Health Tips : શિયાળામાં ગોળ અને ચણા ખાવાના છે અગણિત લાભ, તમારા આહારમાં જરૂર કરો સામેલ

સોર્સ : GSTV
જેમ જેમ શિયાળાની ઠંડી વધે છે, તેમ તેમ ભારતીયો તેમના આહારમાં ગોળ અને ચણા (દાળિયા)ના પરંપરાગત મિશ્રણનો સામેલ કરે છે. આ પૌષ્ટિક નાસ્તો માત્ર ગામડાઓમાં જ નહીં પણ શહેરોમાં પણ લોકપ્રિય બન્યો છે. પરંતુ શું આ મિશ્રણ ખરેખર સ્વાસ્થ્ય માટે લાભકારી છે કે માત્ર એક દંતકથા? આ સવાલનો જવાબ આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટરે આપ્યો છે.
ડૉક્ટરના મતે, ગોળ અને ચણાને શિયાળામાં સાથે ખાવા શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ બંને વસ્તુઓ પોષક તત્વોથી ભરપૂર છે અને શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે.
પોષણનો પાવરહાઉસ: ચણા પ્રોટીન, બી વિટામિન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નો ઉત્તમ સ્ત્રોત છે, જ્યારે ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટો છે.
આ મિશ્રણ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોવાથી તે બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકને દિવસભર લાંબા સમય સુધી ઉર્જાવાન રાખે છે અને સુસ્તી દૂર કરે છે. ગોળ અને ચણા ખાવાના 5 મોટા ફાયદા નિષ્ણાતના મતે, શિયાળા દરમિયાન આ મિશ્રણનું સેવન કરવાથી શરીરને નીચે મુજબના મુખ્ય લાભ મળે છે:
રોગપ્રતિકારક શક્તિમાં વધારો: ગોળ અને દાળિયાનું સંયોજન રોગપ્રતિકારક શક્તિ (Immunity)ને મજબૂત બનાવે છે, જેનાથી શિયાળામાં સામાન્ય એવી શરદી અને ફ્લૂ જેવી મોસમી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
એનિમિયા દૂર કરે: ગોળ આયર્નનો ઉત્તમ સ્રોત હોવાથી તે શરીરમાં લોહીનું પ્રમાણ જાળવી રાખે છે. તેનું નિયમિત સેવન એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
હાડકાં અને સ્નાયુ મજબૂત: ગોળમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે, જ્યારે ચણાનું પ્રોટીન સ્નાયુઓને તાકાત આપે છે, જેનાથી નબળાઈ આવતી નથી.
પાચનતંત્ર સુધારે: ચણામાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન માટે ઉત્તમ છે. ગોળ પણ પાચનમાં મદદરૂપ થાય છે, જેથી પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.
શક્તિ અને ગરમી પ્રદાન: આ મિશ્રણ શરીરને જરૂરી ગરમી આપે છે અને શક્તિ પ્રદાન કરી શરીરને શિયાળાની ઠંડી સામે લડવા માટે તૈયાર કરે છે.

