સોનુ નિગમનું અદભુત સમર્પણ! અસહ્ય પીડામાં હોવા છતાં પણ કોન્સર્ટ રદ કરવાનો વિચાર ન આવ્યો

લાગલગાટ ત્રણ સપ્તાહ સુધી ચેતાતંતુને લગતી અસહ્ય પીડામાંથી પસાર થનાર ગાયક સોનુ નિગમની સ્થિતિ ઘણા અંશે સુધરતા તેણે અને એના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે નર્વને લગતી આ પીડા શરૂ થઈ ત્યારે સોનુ દિલ્હીમાં હતો. ગાયક કહે છે કે ચેતાતંતુની આ મુશ્કેલીએ મને તીવ્ર વેદનામાં ધકેલી દીધો હતો. હું સહેજ હલી સુધ્ધાં નહોતો શકતો. ૨૦ દિવસ સુધી તો મારી હાલત અત્યંત ખરાબ રહી. મને લાગે છે કે આ ઉપાધિ ખોટી રીતે વર્કઆઉટ થઈ જતાં કે પછી લાંબા કલાકો સુધી એક જ સ્થિતિમાં સૂઈ રહેવાને કારણે આવી પડી. હું સહેજ માથું હલાવું તોય મને તીવ્ર દર્દ થતું હતું.
ગાયક વધુમાં કહે છે કે તબીબોએ પ્રારંભિક તબક્કે મને દર્દશામક ગોળીઓ લેવાનું કહ્યું હતું. પરંતુ હું જાણતો હતો કે માત્ર દવાઓ લેવી પૂરતી નથી. તેથી મેં થોડાં દિવસ પેઈન કિલર્સ લીધી, પણ માત્ર તેના પર આધાર રાખવાનું મુનાસિબ ન માન્યું. હું એક પારિતોષિક સમારોહ માટે દિલ્હી આવ્યો હતો પણ કશું કરી શકવાની સ્થિતિમાં નહોતો. છેવટે ફિલ્મ સર્જક પંકજ પરાશરે એક સારા ડોક્ટર સાથે મારો સંપર્ક કરાવ્યો. મેં તેમની સાથે ફિઝિયોથેરપી કરવાનું શરૂ કર્યું. તેઓ દિવસમાં બે વખત મને અઢી અઢી કલાક થેરપી કરાવતાં, જેને કારણે હું પથારીમાંથી ઊભો થઈ શક્યો.
સોનુ ઉમેરે છે કે હું અસહ્ય પીડામાંથી પસાર થઈ રહ્યો હતો તોય મને એકેય વખત મારા કોન્સર્ટમાં પરફોર્મ ન કરવાનો વિચાર નહોતો આવ્યો. વાસ્તવમાં અમારું કામ એવું છે કે તે અમારા બદલે બીજું કોઈ કરી જ ન શકે. મારા સ્થાને મંચ પર અન્ય કોઈ ગાયક જઈને ગાઈ ન શકે. શારીરિક વ્યાધિને પગલે કોન્સર્ટ રદ કરવાનો વિકલ્પ પસંદ કરવાનો પ્રશ્ન જ ઊભો નહોતો થતો. અગાઉ પણ મેં ક્યારેય આવું પગલું નથી ભર્યું. એક વખત તો બીમારીને પગલે મારા અવાજને અસર થઈ હતી તોય મેં ગાવાનું માંડી નહોતું વાળ્યું.
હકીકતમાં દાયકાઓની તાલીમ અને શિસ્તબધ્ધ જીવનશૈલીને કારણે સોનુ પોતાની પીડાને જલદી મ્હાત આપી શક્યો હતો. ગાયક કહે છે કે જો તમે પૂરતી પ્રેક્ટિસ કરી હોય તો મુશ્કેલીમાં વત્તાઓછા અંશે રાહત મળી શકે અથવા તમે સંકટને થોડું દૂર ઠેલી શકો. પરંતુ તેમાંથી ઝાઝો છૂટકારો ન પામી શકો. તે જાતઅનુભવે કહે છે કે હું સ્ટેજ પર ગયો ત્યારે મને મનમાં એવો ડર હતો કે મારો અવાજ બરાબર નહીં નીકળે. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે મારો સ્વર એકદમ સરસ રહ્યો હતો.
અહીં એ વાતની નોંધ લેવી રહી કે સોનુએ પરફોર્મ કર્યા પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને તેના પ્રશંસકોને જણાવ્યું હતું કે તેણે કેટલી પીડામાં સ્ટેજ પર કાર્યક્રમ આપ્યો હતો. આ વીડિયો જોઈને તેના ચાહકોએ હૃદયના ઊંડાણથી ચિંતા વ્યક્ત કરી હતી. પોતાના પ્રશંસકોનો આવો પ્રતિભાવ જોઈને સોનુ ભાવવિભોર થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે આ જ મારી સૌથી મોટી કમાણી છે.

