Health Tips : જમવાનું વારંવાર ગરમ કરીને ખાવ છો? તરત જ છોડી દેજો આ ટેવ

આજકાલ લોકોને પોતાના માટે પણ સમય નથી મળતો જેના કારણે સરખું ખાવા-પીવાનો પણ ટાઈમ મળતો નથી. આ કારણે મોટાભાગના લોકો સમય બચાવવા એક સાથે ઘણું બધું જમવાનું બનાવી લેતા હોય અને તેને ગરમ કરીને ખાય છે. ઘણા ઘરોમાં આ રીતે ભોજન ગેસ કે પછી માઈક્રોવેવમાં ગરમ કરીને ખાવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે, તે કરવું કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. આ માટે જ આયુર્વેદમાં પણ તાજા બનાવેલા ભોજનને ખાવું જ સારું માનવામાં આવે છે. જો તમે પણ આવું કરતા હોય તો તરત જ બંધ કરી દો. હવે પ્રશ્ન એ છે કે ભોજનને વારંવાર ગરમ કરીને કેમ ન ખાવું જોઈએ? વારંવાર ગરમ કરીને ખાવાના નુકસાન શું છે? ચાલો જાણીએ આ વિશે.
ખોરાક વારંવાર ગરમ કરીને કેમ ન ખાવો?
આયુર્વેદ અનુસાર, તાજું બનાવેલું ભોજન જ આરોગ્યની સાચી ચાવી છે, જ્યારે એક જ ખોરાકને વારંવાર ગરમ કરીને ખાવાની આદત શરીરને ધીમે ધીમે ખોખલું કરી નાખે છે. આયુર્વેદમાં તેને સ્પષ્ટ રીતે ‘અહિતકર ભોજન’ કહેવામાં આવે છે. આ પ્રકારનું ભોજન શરીરના ત્રણેય દોષો વાત, પિત્ત અને કફને અસંતુલિત કરી દે છે.
વારંવાર ગરમ કરેલા ખોરાકના નુકસાન?
– વાત દોષ વધવાથી વ્યક્તિને બેચેની, ચિંતા, સાંધામાં દુખાવો અને અનિંદ્રા જેવી સમસ્યાઓ થવા લાગે છે. પિત્ત દોષ બગડવાથી એસિડિટી, ગેસ, મોઢામાં બળતરા, ત્વચા પર લાલાશ અને ગુસ્સો વધે છે.
- કફ દોષ વધવાથી આળસ, ભારેપણું, મોટાપો અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. લાંબા સમય સુધી આ પ્રકારનું ભોજન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી પણ સતત નબળી થવા લાગે છે.
– આ સ્થિતિમાં વ્યક્તિને હંમેશા થાક, સુસ્તી અને નબળાઈ અનુભવાય છે. નાની-નાની મોસમી બીમારીઓ પણ સરળતાથી પકડી લે છે. ચિંતા અને માનસિક પરેશાનીઓ ઘેરી રાખે છે. ખોરાકને ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો નષ્ટ થવા લાગે છે અને કેટલાક કિસ્સાઓમાં હાનિકારક યૌગિકો પણ બનવા લાગે છે, જે અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધારી શકે છે.
– આયુર્વેદ અનુસાર, “તાજું અને સાત્વિક ભોજન જ સૌથી મોટી ઔષધી છે.” જે ભોજન એકવાર બનાવીને તરત જ ખાઈ લેવાય, તે જ શરીરને પોષણ આપે છે અને રોગોથી બચાવે છે.

