Parenting Tips : બાળકોના નખ કાપતી વખતે રાખો ખાસ સાવધાની, જાણો નખ કાપવાની સાચી રીત

બાળકોના નખ કાપવા એક પડકારજનક કામ હોઈ શકે છે, કારણ કે તેમના હાથ-પગ ખૂબ જ નાજુક હોય છે અને તે સતત હલનચલન કરતા હોય છે. નાના બાળકો વારંવાર પોતાના હાથ ચહેરા અને આંખો પાસે લઈ જાય છે. જો તેના નખ લાંબા કે અણીદાર હોય, તો રમતી વખતે કે ઊંઘમાં તે પોતાના ચહેરા પર નખથી ચિરા પાડી શકે છે. તેથી સમયાંતરે નખ કાપવા જરૂરી છે, પરંતુ આવું કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ અનિવાર્ય છે.
ડોક્ટરનો અનુભવ અને સલાહ
ડોક્ટર જણાવે છે કે તેની પાસે એક એવા વાલીઓ આવ્યા હતા, જેણે બે દિવસ પહેલા જ બાળકના નખ કાપ્યા હતા. નખ કાપતી વખતે બાળકની થોડી ચામડી કપાઈ ગઈ હતી, જેના કારણે પહેલા થોડી લાલાશ થઈ અને પછી ત્યાં પરુ (Pus) થઈ ગયું. આના લીધે બાળકને તાવ પણ આવવા લાગ્યો હતો. આવી ગંભીર સ્થિતિથી બચવા ડોક્ટરે નીચે મુજબની ટિપ્સ આપી છે:
નખ કાપતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
૦ થી ૩ મહિનાના બાળકો માટે: આ ઉંમરના બાળકોના નખ કાપવા માટે નેઈલ કટરને બદલે ફાઈલર (Filer)નો ઉપયોગ કરવો જોઈએ. આ સમય દરમિયાન નખ ખૂબ જ નરમ હોય છે, તેથી તેને ઘસીને જ ટૂંકા કરવા વધુ હિતાવહ છે. ફાઈલરનો ઉપયોગ કરતી વખતે પણ ચામડી છોલાય નહીં તેનું ધ્યાન રાખો.
તમારા બાળકના નખ ફક્ત 3 થી 4 મહિનાના થાય ત્યારે જ કાપવા જોઈએ, જોકે, આવું કરતી વખતે ધ્યાન રાખો કે પ્રકાશ સારો હોય અને તમે સજાગ રહો. ચામડી કાપવાનું ટાળવા માટે નખ પર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને આ કાર્ય કરો.
જો ચામડી કપાઈ જાય તો શું કરવું?
જો પૂરી સાવધાની રાખવા છતાં ચામડી કપાઈ જાય, તો ગભરાવાને બદલે નીચેના સ્ટેપ્સ ફોલો કરો
1. સૌથી પહેલા તે ભાગને સારી રીતે સાફ કરો.
2. ત્યાં એન્ટી-સેપ્ટિક ક્રીમ લગાવો
3. કાપ નાનો હોય તો પણ તેના પર સતત નજર રાખો કે ત્યાં લાલાશ કે સોજો તો નથી આવતો ને?
4. જો સોજો વધી જાય, બાળક સતત રડે કે પરુ જેવું જણાય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આવી સ્થિતિમાં એન્ટી-બાયોટિક આપવી પડી શકે છે અથવા પરુ કાઢવા માટે તે જગ્યાને ડ્રેઇન (સાફ) કરવી પડી શકે છે.

