VIDEO Health News: ઊંઘની ગોળીઓને કહો બાય-બાય! રાત્રે શાંત મગજે ઘસઘસાટ ઊંઘવા માટે કરો આ કામ
આજકાલ વધતા જતા સ્ટ્રેસ (તણાવ) અને એન્ઝાયટી (ચિંતા)ના કારણે ઊંઘ ન આવવી એ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે પથારીમાં સૂતા જ તેમના મનમાં અજીબોગરીબ વિચારો આવવા લાગે છે, તેઓ ઓવરથિંકિંગ (વધારે પડતું વિચારવું) કરવા લાગે છે; જેના કારણે ઊંઘ પણ ગાયબ થઈ જાય છે. કેટલીકવાર લોકોને એક અજાણ્યો ડર લાગવા માંડે છે, જેને 'સ્લીપ એન્ઝાયટી' પણ કહી શકાય. ઊંઘ ન આવવાને કારણે આખો દિવસ બગડે છે અને સવારે ઓફિસ કે કામનું ટેન્શન સતાવવા લાગે છે. આવી સ્થિતિમાં આનો ઈલાજ શું છે? કેટલાક લોકો ઊંઘની ગોળીઓ લેવાનું શરૂ કરી દે છે, પરંતુ તે કોઈ સેફ કે પરમેનન્ટ (કાયમી) ઓપ્શન નથી. તેથી અહીં તમને એવી ટિપ્સ જણાવશું, જે કુદરતી રીતે સારી ઊંઘ લાવવામાં તમને મદદ કરશે:
તમારા નેગેટિવ વિચારોને ચેલેન્જ કરો
ડિપ્રેશન કે એન્ઝાયટીમાં નેગેટિવ (નકારાત્મક) વિચારો આવવા ખૂબ જ સામાન્ય છે, ખાસ કરીને સૂતી વખતે. આવી સ્થિતિમાં તમારે પ્રયત્ન કરવો જોઈએ કે આવા વિચારોને ઓળખો અને તેના વિશે ન વિચારો. પરંતુ જો વારંવાર આવા વિચારો આવતા જ રહે, તો તેને ચેલેન્જ કરો. પોતાને સવાલ પૂછો કે શું ખરેખર પરિસ્થિતિ એટલી ગંભીર છે? જો હા, તો તેનાથી પણ મોટું વિચારો એટલે કે સૌથી ખરાબ પરિણામ શું આવી શકે તેના વિશે વિચારો અને પોતાના ડરનો સામનો કરો, ત્યારે જ તમે આમાંથી બહાર આવી શકશો.
બ્રીધિંગ (શ્વાસોચ્છવાસ) પર ફોકસ કરો
જો તમને બેચેની કે ગભરામણ થતી હોય, તો રિલેક્સ થઈને જમીન પર યોગાસનની મુદ્રામાં બેસી જાઓ. હવે લાંબા અને ઊંડા શ્વાસ લો અને તમારું આખું ધ્યાન શ્વાસ લેવા અને છોડવા પર કેન્દ્રિત કરો. જ્યારે તમે આવું કરો છો, ત્યારે મન તરત જ શાંત થઈ જાય છે.
દરરોજ એક્સરસાઇઝ કરવી
ડોકટરોના જણાવ્યા અનુસાર, જો તમે ડિપ્રેશન, એન્ઝાયટી કે કોઈપણ પ્રકારના તણાવથી પીડાતા હોવ તો નિયમિત કસરત ચોક્કસ કરો. વધારે નહીં તો દિવસમાં માત્ર 30 મિનિટ જ ફિઝિકલ એક્ટિવિટી કરો. કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવાથી શરીરમાં 'ફીલ ગુડ હોર્મોન્સ' રિલીઝ થાય છે, જેનાથી તમે ઘણું સારું અનુભવશો.
ખાનપાન પર ધ્યાન આપો
તમે જે ખાઓ છો તેની સીધી અસર તમારા મેન્ટલ હેલ્થ (માનસિક સ્વાસ્થ્ય) અને વિચારો પર પડે છે. તેથી જો તમને ડિપ્રેશન કે એન્ઝાયટીની સમસ્યા હોય તો જંક ફૂડ, માંસાહારી કે વધુ પડતું તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો. તેના બદલે શાકાહારી (વેજિટેરિયન) અને નેચરલ ફૂડને પ્રાધાન્ય આપો.
આયુર્વેદિક સપ્લીમેન્ટ્સ લઈ શકો છો
તમે કોઈ આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લઈને કેટલીક જડીબુટ્ટીઓ કે સપ્લીમેન્ટ્સ લઈ શકો છો. આયુર્વેદમાં શંખપુષ્પી, અશ્વગંધા, જટામાંસી અને બ્રાહ્મી જેવી ઘણી ઔષધિઓ છે, જે મગજને શાંત કરવામાં મદદ કરે છે અને સારી ઊંઘ લાવવામાં સહાયક બને છે.
પ્રકૃતિ (કુદરત) સાથે સમય વિતાવો
આપણું શરીર પંચતત્વ એટલે કે અગ્નિ, જળ, આકાશ, પૃથ્વી અને વાયુથી બનેલું છે. આથી તમે જેટલા આ તત્વોના સંપર્કમાં આવશો, એટલું જ વધુ સારું અનુભવશો. તેથી કોશિશ કરો કે તમારો થોડો સમય કુદરતની વચ્ચે વિતાવો. ગાર્ડનિંગ (બાગકામ) કરવું કે ઠંડા પાણીથી સ્નાન કરવું પણ તમને માનસિક શાંતિ આપી શકે છે.
તમારી ભાવનાઓ વ્યક્ત કરો
સૌથી મહત્વની વાત એ છે કે તમારા મનમાં જે પણ વસ્તુઓ ચાલી રહી હોય, તમારી જે પણ ભાવનાઓ હોય, તેને કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે શેર કરો. જે દિવસે તમે તમારી ફીલિંગ્સ વ્યક્ત કરી દેશો, તે જ દિવસે તમે માનસિક રીતે ખૂબ હળવાશ અનુભવશો.
નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

