સંભવ જૈન આત્મહત્યા કેસ: પુરુષો પાસેથી સમાજ હંમેશા મજબૂત રહેવાની જ અપેક્ષા કેમ રાખે છે?

પુરુષ પણ માણસ છે, મશીન નહીં
હાલમાં જ નોઈડાની સુપરનોવા બિલ્ડિંગ પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવનારા સોફ્ટવેર એન્જિનિયર સંભવ જૈનની કહાનીને માત્ર એક આત્મહત્યાના સમાચાર માનીને આગળ વધી જવું સરળ છે. પરંતુ પરિવાર અને પોલીસની પ્રાથમિક માહિતી સામે આવ્યા બાદ આ મામલો ઘણા એવા સવાલો ઊભા કરે છે, જેના પર સમાજે રોકાઈને વિચારવું જોઈએ. એક પિતા, જેના ખોળામાં થોડા સમય પહેલાં જ બાળક આવ્યું હતું, તેની સામે બાળકની ગંભીર બીમારીનો લાખો રૂપિયાનો ખર્ચ હતો. બીજી તરફ દેવું, પોતાના સ્વાસ્થ્યને લઈને પરેશાની અને તૂટતો લગ્ન સંબંધ. એટલે કે જીવનના અસંખ્ય મોરચા એકસાથે ખુલી ગયા હતા.
પરિવારના જણાવ્યા મુજબ, સંભવના પુત્રનો જન્મ સમય કરતાં પહેલાં થયો હતો અને તેને લાંબા સમય સુધી સારવારની જરૂર પડી. બાળકની સારવારમાં લગભગ 40 લાખ રૂપિયા ખર્ચ થયા હોવાની વાત સામે આવી છે. બાળકની સારવારનો ખર્ચ હજુ પણ ચાલી રહ્યો હતો. આ સાથે જ સંભવના લગ્ન જીવનમાં પણ તણાવ હતો.
શું હતો સમગ્ર મામલો
મીડિયા રિપોર્ટ્સ અને નોઈડાના થાણા સેક્ટર-126ના ઈન્ચાર્જ સુમનેશ કુમાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સંભવ જૈન લાંબા સમયથી ભારે માનસિક તણાવ એટલે કે ડિપ્રેશનમાં હતો. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી કે તેના લગ્ન વર્ષ 2024માં થયા હતા અને 2025માં તેના ઘરે પુત્રનો જન્મ થયો. પરંતુ ખુશીઓની આ કિલકારી ઝાઝો સમય ટકી શકી નહીં, કારણ કે બાળક પ્રીમેચ્યોર (સમય કરતાં પહેલાં) જન્મ્યું હતું.
સમય કરતાં પહેલાં જન્મ લેવાના કારણે તે માસૂમ બાળકને લાંબા સમય સુધી આઈસીયુ (ICU) અને મેડિકલ દેખરેખની જરૂર પડી. પરિવારના જણાવ્યા અનુસાર, બાળકની સારવારમાં અત્યાર સુધીમાં લગભગ 40 લાખ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા હતા અને આગળની સારવાર પણ ચાલુ હતી. એક પિતા માટે પોતાના જ કાળજાના કટકાને હોસ્પિટલમાં પીડાતો જોવો અને તેની સારવાર માટે પૈસાની વ્યવસ્થા કરવી, કોઈ પહાડ જેવો બોજ બની ગયો હશે.
મુશ્કેલીઓ અહીં જ પૂરી ન થઈ. બાળકના જન્મના થોડા જ મહિનાઓ પછી સંભવ અને તેની પત્ની વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો. વિવાદ એટલો વધ્યો કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ અને પત્ની તરફથી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે 15 લાખ રૂપિયામાં સેટલમેન્ટની વાત થઈ હતી, જેમાંથી લગભગ 7 લાખ રૂપિયાનો પહેલો હપ્તો સંભવ ચૂકવી દીધા હતા અને આશરે 7.50 લાખ રૂપિયા બાકી હતા.
જોકે, સોશિયલ મીડિયા પર આ કેસને લઈને તમામ પ્રકારની અફવાઓ ઊડી રહી હતી અને 3 કરોડ રૂપિયા સુધીના સેટલમેન્ટનો દાવો કરવામાં આવી રહ્યો હતો. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે આ અફવાઓને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું કે પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ મામલો 15 લાખ રૂપિયાનો જ હતો. આમ છતાં, માથે વધતું દેવું, નોકરીનું દબાણ, બાળકની સારવારનો ભારેખમ ખર્ચ અને તૂટતો સંબંધ—આ બધું ભેગું મળીને સંભવને અંદરથી પૂરી રીતે તોડી ચૂક્યું હતું.
એટલું જ નહીં, સંભવનું વજન લગભગ 140 કિલોગ્રામ હતું, જેના કારણે તેને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓ પણ હતી. શારીરિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, વધતું વજન, સમાજની અપેક્ષાઓ અને ઉપરથી પારિવારિક કંકાસ—આ બધી બાબતોએ તેને ઊંડા ડિપ્રેશનમાં ધકેલો દીધો હતો.
પોતાની જીવનલીલા સંકેલતા પહેલાં જ સંભવ પોતાના પિતા સાથે વોટ્સએપ ચેટ કરી હતી. તે ચેટમાં તેમણે સ્પષ્ટપણે પોતાના ઊંડા ડિપ્રેશન અને જીવનનો અંત લાવવાની વાત કહી હતી. પિતાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, ઘરે પાછા બોલાવવાનો આગ્રહ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. મરતા પહેલાં સંભવે પોતાના મોબાઈલ ફોનમાં એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો, જે આ વાતનો પુરાવો આપે છે કે તે કેવા ઘૂંટોભર્યા વાતાવરણમાં જીવી રહ્યો હતો.
સમાજને એક ગંભીર સવાલ
સંભવ જૈનની આ કહાની આપણા સમાજના એ બેવડા વલણ પર સવાલ ઊભો કરે છે, જ્યાં આપણે અવારનવાર એવું માની લઈએ છીએ કે પુરુષો રડી શકતા નથી, તે નબળા ન હોઈ શકે અને તેના પર કોઈપણ પારિવારિક કે આર્થિક દબાણની કોઈ અસર થતી નથી. આપણા સમાજમાં ‘મર્દને દર્દ નથી થતું’ જેવી જૂની અને પોલાણવાળી માન્યતાઓએ પુરુષોને પોતાની ભીતરની લાગણીઓ વ્યક્ત કરતાં રોકી દીધા છે.
જ્યારે એક મહિલાનો સંબંધ તૂટે છે અથવા તેને કાનૂની અને સામાજિક મદદની જરૂર હોય છે, ત્યારે આપણી પાસે અસંખ્ય પ્લેટફોર્મ અને કાયદાઓ ઉપલબ્ધ છે. પરંતુ જ્યારે એક પુરુષ ભાંગી પડે છે, જ્યારે તે દેવાના ઝાળમાં ફસાય છે, જ્યારે તે પોતાની સંતાનની સારવાર માટે ભટકતો રહે છે અને જ્યારે તેનો વસતો સંસાર ઉજડી જાય છે- ત્યારે તે પોતાનું દર્દ લઈને ક્યાં જાય? શું તેની માનસિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કોઈ કરે છે?
સંભવ જૈનની આ દુઃખદ વિદાય આપણને ઢંઢોળવા માટે પૂરતી છે. આ એ સમય આવી ગયો છે કે આપણે આપણા ઘરોમાં, ઓફિસોમાં અને સંબંધોમાં એ વાતને સમજીએ કે ડિપ્રેશન ગમે તેને થઈ શકે છે- પછી તે સ્ત્રી હોય કે પુરુષ. આપણે એક એવો સંવેદનશીલ સમાજ બનાવવો પડશે જ્યાં પુરુષ કોઈપણ હિચકિચાટ કે ડર વગર ખુલ્લીને પોતાની લાગણીઓ શેર કરી શકે, પોતાની માનસિક નબળાઈ કે લાચારી વ્યક્ત કરી શકે.
જો સમયસર આપણે પોતાના સ્વજનોના બદલાયેલા વર્તન, તેમના તણાવ અને તેમની ખામોશીને વાંચતા નહીં શીખીએ, તો ન જાણે કેટલાય સંભવ જૈન આ વ્યવસ્થા અને એકલતાનો ભોગ બનતા રહેશે. જરૂર એ વાતની છે કે આપણે કાયદા અને વિવાદોથી ઉપર ઊઠીને માનવ જીવનને મહત્વ આપીએ અને એકબીજાનો સહારા બનીએ.

