Health: કેન્સરનું જોખમ છે કે નહીં તે જાણવા માટે આ ટેસ્ટ કરાવવા, જાણો સંપૂર્ણ લિસ્ટ

સોર્સ : GSTV
વિશ્વ કેન્સર દિવસ 2026: કેન્સરનું નિદાન જેટલું વહેલું થાય, તેના ઈલાજ અને બચવાની શક્યતા તેટલી જ વધી જાય છે. તેથી કેન્સર સ્ક્રિનિંગ ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. સમયાંતરે તમારે કેન્સરની કેટલીક તપાસ કરાવતા રહેવું જોઈએ, કારણ કે લક્ષણો દેખાય તે પહેલાં કેન્સરની જાણ થવાથી તેને શરીરમાં ફેલાતું અટકાવી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે કયા ટેસ્ટ કરાવવાથી કેન્સરના જોખમ વિશે જાણી શકાય છે? તમને કેન્સરનું જોખમ છે કે નહીં તે જાણવા માટે કયા ટેસ્ટ કરાવવા જોઈએ તે જાણો.
એવો કોઈ એક ટેસ્ટ નથી જે જણાવી શકે કે કેન્સરનું જોખમ છે. તમારે અલગ-અલગ કેન્સરની તપાસ માટે અલગ ટેસ્ટ કરાવવાની જરૂર હોય છે. આખા શરીર માટે કોઈ એક કેન્સર ટેસ્ટ હોતો નથી જે દરેક માટે યોગ્ય હોય. કેન્સરની તપાસ વ્યક્તિની ઉંમર, લિંગ, પારિવારિક ઈતિહાસ અને જોખમી પરિબળો પર આધાર રાખે છે.
મુખ્ય કેન્સર સ્ક્રિનિંગ ટેસ્ટ:
- મેમોગ્રાફી: સ્તન કેન્સરની વહેલી ઓળખ માટે (સામાન્ય રીતે 40 વર્ષ પછી, અથવા વધુ જોખમ હોય તો વહેલા).
- પેપ સ્મીયર + HPV ટેસ્ટ: સર્વાઇકલ (ગર્ભાશયના મુખના) કેન્સરની તપાસ માટે.
- કોલોનોસ્કોપી / સ્ટૂલ ટેસ્ટ (FIT): મોટા આંતરડાના કેન્સર માટે.
- ઓરલ એક્ઝામિનેશન (મોઢાની તપાસ): તમાકુનું સેવન કરનારાઓમાં મોઢાના કેન્સર માટે.
- લો-ડોઝ CT: ભારે ધૂમ્રપાન કરનારાઓમાં ફેફસાના કેન્સરના સ્ક્રીનિંગ માટે.
- જિનેટિક કાઉન્સેલિંગ/ટેસ્ટિંગ: જો પરિવારમાં નાની ઉંમરે વારંવાર કેન્સરના કિસ્સા બન્યા હોય.
શું બ્લડ ટેસ્ટ દ્વારા કેન્સરની જાણ થઈ શકે?
- ટોટલ બ્લડ કાઉન્ટ (CBC): જોકે CBC એ નિયમિત હેલ્થ ચેકઅપનો ભાગ છે, પરંતુ ડોક્ટરો તેનો ઉપયોગ રક્તકણોની અસામાન્ય સંખ્યા તપાસવા માટે કરે છે, જે લ્યુકેમિયા (બ્લડ કેન્સર) જેવા કેન્સરનો સંકેત હોઈ શકે છે.
- ટ્યુમર માર્કર્સ: આ ટેસ્ટ લોહીમાં એવા પદાર્થોની ઓળખ કરે છે જેનો સંબંધ કેન્સર સાથે હોઈ શકે છે. આ માર્કર્સ કેન્સરના કોષો દ્વારા અથવા કેન્સર સામે શરીરની પ્રતિક્રિયા રૂપે ઉત્પન્ન થાય છે.
- સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ ટેસ્ટ: આ ટેસ્ટ એવા કેન્સર કોષોની તપાસ કરે છે જે ટ્યુમરથી અલગ થઈને બ્લડ ફ્લોમાં ફરી રહ્યા હોય. તેનો ઉપયોગ સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરની દેખરેખ માટે થાય છે.
- બ્લડ પ્રોટીન ટેસ્ટ: લ્યુકેમિયા અને લિમ્ફોમા જેવા કેન્સર લોહીમાં પ્રોટીનના સ્તરમાં અસાધારણતા પેદા કરી શકે છે, જે આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે.

