વિદાય લેતા ચોમાસામાં કયા શાકભાજી ખાવા? આયુર્વેદમાં બતાવ્યા છે આ 5 શ્રેષ્ઠ વિકલ્પો

ચોમાસાની ઋતુ પૂરી થવા તરફ છે. હવામાન બદલાઈ રહ્યું છે અને આ મોસમમાં પણ ઘણા બધા ઈન્ફેક્શન ઝડપથી ફેલાય છે. વાતાવરણમાં ભેજ અને ઠંડક દિવસેને દિવસે વધી રહી છે, એવામાં ખાવા-પીવાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આયુર્વેદ મુજબ આ મોસમમાં ઊગતી કેટલીક સીઝનલ (મોસમી) શાકભાજી જ ખાવી જોઈએ. જે માત્ર પાચનને સરળ જ નથી બનાવતી, પરંતુ કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શન થતા પણ અટકાવે છે. આયુર્વેદમાં બતાવવામાં આવેલા આ શાકભાજી જ લોકોએ ખાવા જોઈએ. સાયન્સ મુજબ પણ સીઝનલ શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
એવા શાકભાજી જેની ઉપરની છાલ પાતળી હોય છે અને કીડા પડવાની શક્યતા વધુ હોય છે, જેમ કે રીંગણ, ભીંડા, આ બધું ખાવાનું ટાળવું જોઈએ. જાણો હિંદુ મહિના ભાદરવામાં કયા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ભાદરવા મહિનામાં કયા શાકભાજી ખાવા જોઈએ?
પરવળ
પરવળનું શાક ખાવાના ઘણા બધા ફાયદા છે. તો વળી આ શાકભાજીની બહારની છાલ જાડી અને કડક હોય છે, જેથી તેમાં કીડા પડવાનો ચાન્સ સૌથી ઓછો હોય છે. આ શાકમાં વિટામિન એ, બી1, બી2, સી અને બીજા ઘણા મિનરલ્સ હોય છે. ફાઈબર હોવાના કારણે પરવળ પાચન માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. બદલાતા હવામાનમાં પરવળનું શાક ખાવું ફાયદાકારક છે.
દૂધી
દૂધી પણ એવા શાકભાજીમાં ગણાય છે, જેમાં કીડા પડવાનો ચાન્સ નહિવત હોય છે. આ સરળતાથી પચી જતું શાક છે. એટલા માટે જ નબળા પાચન અને બીમારીની સ્થિતિમાં દૂધી ખાવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને રાત્રે દૂધી ખાવી સૌથી વધુ ફાયદાકારક રહે છે.
તુરિયાં
ચોમાસાની ઋતુમાં તુરિયાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેની અલગ-અલગ જાતોમાંથી કડક ધાર વાળાં તુરિયાં ખાવાં સારાં રહે છે, કારણ કે તેની બહારની છાલ જાડી હોય છે અને તેમાં કીડા વગેરે નથી પનપતા. ફાઈબરની સાથે તુરિયાંમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ પૂરતા પ્રમાણમાં હોય છે. જેના કારણે બદલાતી મોસમમાં તુરિયાં ખાવાં ફાયદાકારક છે.
કંટોલા
આ શાક ચોમાસા પછીની સીઝનમાં સૌથી વધુ આવે છે. આ શાકભાજી ખાવાના ઘણા બધા ફાયદા છે. બ્લડ સુગર કંટ્રોલ કરવામાં, પાચનમાં અને શરીરની ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) વધારવી હોય તો ખોરાકમાં કંકોડા જરૂર સામેલ કરો. સીઝનલ શાકભાજી સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે.
સરગવાની જાડી સીંગો
ચોમાસા પછીની સીઝનમાં સરગવાની જાડી સીંગો બજારમાં સરળતાથી મળી જશે. આ ખાવાથી એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે અને સાથે જ ઈમ્યુનિટી પણ વધે છે. તો વળી જો તમે સરગવાના પાનનું શાક કે ચટણી બનાવીને ખાઓ છો તો તેનાથી પણ ઘણા ફાયદા જોવા મળે છે.
ચોમાસું પૂરું થવાના સમયે અને હિંદુ મહિના ભાદરવામાં આયુર્વેદ અને ધર્મ બંને અનુસાર આ 5 પ્રકારના શાકભાજી ખાવા ફાયદાકારક છે. સાથે જ બેસીઝન મળતા ફ્લાવર, કોબીજ જેવા શાકભાજીને ટાળવા ખૂબ જરૂરી છે.

