Parenting Tips: બાળકનું ભવિષ્ય સુધારવું હોય તો સાવધાન! વાલીઓની આ 5 રોજબરોજની આદતો બાળકોને ગેરમાર્ગે દોરે

બાળકના વિચાર, વાતો અને વર્તન પર સૌથી વધારે પ્રભાવ પરિવારના લોકોનો અને ખાસ કરીને માતાપિતાનો હોય છે. બાળક નાનપણથી જે જોવે છે તેને ગ્રહણ કરવા લાગે છે. બાળક માટે સ્કૂલમાં શિક્ષણ તો થોડા વર્ષો પછી શરુ થાય છે. પરંતુ તે ઘરમાં માતાપિતા પાસેથી સૌથી પહેલા બધું જ શીખવા લાગે છે. બાળકના વર્તન પર તેના ઘરના વાતાવરણનો પ્રભાવ સૌથી વધારે જોવા મળે છે. તેથી જ જરૂરી છે કે ઘરમાં બાળક જેમ જેમ મોટું થતું હોય તેમ તેમ માતાપિતાએ પણ થોડી સમજદારી રાખવી જોઈએ.
દરેક વ્યક્તિમાં સારી અને ખરાબ બંને આદતો હોય છે પરંતુ દરેક માતાપિતા ઈચ્છે છે કે તેનું બાળક સારું જ શીખે અને સારી વ્યક્તિ જ બને. જો માતાપિતા પોતાના બાળકને ગંદી આદતો, ખરાબ વર્તન અને ક્રોધથી દુર રાખવા માંગતા હોય તો ઘરમાં બાળકની સામે આ 5 કામ ક્યારેય કરવા નહીં. આ 5 કામ એવા છે જેને જોઈ બાળક નાની ઉંમરમાં ન શીખવાનું ઘણું બધું શીખી લેશે. પછી જ્યારે બાળક વયસ્ક થશે ત્યારે તેની આવી હરકતો માતાપિતાને જ તકલીફ કરાવે છે.
પોતાના પાર્ટનરનું અપમાન
દરેક દંપતિ વચ્ચે નાનામોટા ઝઘડા તો થતા જ હોય છે. પતિ પત્ની ઘરમાં મનમુકીને ઝઘડી પણ લેતા હોય છે પરંતુ જ્યારે બાળક આવી જાય અને તે મોટું થઈ રહ્યું હોય ત્યારે તેની સામે ઝઘડો કરવો નહીં અને કદાચ ઝઘડો થઈ પણ જાય તો બાળકની સામે પતિ એ પત્ની માટે કે પત્નીએ પતિ માટે અપમાનજક વાત ન કરવી. બાળકની સામે જો એકબીજાનું અપમાન કરશો તો બાળક અપમાનજક વાતો કરવાને નોર્મલ સમજવા લાગશે અને પછી તે પણ તમારું અપમાન થાય તેવું બોલતા શીખી જશે.
ખોટું બોલવું
બાળકની સામે માતાપિતાએ ખોટું બોલવાની ભૂલ પણ કરવી નહીં. ઘરમાં પત્ની પતિ સામે ખોટું બોલતી હોય કે પતિ પત્ની સામે ખોટું બોલે તે જોઈ બાળક ખોટું બોલવાની ખરાબ આદતને ઝડપથી શીખી લે છે અને પછી તે પણ નાની-મોટી વાતમાં ખોટું બોલવાનું શરુ કરી દે છે.
પ્રાઈવેટ મેટરની ચર્ચા
એ વાતમાં કોઈ શંકા નથી કે સંતાનના જન્મ પછી પણ કપલ વચ્ચે પતિ-પત્નીના સંબંધો રહેવાના જ હોય છે પરંતુ બાળકની સામે એવી હરકતો ન કરો જેથી તેની માનસિકતા પર ખરાબ અસર પડે. બાળકની સામે એકબીજા સાથે પ્રાઈવેટ મેટેરની ચર્ચા પણ ન કરો. બાળકો તમારી વાતના શબ્દો પકડી તેના વિશે જાણવા તમને જ પ્રશ્નો કરશે. અને બાળકના આવા પ્રશ્નોના જવાબ આપવા મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર બાળકો આ પ્રકારની વાતો સાંભળે પછી બીજા સામે બોલી પણ દેતા હોય છે.
અપશબ્દો બોલવા
બાળકની સામે અપશબ્દો પણ બોલવા જોઈએ નહીં. બાળક અપશબ્દોનો અર્થ નથી સમજતા પરંતુ તેને બોલવાનું શીખી લેતા હોય છે. ઘણા બાળકો રમત રમતમાં અપશબ્દો બોલી પણ દેતા હોય છે. આવી સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે બાળક કોઈ શબ્દો વારંવાર માતાપિતા પાસેથી સાંભળે. તેથી ઘરમાં બાળક આવે પછી ભાષાનું ખાસ ધ્યાન રાખવું.
દારુ અને સિગરેટ પીવા
હવે માતાપિતા મોર્ડન લાઈફસ્ટાઈલ જીવતા થઈ ગયા છે. વીકેન્ડ પર મિત્રો સાથે પાર્ટીઓ કરવી, ફરવા જવું એ લાઈફસ્ટાઈલનો એક ભાગ છે. જેમાં દારુ અને સિગરેટ પીવા જેવા વ્યસન પણ આવી જાય છે. પરંતુ બાળકની સામે માતાપિતાએ આ કામ કરવું નહીં. બાળક નાનપણથી પોતાના માતાપિતાને દારુ પીતા સિગરેટ પીતા જોશે તો તેનું અનુકરણ કરશે પણ ખરા. ઘણા બાળકો તો ટીનએજમાં જ દારુ અને સિગરેટ પીવા જેવા અનુભવ ઉત્સુકતાના કારણે કરવા પ્રેરાઈ જાય છે. તેથી વ્યસન જેવી ગંભીર બાબતને બાળક સામે અપનાવી તેને નોર્મલ ન બનાવવી.

