Health Tips : વિટામિન Dની ઉણપથી શરીર બની જશે ખોખલું! જાણો લક્ષણો અને ડાયટમાં કઈ વસ્તુઓ રાખવી જરૂરી

વિટામિન D ની ઉણપ હોય તો એવું માનવામાં આવે છે કે આપણા હાડકાં નબળાં થવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની અછત શરીરના ઇમ્યુન સિસ્ટમ (રોગપ્રતિકારક શક્તિ)ને પણ નબળી પાડે છે? આ વિટામિનને આપણું શરીર પોતે બનાવે છે, પરંતુ તેનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ (તડકો) છે. શું તમે જાણો છો કે જો આ ઉણપ શરીરમાં સતત જળવાઈ રહે તો શું થાય છે?
આ તત્વની ઉણપ અંગે એક્સપર્ટ કહે છે કે જો શરીરમાં આ પોષક તત્વ ઓછું હોય, તો કેલ્શિયમ પણ બરાબર રીતે શોષાઈ (absorb) શકતું નથી. NCBIના એક રિપોર્ટમાં વર્ષ 2014માં આવેલા એક રિસર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિસર્ચ અનુસાર, ભારતની સામાન્ય વસ્તીમાં આશરે 70 થી 100 ટકા લોકોમાં વિટામિન D ની ઉણપ જોવા મળી છે.
આનાથી માત્ર શહેરના લોકો જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોની વસ્તી પણ પ્રભાવિત છે. અહીં જાણો વિટામિન Dની ઉણપ કેમ થાય છે? જો સતત આવું રહે તો શરીરમાં શું થાય છે? અને તેની પૂર્તિ કેવી રીતે કરી શકાય.
વિટામિન D ની ઉણપ સતત રહે તો શું થાય?
ડૉ. કહે છે કે, વિટામિન D આપણા શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વ છે, કારણ કે તે કેલ્શિયમને શરીરમાં શોષવામાં મદદ કરે છે અને હાડકાં, દાંત તથા સ્નાયુઓને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે શરીરમાં વિટામિન D ની અછત સર્જાય છે, ત્યારે કેલ્શિયમનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી, જેના કારણે હાડકાં નબળાં પડવા લાગે છે, સ્નાયુઓમાં દુખાવો, થાક, નબળાઈ, વારંવાર બીમાર પડવું અને સાંધામાં અસહજતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
વિટામિન D ની પૂર્તિ કેવી રીતે કરવી?
ડૉક્ટર રોહિત કહે છે કે ઘણા લોકો એવું માને છે કે માત્ર દૂધ પીવાથી વિટામિન Dની જરૂરિયાત પૂરી થઈ જાય છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે વિટામિન D નો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. સવારના હળવા તડકામાં નિયમિતપણે 15 થી 30 મિનિટ સમય વિતાવવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો
ખોરાકની વાત કરીએ તો ઈંડાની જરદી (yellow part), ફેટી ફિશ, મશરૂમ, ફોર્ટિફાઈડ દૂધ, દહીં અને કેટલાક અનાજમાં વિટામિન D જોવા મળે છે. આ સાથે જ કેલ્શિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, પનીર, દહીં, તલ, સોયાબીન અને લીલા પાંદડાવાળા શાકભાજી પણ ભોજનમાં સામેલ કરવા જોઈએ, કારણ કે વિટામિન D અને કેલ્શિયમ એકબીજાના પૂરક છે.
આ ભૂલો ન કરો
વધુ પડતો જંક ફૂડ, ખાંડયુક્ત પીણાં (સોફ્ટ ડ્રિંક્સ) અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછું કરવું જોઈએ. જે લોકોને લાંબા સમયથી નબળાઈ, હાડકાંમાં દુખાવો કે વારંવાર ફ્રેક્ચરની સમસ્યા થતી હોય, તેમણે ડૉક્ટરની સલાહ પર વિટામિન D ની તપાસ (બ્લડ ટેસ્ટ) કરાવવી જોઈએ. ડૉક્ટરની સલાહ વિના જાતે જ સપ્લીમેન્ટ્સ લેવાને બદલે સાચી તપાસ અને સંતુલિત આહાર પર ધ્યાન આપવું વધુ મહત્વપૂર્ણ છે.

