકાસ ઊર્જા છે- વિકાસ મૂલ્યવાન છે- વિકાસ આનંદ છે અને વિકાસ જ જીવન છે !

ધીરુભાઈએ વિકાસને કેટલો બધો મૂલ્યવાન ગણાવ્યો છે તે જુઓ ! વિકાસને ઊર્જાનો પર્યાય કહ્યો, વિકાસને આનંદનો પર્યાય કહ્યો, વિકાસને જીવનનો પર્યાય કહ્યો એટલું જ નહિ વિકાસને મૂલ્યવાન કહ્યો. જો, તમારો વિકાસ થાય નહિ અથવા તે રૃંધાઇ જાય તો કેટકેટલું ઓછું થઇ જાય છે તે જોયું?!

ફાયદાનું સત્ય ! : ફાયદો કરવા માટે કોઈના નિમંત્રણની જરૂરત નથી હોતી!
ધીરુભાઈના માટે દરેક જણને પોતાનો ફાયદો દેખાઈ રહેલો હોવો જોઈએ અને ફાયદો દેખાય કે તરત તે ઉઠાવી લેવાની ઈચ્છા તેને થવી જોઈએ-તે ઉઠાવી લેવાની કોશિશ તેણે કરવી જ જોઈએ. કોઈ આવીને કહે કે, આ તારો ફાયદો ઉઠાવી લે…તો, એવા નિમંત્રણની રાહ નથી જોવાની હોતી.

ઉદ્યમશીલતા અને જોખમ ! : સાચી ઉદ્યમશીલતા જોખમ લેવાથી જ આવી શકે છે.
-ઉદ્યમશીલતા એટલે ઉદ્યમ નહિ. ઉદ્યમશીલતા એટલે સ્વભાવમાં જે ઉદ્યમનું તત્વ સતત રહ્યા કરતું હોય તે ! ધીરુભાઈના વિચારો મુજબ ઉદ્યમ કરતાં વધુ અગત્યની હોય છે, ઉદ્યમશીલતા ! વ્યક્તિ ઉદ્યમી હોવી જોઈએ. અને, જયારે કોઈ વ્યક્તિ કોઈ પ્રકારનું જોખમ ઉઠાવે છે ત્યારે તે આપોઆપ ઉદ્યમી બની જવા લાગે છે.

ગરીબી માટે ! : જો, તમે ગરીબ વ્યક્તિ તરીકે જ જન્મ્યા છો તો તેમાં તમારી કશી ભૂલ નથી. પણ, જો તમે ગરીબ વ્યક્તિ તરીકે મરી જાઓ તો તે તમારી ભૂલ ગણાય.
ભલે ગરીબ ઘરમાં જન્મ થયો પરંતુ જીવન એવી રીતે જીવવું જોઈએ કે ગરીબી દૂર થાય, એમ ધીરુભાઈએ કહ્યું છે. ધીરુભાઈ દરેક જણને પોતાની ગરીબી દૂર કરવાનો સંદેશ આપતા ગયા છે. વ્યક્તિ જો, પોતાની ગરીબી દૂર નહિ કરે તો તેની ભૂલ છે.
વધવાની સીમા ! : કોઈ પણ ચીજના વધવાની કોઈ સીમા હોતી નથી.

ધીરુભાઈનું આ વાક્ય સમજવું જીવનમાં સુખદાયક અને દુ:ખદાયક એમ બંને પરિસ્થિતિઓમાં ખૂબ કામનું છે. એક વાત નક્કી છે ધીરુભાઈ કહે છે તેમ…કે, કોઈ પણ ચીજની કોઈ સીમા નથી. કોઈ પણ ચીજ આગળ જઈને અસીમિત બની રહી શકે છે. માટે જ, અનુકળ હોય તેને તેના ચરમબિંદુ સુધી પહોંચાડવાના પ્રયાસો જરૂરી છે તથા જે પ્રતિકૂળ હોય તેને વિષે તે ખૂબ વધી શકે છે તેવી સમજ સાથે તેને તત્કાલ રોકવાની કોશિશો અપેક્ષિત છે.

લોકોનું દિમાગ ! : લોકોના દિમાગને જાણવું એ જ મારી સફળતાનું રહસ્ય છે.
ઘણી વાર લોકો ધીરુભાઈને પૂછતા કે તમે આવી મહાન સફળતાઓ કઈ રીતે હાસલ કરી ? લોકો સામાન્ય રીતે, બીજાના મગજમાં-મનમાં શું ચાલી રહ્યું છે તે તરફ બેદરકાર રહે છે. પણ, આ એક પ્રકારની નબળાઈ છે. બીજાના મન-મગજમાં શું-શું ચાલી રહ્યું છે તે જો તમારી સમજમાં બરાબર આવી જાય તો તમે બીજાને જીતવામાં સફળ નીવડી શકો છો. કોઈને પણ જીતવાની ઈચ્છા તમને જન્મે તો તરત જ તમારે તેના દિમાગ સુધી પહોંચી જવું પડે…સફળતા અચૂક મળે છે.

પ્રતિજ્ઞા માટે પ્રવેશ ? : કોઈ પણ પ્રકારની પ્રતિજ્ઞા માટે પ્રવેશની અનુમતિ જેવું કશું હોવું નહિ જોઈએ!

માણસ જયારે કોઈ પ્રકારની પ્રતિજ્ઞા લે છે ત્યારે તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પ્રયત્નો પણ આરંભી દે છે. ઘણી વાર માણસ પ્રતિજ્ઞા જ નહિ લે, તો ? ધીરુભાઈ એવી વ્યક્તિઓને સતર્ક કરે છે કે પ્રતિજ્ઞા તો વ્યક્તિએ જાતે જ લઇ લેવાની હોય અને એમાં કંઈ કોઈને પૂછવાનું કે કોઈની મંજૂરી ઓછી લેવાની હોય ? કોઈ પણ વ્યક્તિ માટે પ્રતિજ્ઞા તેની એકલાની હોવી જોઈએ અને તેમાં બીજા કોઈની ભૂમિકા હોવી નહિ જોઈએ.

બર્મા શેલ કંપની ? : બર્મા શેલ જેવી કંપની સ્થાપવાનું મારું સપનું છે!

બર્મા ઓઈલ કંપની અને રોયલ ડચ/શેલ ગુ્રપ એ બે કંપનીઓએ સંયુક્ત સાહસ તરીકે બર્મા શેલ કંપની બનાવી હતી. એ ૧૯૨૮માં ભારતમાં સ્થપાયેલી બર્મા શેલ કંપની છેવટે બીએપીસીએલ (ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડ)માં પરિવર્તિત થઇ ગઈ. જયારે ધીરુભાઈએ બર્મા શેલ જેવી કંપની સ્થાપવાનું સ્વપ્ન સેવ્યું ત્યારે તેઓની કોઈ હસ્તી નહોતી…આજે ધીરુભાઈના રિલાયન્સ ગુ્રપ આગળ બર્મા શેલ કંપની(અત્યારે બીપીસીએલ)ની કોઈ હેસિયત ખરી ? પોતાના સ્વપ્નથી કેટલા બધા આગળ નીકળી ગયા ધીરુભાઈ !!!

કૂતરાં સાથે કેવી રીતે રહેવું ? : ખાવાવાળા કૂતરાંને તમે જો પત્થર મારશો તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી નહિ શકશો. સારું એ છે કે, તમે કૂતરાંને બિસ્કીટ નાખો અને તેને આગળ ખેંચી જાઓ…

-ધીરુભાઈએ અહિ કૂતરાં કોને કહ્યા છે-ગણ્યા છે તે ખબર નહિ પરંતુ, આપણે એમના આ શબ્દોનો એવો અર્થ કાઢી શકીએ છીએ કે…જેમનો તમને ડર હોય તેમની સામે થવાથી અથવા તેમની સાથે લડવાથી કામો નહિ બને ! તમારે તેમને કોઈ લાલચમાં નાખીને આગળ નીકળતાં જવું જોઈએ-રસ્તો કાઢતાં જવું જોઈએ.

કામ પ્રત્યે પ્રેમ ! : હું કામ કરવાનું કદાપિ નહિ છોડીશ. હું મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ. મારો સન્યાસ હું મારા દાહ-સંસ્કારના મેદાન ઉપર જ લઈશ.
શબ્દો થોડા વધુ પડતા લાગે તેવા છે…ધીરુભાઈની આ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. તેઓ લાંબા સમય સુધી બીમાર રહેલા અને જીવનનાં અંતિમ વર્ષોમાં તેઓ કામો કરવાની સ્થિતિમાં નહોતા રહ્યા. પણ, વ્યક્તિનો જુસ્સો જુઓ ! આજકાલ નાની ઉંમરમાં નિવૃત્તિ લઇ લેવા માગતી વ્યક્તિઓએ ધીરુભાઈના આ શબ્દો જીવનમાં ઉતારવા જેવા છે.

રિલાયન્સ વિષે ! : કોઈ પણ સમસ્યા હોય, રિલાયન્સ મારા વગર પણ ચાલી શકે છે.
કોઈ પણ પેઢી-કંપનીના માલિકને એવું ગુમાન હોય છે-ગરુર હોય છે કે તેના વગર કંપનીમાં અંધેર રહેશે અને પોતે નહિ હોય તો, કંપનીનું તંત્ર ઠપ્પ થઇ જશે. પણ, આ ધીરુભાઈ નામે મહારથી શું કહી ગયા તે જુઓ ! સામાન્ય સંજોગોમાં નહિ પણ, સમસ્યાઓ હોય તેવા સંજોગોમાં પણ રિલાયન્સ તેમના વગર ચાલતી રહેશે ! પોતાના વગર પણ ચાલી શકે તેવી તૈયારી સાથે કંપની બનાવવી તે વાસ્તવમાં એક બહુ મોટી સિદ્ધિ ગણાય.

ભારત દેશ વિષે ! : મને એ વાત પર સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારત પાસે દુનિયા સામે લડવાની તાકાત છે.

આ શબ્દો તેઓએ ક્યારે ઉચ્ચાર્યા તે ખબર નહિ પણ ઘણા સમય પહેલાં ઉચ્ચારવામાં આવેલા આ શબ્દો છે. ધીરુભાઈ પૂર્વે અન્ય કોઈ પણ ભારતીય વ્યાપારી-ઉદ્યોગપતિએ દેશ વિષે આટલો મોટો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હોય તેવું તમારા ધ્યાનમાં છે ?
ટેક્સ એટલે કે, વેરા ! : ટેક્સ એટલે કે, કર વેરા હમેશા ગરીબ અને બેવકૂફ લોકો માટે હોય છે…!

-ધીરુભાઈએ એ શબ્દો દ્વારા સરકારનો ઉધડો લીધો કે પ્રજાનો તે સમજવું બહુ મુશ્કેલ છે. આપણને ધીરુભાઈના આ શબ્દો વાંચીને મનમાં એમ થઇ શકે કે …ધીરુભાઈ, શું ભરવા પાત્ર ટેક્સ ભરતા નહિ હોય ?! કરવેરા વગર દેશની સરકાર કઈ રીતે ચાલે ?! જેઓ ગરીબ નથી-જેઓ બેવકૂફ નથી તેઓ શું સરકારોને ટેક્સ નહિ ભરતા હોય ?!
કોશિશ પણ, તે કેવી ! : દિમાગથી પણ આગળ રમવાની કોશિશો કરો…આવતીકાલથી પણ આગળ વધી જવાની કોશિશો કરો…!

ધીરુભાઈ દિમાગ ચાલે છે ત્યાં અટકી જવાને બદલે દિમાગથી પણ આગળ ક્રિયા-કલાપ કરતાં રહેવાનાં હિમાયતી હતા. દરેકને પોતાનું દિમાગ દોડી રહ્યું હોય છે, ધીરુભાઈએ કહ્યું કે દિમાગ શું ચીજ છે-દિમાગ દોડે છે તેનાથી પણ આગળ જઈ રમવા લાગો ! આવતીકાલ એ તો સાવ ટૂંકું ભવિષ્ય છે-ધીરુભાઈએ લાંબુ ભવિષ્ય ઘડવાનું કહ્યું.
પૂજા-પાઠ ને ધાર્મિકતા ! : હું આર્યસમાજના વાતાવરણમાં મોટો થયો છું, મને રીત-રિવાજશૂન્ય ધાર્મિકતા શીખવાડવામાં આવેલી છે. પૂજા કરવી જોઈએ પણ, તે સહજ-સરળ અને સંક્ષિપ્ત હોવી જોઈએ.

ધીરુભાઈ સહિત એમનું આખું કુટુંબ ધામક મનોવૃત્તિવાળું ખરું પરંતુ, પૂજા-પાઠ કરતાં પૂજા-પાઠના હાર્દ સુધી પહોંચવામાં વધુ માનતા. તેઓ એમ કહેતા કે, કોઈ પણ પૂજા અઘરી નહિ લાગે તેવી હોવી જોઈએ !

પડતર કિંમત ! : મારી પ્રતિબદ્ધતા સહુથી ઓછી કિંમતે સર્વોત્તમ ગુણવત્તા પેદા કરવા માટે છે.

લોકો સામાન્ય રીતે મોંઘી દાટ વસ્તુઓનો આગ્રહ રાખે છે. પોતાની કોઈ પ્રોડક્ટ માટે અનેક વાર નિર્માતા એમ બોલતાં રહે છે કે… અમે પ્રોડક્ટમાં અમુક મોંઘી-મોંઘી ચીજવસ્તુઓ મેળવી છે ! ધીરુભાઈ આ પ્રણાલિની વિરુધ્ધ હતા. તેઓએ હમેશા ઓછી પડતરે સર્વોચ્ચ પ્રોડક્ટ તૈયાર કરવા તરફ ધ્યાન આપ્યું અને અન્યોને પણ એવી જ સલાહ આપી. કોઈ પણ ઔદ્યોગિક એકમની પહેલી ફરજ એ જ હોવી જોઈએ કે પ્રોડક્ટની પડતર કિંમત ઓછામાં ઓછી (સહુથી નીચી) હોય!

ધીરુભાઈએ અનેક વિષયો પર અનેક વાતો કહી છે…તેમણે શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી હતી. તેઓ ઝીરોમાંથી હીરો બન્યા હતા. તમને આ સિવાય પણ, ધીરુભાઈએ કહેલું-લખેલું-જણાવેલું-જાહેર કરેલું કૈંક વાંચવા મળે તો તે સમજવાનું ચૂકી નહિ જશો ! ધીરુભાઈના શબ્દોમાંથી તમારે તમારી રીતે અમુક ગુરુચાવીઓ શોધી લેવાની !!!