VIDEO: ચોમાસામાં ભૂલથી પણ ન કરો બેદરકારી! આ 5 રોગો બની શકે છે જીવલેણ
ચોમાસાની ઋતુ માત્ર ગરમીથી રાહત નથી અપાવતી, પરંતુ પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આ ઋતુમાં કાદવ-કચરો, ભરાયેલા પાણી અને મચ્છરોની વધતી સંખ્યાના કારણે અનેક રોગો ફેલાય છે. સામાન્ય રીતે આ દિવસોમાં લોકોને શરદી-ઉધરસ થતું હોય છે, પરંતુ જો તેમાં બેદરકારી રાખવામાં આવે તો આ નાની બાબતો પણ મોટી બીમારીનું રૂપ લઈ શકે છે. અહીં જાણો ચોમાસામાં સૌથી વધુ થતી ૫ મુખ્ય બીમારીઓ, તેના લક્ષણો અને બચવાના સરળ ઉપાયો.
ડેન્ગ્યુ (Dengue)
ડેન્ગ્યુ એ મચ્છરના કરડવાથી ફેલાતો રોગ છે. તેનો એડીસ (Aedes) મચ્છર ચોખ્ખા/સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. ચારમાંથી કોઈપણ એક વાયરસ ધરાવતો મચ્છર કરડવાથી ડેન્ગ્યુ તાવ આવી શકે છે. જ્યારે આ મચ્છર કોઈ સંક્રમિત વ્યક્તિને કરડે છે, ત્યારે તે વાયરસ મચ્છરના શરીરમાં જાય છે અને ત્યારબાદ તે જ્યારે બીજી વ્યક્તિને કરડે છે, ત્યારે વાયરસ તેના શરીરમાં પ્રવેશે છે. આ તાવના લક્ષણો કરડ્યાના 4 થી 5 દિવસ પછી દેખાવા લાગે છે.
લક્ષણો:
તીવ્ર (ખૂબ વધારે) તાવ આવવો
માથામાં અને આંખોની પાછળ દુખાવો થવો
શરીર અને સાંધામાં અસહ્ય દુખાવો થવો
ત્વચા પર લાલ ચકમા (દાણા) ઉપસી આવવા
પ્લેટલેટ્સ (Platelets) ઘટી જવા
2. મલેરિયા (Malaria)
મલેરિયા એ માદા એનોફિલિસ (Anopheles) મચ્છરના કરડવાથી ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર, મલેરિયા ફેલાવતા પરજીવીઓ (Parasites)ની 5 પ્રજાતિઓ મનુષ્યોને સંક્રમિત કરી શકે છે, જેમાંથી Plasmodium falciparum અને Plasmodium vivax સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે.
લક્ષણો:
ઠંડી લાગીને તીવ્ર તાવ આવવો
ખૂબ પરસેવો થવો
અસહ્ય માથાનો દુખાવો
નબળાઈ અને થાક અનુભવાવો
3. ટાઈફોઈડ (Typhoid)
ટાઈફોઈડ એ સાલ્મોનેલા ટાઈફી (Salmonella typhi) નામના બેક્ટેરિયાથી ફેલાતી ગંભીર બીમારી છે. આ મુખ્યત્વે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે. તેની શરૂઆત તીવ્ર તાવથી થાય છે. યોગ્ય સારવારથી તે 7 થી 14 દિવસમાં મટી જાય છે, પરંતુ જો સારવારમાં વિલંબ થાય તો તે અઠવાડિયાઓ સુધી રહી શકે છે.
લક્ષણો:
સતત તીવ્ર તાવ રહેવો
પેટમાં દુખાવો થવો
ભૂખ ઓછી લાગવી
શરીર શૂન્ય થઈ જવું કે નબળાઈ આવવી
ઝાડા અથવા કબજિયાત થવી
4. વાયરલ ફીવર (Viral Fever)
ચોમાસાની ઋતુમાં સૌથી વધુ જોવા મળતો રોગ વાયરલ ફીવર છે. જ્યારે આપણા શરીરમાં કોઈ વાયરસ પ્રવેશે છે, ત્યારે આપણું ઇમ્યુન સિસ્ટમ (રોગપ્રતિકારક શક્તિ) તેની સામે લડવા માટે શરીરનું તાપમાન વધારે છે, જેને આપણે વાયરલ ફીવર કહીએ છીએ. આ સંક્રમિત વ્યક્તિના ઉધરસ કે છીંક ખાવાથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે.
લક્ષણો:
તીવ્ર તાવ આવવો
ગળામાં ખરાશ કે દુખાવો થવો
શરદી અને ઉધરસ
આખા શરીરમાં દુખાવો અને થાક
5. લેપ્ટોસ્પાયરોસિસ (Leptospirosis)
આ બીમારી લેપ્ટોસ્પાયરા (Leptospira) નામના બેક્ટેરિયાથી ફેલાય છે. સંક્રમિત પ્રાણીઓ (જેમ કે ઉંદર વગેરે) ના પેશાબથી દૂષિત થયેલા પાણી કે માટીના સંપર્કમાં આવવાથી આ રોગ થાય છે. ચોમાસામાં ભરાતા પાણીના કારણે તેનો ખતરો વધી જાય છે.
લક્ષણો:
તીવ્ર તાવ અને માથાનો દુખાવો
સ્નાયુઓમાં (Muscles) અસહ્ય દુખાવો
આંખો લાલ થઈ જવી
ગંભીર કિસ્સાઓમાં કિડની કે લીવર પર અસર થવી
બચવાના સરળ ઉપાયો
ઘરની આસપાસ ક્યાંય પણ ગંદુ કે સ્થિર પાણી ભરાઈ રહેવા ન દો.
મચ્છરોથી બચવા માટે આખી બાયના (પૂરા હાથના) કપડાં પહેરો અને મચ્છરદાનીનો ઉપયોગ કરો.
ભીડભાડવાળી જગ્યાઓ પર જતી વખતે સાવચેતી રાખો અને હાથ વારંવાર સાફ કરતા રહો.
હંમેશા ઉકાળેલું કે ફિલ્ટર કરેલું ચોખ્ખું પાણી જ પીઓ.

