VIDEO: જીવલેણ ચાંદીપુરા વાયરસના શું છે લક્ષણો? જાણો તેનાથી બચાવના ઉપાયો
ચોમાસું શરૂ થતાં જ દેશમાં અનેક પ્રકારના ચેપી રોગોનો ખતરો વધી જાય છે. તાજેતરમાં જ ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના વધતા કેસો વચ્ચે હવે આરોગ્ય નિષ્ણાતોએ ગુજરાતમાં 'ચાંદીપુરા વાયરસ' (Chandipura Virus) ને લઈને લોકોને સાવધ કર્યા છે.
અહીં સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજસ્થાનના એક 6 વર્ષના બાળકનું મોત થયું હોવાના અહેવાલ છે. આ ઘટનાએ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ફેલાવાને લઈને નવી ચિંતાઓ જન્માવી છે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ બાળકને ચાર દિવસ પહેલાં જ દાખલ કરવામાં આવ્યું હતું.
હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ કેસો
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના અન્ય પાંચ શંકાસ્પદ કેસો પણ સામે આવ્યા હતા. જેમાંથી બે બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપી દેવામાં આવી છે, જ્યારે બાકીના દર્દીઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ, 26 જૂનથી 9 જુલાઈ વચ્ચે ચાંદીપુરા વાયરસના 7 શંકાસ્પદ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે, કેટલીક પરિસ્થિતિઓ આ વાયરસના સંક્રમણને અત્યંત ગંભીર અને જીવલેણ બનાવી શકે છે.
સંક્રમિતોમાં 'એન્સેફાલીટીસ' (મગજનો સોજો)નો ખતરો
ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી, ભૂતકાળમાં પણ તેના કેસો સામે આવી ચૂક્યા છે. વર્ષ 2024માં પણ ગુજરાતના ઘણા શહેરો ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેના કેસો નોંધાયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને પોતાનો શિકાર બનાવે છે. ઘણા કિસ્સાઓમાં સંક્રમણ થયાના એક-બે દિવસમાં જ બાળકની હાલત ગંભીર થઈ જાય છે. આ સંક્રમણની શરૂઆત સામાન્ય તાવ અને માથાના દુખાવાથી થાય છે.
પરંતુ, કેટલાક દર્દીઓમાં આ વાયરસ ખૂબ જ ઝડપથી મગજ સુધી પહોંચી જાય છે અને એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ (Acute Encephalitis Syndrome) એટલે કે મગજમાં સોજો પેદા કરે છે. જો સમયસર સારવાર ન મળે તો આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે.
ચાંદીપુરા વાયરસ વિશે ખાસ જાણો
ઉત્પત્તિ: ચાંદીપુરા એ 'રેબ્ડોવિરિડે' (Rhabdoviridae) ફેમિલીનો વાયરસ છે. તેની ઓળખ સૌથી પહેલા 1965માં મહારાષ્ટ્રના 'ચાંદીપુર' ગામમાં થઈ હતી.
કેવી રીતે ફેલાય છે?: આ વાયરસ મુખ્યત્વે મચ્છરો, ઈત્તરડી (Ticks) અને ખાસ કરીને 'સેન્ડફ્લાય' (રેતીની માખી/કાદવની માખી) કરડવાથી ફેલાય છે.
શરૂઆતના લક્ષણો:
1. સામાન્ય વાયરલ તાવ જેવી શરૂઆત.
2. અચાનક ખૂબ જ તેજ તાવ આવવો, માથાનો અસહ્ય દુખાવો અને શરીરમાં નબળાઈ આવવી.
3. થોડા જ કલાકોમાં અથવા 1-2 દિવસની અંદર બાળકોમાં ઉલ્ટી થવી, અતિશય સુસ્તી, ચિડચિડાપણું, ખેંચ (આંચકી) આવવી, ભ્રમ થવો કે બેભાન થઈ જવું જેવા લક્ષણો દેખાય છે.
ચોમાસામાં કેમ વધી જાય છે ખતરો?
મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, ચોમાસાની ઋતુમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સૌથી વધુ જોવા મળે છે. આ દિવસોમાં હવામાં ભેજ વધવાને કારણે 'ફ્લેબોટોમાઈન સેન્ડફ્લાય' (Sandfly) માખીઓનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ ખતરો વધારે હોય છે, જ્યાં લોકો અને પશુઓ એકબીજાની નજીક રહેતા હોય છે.
બચાવના ઉપાયો: આરોગ્ય નિષ્ણાતોના મતે, ચાંદીપુરા વાયરસના જોખમને ઓછું કરવા માટે ઘરની આસપાસ સાફ-સફાઈ રાખવી, કચરાનો યોગ્ય નિકાલ કરવો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો અત્યંત જરૂરી છે. જે વિસ્તારોમાં અગાઉ આ વાયરસના કેસ આવી ચૂક્યા છે, ત્યાંના લોકોએ વધુ એલર્ટ રહેવાની જરૂર છે.
નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

