Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : When, how much and how to give ghee in a child's diet?

Health Tips: બાળકના આહારમાં ઘી ક્યારે, કેટલું અને કેવી રીતે આપવું?

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips: બાળકના આહારમાં ઘી ક્યારે, કેટલું અને કેવી રીતે આપવું?
સોર્સ : GSTV

- મહેશ ભટ્ટ

App Store

પોતાના બાળકનો બાંધો સુદ્રઢ બને, તે નિરોગી, તંદુરસ્ત અને જોતાની સાથે જ મનમાં વસી જાય એવું રુના ગાભલા જેવું થાય એમ સૌ માતાપિતા ઈચ્છે છે. વાસ્તવમાં તો આ માટેની કાળજી અને પ્રયાસો તો શિશુ માતાના ઉદરમાં હોય ત્યારથી જ શરૂ થાય છે અને તેના જન્મ પછી માતા પોતાના વ્હાલસોયા સંતાનને ઉત્તમ શારીરિક અને માનસિક આરોગ્ય પ્રાપ્ત થાય, તેનો સમતોલ વિકાસ, વૃદ્ધિ થાય તે માટે તમામ પ્રયાસ કરે છે.

આ માટે શરુઆતમાં માતાનું દૂધ શ્રેષ્ઠ છે. ઉંમર વધવા સાથે બાળકના ભરણપોષણ માટે માતા તેને બાહ્ય આહાર આપવાનું શરું કરે છે. બાળકની તંદુરસ્તી માટે ઉત્સાહધેલી માતા બાળકને આહારમાં અન્ન સાથે વિવિધ શાકભાજી, ફળફળાદિ ઉપરાંત ઘી, દૂધ જેવા પૌષ્ટિક પદાર્થો ખાસ ધ્યાન રાખીને આપે છે.

જોકે,બાળકને તંદુરસ્ત બનાવવામાં પૌષ્ટિક પદાર્થોનું  શું મહત્વ, તે બાળકને કઈ વયે કેટલા પ્રમાણમાં અને કયા સ્વરૂપે અપાય તે વિશે યોગ્ય સમજ જરુરી છે. બાળકને  જે  પૌષ્ટિક   પદાર્થો   આપવાનો વિશેષ આગ્રહ રખાય છે એમાં શુદ્ધ ઘીનો ખાસ સમાવેશ હોય છે. આ સંદર્ભમાં બાળક માટે  સમતોલ અને સંપૂર્ણ આહારમાં ઘીનું મહત્વ શું છે  તે સમજવા જેવું છે.

આહાર, આયુર્વેદિક  ઉપચાર, ક્રિયાકાંડ એમ અનેક રીતે સદીઓથી ઉપયોગી અને અનેક રીતે  ગુણકારી ઘીનું માત્ર બાળકોના જ નહીં પરંતુ આપણા  સૌના  આહારમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઘીના ગુણધર્મ  અને તેના સેવનથી તથા  સ્વાસ્થ્યવર્ધક લાભ તો અનેક છે. એટલે જ સંસ્કૃતમાં કહેવત છે કે  'ઋણં કૃતવા ઘૃતં પીબેત' અર્થાત નાણા ન હોય તો પણ આરોગ્ય માટે ન છૂટકે દેવુ કરીને પણ ઘી ખાવું જ જોઈએ.

ઘીના આરોગ્યપ્રદ ગુણ જોતાં બાળકોના આહારમાં તે અનિવાર્ય છે.''ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ'' જર્નલમાં  પ્રસિદ્ધ  એક લેખ મુજબ શિશુ છ માસનું થાય તે પછી શક્તિ અને પોષક તત્વોની વધતી જતી  તેની આવશ્યક્તા પૂરી કરવા માત્ર માતાનું દૂધ પૂરતું નથી. આ કારણે, શિશુના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે માતાના દૂધ સાથે પૂરક આહાર પણ જરુરી છે. આવા તબક્કે, ઘીનો આહારમાં સમાવેશ લાભકારી બને. શક્તિ  આપવાના  ગુણવાળું ઘી ઉછરતા (વૃદ્ધિ પામતા) બાળક માટે જરુરી અમુક વિટામિન્સ,ચરબી  અને  ફેટિ એસિડ્સ  પૂરાં પાડે છે. આ ઉપરાંત,ઘીથી બાળકને  તથા અન્ય તંદુરસ્તીવર્ધક લાભ આ મુજબ  છે  :  

૧. મગજનો વિકાસ : 

બાળકના  મગજના વિકાસમાં તેમજ તેની શીખવાની લગન તથા યાદ રાખવાની ક્ષમતાની વૃદ્ધિમાં ઘી મદદરૂપ થાય છે. ધીમાંના ઓમેગા- ૩ ફેટિ એસિડ્સ તથા લિનોલીક એસિડ શિશુના મગજનો વિકાસ કરે છે. છેક બાળપણથી ઘીનું સેવન કરવાથી પછીનાં વર્ષો  દરમિયાન અવયવોની વિકૃતિથી થતા ચિત્તભ્રમ (મનોનાશ) જેવા રોગોનું જોખમ ટળી શકે છે.

૨. વજનમાં વધારો  : 

શિશુને જરુરી ફેટ  અને પોષક તત્વો તો પ્રાથમિકપણે માતાના દૂધમાંથી જ મળી રહે છે. પરંતુ તે જ્યારે છ માસનું થાય ત્યારે તેને વધારાની ઉર્જા   અને કેલેરીની જરુર પડે છે જે  ફક્ત માતાના દૂધમાંથી મળી ન શકે.  એ સ્થિતિમાં શિશુ  કૂપોષણનો ભોગ બની શકે અને તેનું  વજન  ઘટી શકે  છે.પરંતુ  અનુકૂળ માત્રામાં તેને  ઘી  અપાય તો તેના સ્નાયુ સુદ્રઢ થાય છે અને હાડકાં મજબૂત બને છે. જોકે, ઘીથી શિશુમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું નથી કે હ્રદયરોગ અને સ્થૂળતા આવવાનું જોખમ રહેતું નથી તથા તંદુરસ્તીપૂર્ણ રીતે તેનું વજન વધે છે.

૩.  રોગપ્રતિકારક શકિતમાં વધારો :

ઘી  અને મધમાં શુદ્ધ સોનાની રજ ભેળવીને આયુર્વેદિક ચાટણ(ઔષધ)સ્વર્ણ બિન્દુ પ્રાશન તૈયાર કરાય છે. એક  અભ્યાસ  મુજબ  બાળકને સવારે નયણા કોઠે આ પ્રાશન આપવાથી તેની રોગ પ્રતિકાર શકિત વધે છે.

સોનાની રજથી રોગપ્રતિકારક શકિત વધે છે.

એની સાથેનાં ઘી અને મધ સોનાની આ શક્તિ પરની અસર વધુ ઝડપી અને સારી બનાવનાર ઉત્પ્રેરક(કેટલિસ્ટ)ની ભૂમિકા ભજવે છે. નબળી રોગ પ્રતિકારક શકિત સાથે જન્મેલાં શિશુને આ પ્રાશન આપવાથી તેની  રોગ પ્રતિકારક  શકિત  વધે  છે.

૪. લેકટોઝ ઈનટોલરન્સમાં રાહત :  

દૂધમાં રહેલી શર્કરા(લેકટોઝ)ને પચાવી ન શકતાં થતી તકલીફ એટલે લેકટોઝ ઈનટોલરન્સ.  એક અભ્યાસ મુજબ ઘીમાં હેલ્ધિ અને અનહેલ્ધિ મળીને ૯૯.૩ ટકા  ફેટ  હોવા  છતાં   લેકટોઝ અને દૂધમાંની અન્ય શર્કરા ગેલેક્ટોઝ પણ નજીવા પ્રમાણમાં હોય છે. એકદમ  નાની  વયના શિશુને દૂધ અને તેનાં અન્ય  ઉત્પાદનો  આપવામાં  આવે  તો ઘણી વખત તેમને  લેકટોઝ  ઈનટોલરન્સની  તકલીફ  થતી  હોય  છે.આ તકલીફ  થવામાં શિશુની  નાની વય ઉપરાંત તેનાં  આનુવંશિક પરિબળો પણ કારણરૂપ  હોઈ  શકે  છે. પરંતુ ઘી લેકટોઝના પાચનમાં મદદ કરે  છે  એટલે શિશુ માટેના  ઓછા  પ્રમાણમાંના  ગેલેક્ટોઝવાળા  આહારમાં  ઘીનો  સમાવેશ કરી  શકાય. ટૂંકમાં, દૂધ કે તેની બનાવટો પચાવવામાં ઘી સહાય કરે છે.

૫. ખરજવાનો ઈલાજ : 

ખરજવું ત્વચાનો એક રોગ છે. જેમાં ચામડી લુખ્ખી થવા સાથે સોજો તથા ખંજવાળ આવે છે. ત્વચા  પર  ભીંગડાંવાળાં ચકામાં થાય છે. અમેરિકન  એકેડેમી ઓફ ડર્મટોલોજીના  જણાવ્યા  મુજબ  ખરજવું  હોય  એવા  ૯૦ ટકા લોકોને અગાઉ તેઓ પાંચ વર્ષથી નાની વયનાં હોય ત્યારે આ ત્વચારોગ થઇ ચૂક્યો હોય છે. આનું  મુખ્ય કારણ રોગપ્રતિકારક શકિતની નિષ્ક્રિયતા છે. શિશુના કેસમાં ખરજવાના  વિસ્તારમાં ઘી લગાવવાથી ત્વચા નરમ અને સ્નિગ્ધ થાય છે અને મહદ અંશે ખરજવાનાં લક્ષણો મટાડી શકાય છે.

૬. ખોરાક પચવામાં સહાયરૂપ: 

એક  અભ્યાસ મુજબ શરીર દ્વારા સહેલાઈથી પચાવાય તેવા શોર્ટ  ચેન  સંતૃપ્ત  (સેચ્યુરેટેડ)  ફેટિ એસિડ્સ  ઘીમાં  હોય છે. છ માસની વય પછી શિશુનું પાચનતંત્ર વિકસી  રહ્યું હોય અને તમામ પ્રકારના ખાદ્ય પદાર્થ  પચાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી રહ્યું હોય તેવે સમયે શિશુ   સહેલાઈથી ખાઈ શકે અને પચાવી શકે એવા  અર્ધ પ્રવાહી ખાદ્ય પદાર્થ તરીકે ઘીની ગણના કરવામાં આવે છે. વળી,પાચન માર્ગમાં વધુ પ્રમાણમાં પિત્તરસ પેદા થવામાં ઘી સહાય કરે છે અને એ રીતે પણ ખોરાક પચવામાં ઘી મદદરૂપ થાય છે.

૭. શિશુ માટે ઘીનું યોગ્ય પ્રમાણ :

શિશુ પાંચ માસ પૂરા કરે તે પછી તેને રોજ બેત્રણ ટીપાં જેટલું ઘી અપાય એમ નિષ્ણાતો સૂચવે છે. છ માસનું થાય તે બાદ અર્ધ પ્રવાહી ખોરાકમાં લગભગ એક ટીસ્પૂન ઘી ઉમેરી તેને આપી શકાય. એક વર્ષનું થવા આવે ત્યાં સુધીમાં ધીનું આ પ્રમાણ વધારીને દિવસમાં  બે વખત એકથી દોઢ ટીસ્પૂન જેટલું કરી શકાય.

૮. ઘી કેવી રીતે આપી શકાય? : 

ઉપમા, ખિચડી, દાળભાત, રોટલી, પૂરી, રાબ વગેરેમાં 

ઘી મેળવીને  બાળકને  આપી  શકાય. સદીઓથી શિશુને આહારમાં ઘી આપવામાં આવે છે.નિષ્ણાતોના મતે બજારુ ઘી કરતાં ઘરે  બનાવેલું   ઘી ઉત્તમ છે કેમકે તેમાં ન તો કોઈ રસાયણો કે ન તો કોઈ અન્ય ઘટક  પદાર્થો  હોય છે.  ઘીમાં ફેટ ઉપરાંત વિટામીન એ,ડી,ઈ અને એન્ટીઓક્સિડન્ટસ ભરપૂર માત્રામાં હોય  છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર  ઘીમાં અનેક પ્રકારનાં  જરુરી  પોષક  તત્વો  હોય છે જે બાળકોના વૃદ્ધિ-વિકાસ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમને માટે ગાયનું ઘી વધુ ગુણકારી મનાય છે. વલોણાના માખણને તાવીને બનાવેલું એટલે કે તાવણીનું ઘી ઉત્તમ કહેવાય છે. બાળકોની ત્વચા નાજુક અને  કોમળ હોય છે. રોજ થોડુંક ઘી ખાવાથી તેમની ત્વચામાં સ્નિગ્ધતા(ભેજ) રહે છે  અને વાળ મજબૂત બને  છે.

શરીરના વિકાસ, વૃદ્ધિ, તંદુરસ્તી માટે પ્રોટિન, વિટામિન્સ, મિનરલ્સયુક્ત પદાર્થો  જરુરી છે. પરંતુ આવા  પદાર્થો  માત્ર ખાવા કે   ખવડાવવા એ પૂરતું નથી.તેનું યોગ્ય રીતે પાચન થાય,તેમાંનાં પોષક  તત્વો લોહી ભળે એ અત્યંત  જરૂરી છે.બાળકોના કિસ્સામાં  પણ આ મહત્વની બાબત છે. શિશુની  વય, તેની  એકંદર  તંદુરસ્તી, તેની  પાચનશક્તિ અને તેની ચંચળતા જેવી બાબતોને ધ્યાનમાં લઈ  તેના  આહારમાં ઘીનો સમાવેશ કરવામાં  આવે તો ઘીનાં પોષક તત્વોનો તેને લાભ મળે અને પોતાનું  પ્રાણપ્રિય  સંતાન હૃષ્ટ પુષ્ટ, તંદુરસ્ત થાય, ઢીંગલા જેવું બને અને સદાય હસતુંરમતું, હેલ્ધિ રહે એવું  સૌ  માતાપિતાનું  સ્વપ્ન પૂરું થાય!