જોવું છે સ્વર્ગ જેવું સુંદર દ્રશ્ય? જીવનમાં એકવાર નેપાળના આ સુંદર સ્થળોની ચોક્કસ લો મુલાકાત

જો તમે ઓછા ખર્ચમાં વિદેશ પ્રવાસનો આનંદ માણવા માંગતા હોવ અને સ્વર્ગ જેવો સુંદર નજારો જોવા માંગતા હોવ, તો ભારતનો પડોશી દેશ નેપાળ તમારા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. નેપાળ પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ, પ્રાચીન મંદિરો અને હિમાલયના ખોળામાં વસેલા પ્રાકૃતિક નજારાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંની આબોહવા અને શાંતિ પ્રવાસીઓનું મન મોહી લે છે. જો તમે જીવનમાં ઓછામાં ઓછું એકવાર સ્વર્ગનો અનુભવ કરવા માંગતા હોવ, તો નેપાળના આ સુંદર સ્થળોને તમારી ટ્રાવેલ લિસ્ટમાં ચોક્કસપણે સામેલ કરો. નેપાળની સુંદરતા અને વાતાવરણ તમારું મન મોહી લેશે.
પોખરા
પોખરાને નેપાળની પ્રવાસન રાજધાની કહેવામાં આવે છે. આ શહેર ફેવા તળાવના કિનારે વસેલું છે, જ્યાં બોટિંગ કરતી વખતે પાણીમાં અન્નપૂર્ણા પર્વતમાળાનું પ્રતિબિંબ જોવું એ એક અદભુત અનુભવ આપે છે. અહીં તમે સારંગકોટ પરથી સૂર્યોદયનો અદ્ભુત નજારો જોઈ શકો છો. આ સિવાય અહીં તમે ડેવિસ ફોલ્સ અને વર્લ્ડ પીસ પેગોડાનો આનંદ લઈ શકો છો. તો વળી એડવેન્ચર પ્રેમીઓ અહીં પેરાગ્લાઈડિંગ, ઝિપ-લાઈનિંગ અને બંજી જમ્પિંગ કરી શકે છે.
કાઠમંડુ
નેપાળની રાજધાની કાઠમંડુ પ્રાચીન ઇતિહાસ, સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનું અનોખું મિશ્રણ છે. અહીંનો ઐતિહાસિક દરબાર સ્ક્વેર અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો તમે પશુપતિનાથ મંદિર, બૌદ્ધનાથ સ્તૂપ અને સ્વયંભૂનાથ ફરી શકો છો. અહીંના સ્થાનિક બજારોમાંથી તમે પરંપરાગત નેપાળી હસ્તકળા અને હેન્ડીક્રાફ્ટની ખરીદી કરી શકો છો.
ચિતવન નેશનલ પાર્ક
જો તમને પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યે પ્રેમ હોય, તો ચિતવન નેશનલ પાર્કની મુલાકાત તમારા માટે એકદમ પરફેક્ટ છે. આ નેપાળનો પહેલો રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ગેંડા અને બંગાળ ટાઈગર માટે જાણીતો છે. અહીં તમે જંગલ સફારી, હાથીની સવારી અને રાપ્તી નદીમાં કેનોઈંગ (હોડી સવારી) કરી શકો છો.
લુમ્બિની
ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની વિશ્વભરના બૌદ્ધ અનુયાયીઓ માટે એક પવિત્ર તીર્થસ્થળ છે. અહીં આવીને જે શાંતિ મળે છે, તેવી દુનિયામાં ક્યાંય મળવી મુશ્કેલ છે. અહીં તમે માયા દેવી મંદિર, પવિત્ર પુષ્કરિણી તળાવ અને વિશ્વભરના દેશો દ્વારા બનાવવામાં આવેલા સુંદર બૌદ્ધ મઠો એક્સપ્લોર કરી શકો છો.

